શરીરમાં સાંધાનો અસહ્ય દુખાવો ઉંમર વધતાની સાથે લગભગ દરેકને જોવા મળે છે. અનેક લોકો આ સમસ્યાથી પીડાતા હોય છે. શરીરના સાંધા વચ્ચેની ગાદીની જેમ કામ કરતા કાર્ટિલેજ નાશ થવાના કારણે સાંધા એક-બીજા સાથે અથડાય છે અને ઓસ્ટિયો આર્થરાઈટિસ જેવી દુ:ખદાયક સમસ્યા પેદા થાય છે. હવે લોકોને આ દુખાવામાંથી રાહત મળવાની આશા જાગી છે.
આ સમસ્યાને લઈને અત્યાર સુધી એવું મનાતું હતું કે, એક વખત કાર્ટિલેજ ઘસાય જાય કે નાશ પામે ત્યાર બાદ બીજી વખત તે બનતા નથી. પણ હવે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓની તાજેતરની શોધથી મોટી આશા જાગી છે. નેચર મેડિસિનમાં પ્રકાશિત આ શોધ અનુસાર, વિજ્ઞાનીઓએ આર્થરાઈટિસથી પીડિત ઉંદરોનાં સાંધામાં નવા કાર્ટિલેજ વિકિસત કરવામાં સફળતા મેળવી છે. તેના માટે સ્ટેમ સેલનો ઉપયોગ કર્યો છે, જે હાડકાનાં ખૂણામાં નિષ્ક્રિય હતાં.
વિજ્ઞાનીઓએ તેમના જાગૃત કર્યા અને વિકસિત થવા પ્રેરિત કર્યા. નવી શોધ એવા ઉંદરો પર કરાઈ હતી જેમનાં ઘૂંટણમાં આર્થરાઈટિસ હતો. પ્રયોગમાં એવા ઉંદર પણ સામેલ કરવામાં આવ્યા હતાં જેમનામાં માનવ હાડકાં પ્રત્યારોપિત કરાયાં હતાં. બંને સ્થિતિમાં સામાન્ય કાર્ટિલેજ વિકસિત થયા હતાં. અગાઉ ઉંદર સારી રીતે ચાલી પણ શકતો ન હતો. કાર્ટિલેજ વિકસિત થયા પછી તેનું લંગડાવાનું બંધ થયું અને તેણે મોઢું બગાડવાનું પણ બંધ કરી દીધું. જે દર્શાવે છે કે, તે સાજો થઈ ગયો હતો.
સંશોધકોએ કહ્યું હતું કે, હવે તેઓ મોટા પ્રાણીઓમાં આ કાર્ટિલેજ વિકસિત કરીને સ્થિતિ તપાસશે. આશા છે કે તેમાં સફળતા મળશે અને આર્થરાઈટિસના ઈલાજથી પીડાતા લાખો લોકોની સારવારનો માર્ગ મોકળો બનશે. WHOના જણાવ્યા અનુસાર, 60 વર્ષથી વધુ ઉંમરના 9.6% પુરુષ અને 18% મહિલાઓ ઓસ્ટિયો આર્થરાઈટિસથી પીડિત હોય છે. ડોક્ટરોનો દાવો છે કે, ભારતમાં દર વર્ષે 1.5 કરોડ વયસ્ક ઓસ્ટિયો આર્થરાઈટિસનો ભોગ બને છે. 2025 સુધી આવા 6 કરોડ કેસ સાથે ભારત ઓસ્ટિયો આર્થરાઈટિસનું કેપિટલ બની શકે છે.