વર્ષ 2020 દેશ અને દૂનિયાની સાથે બોલિવૂડ માટે પણ ખુબ જ મુશ્કેલી ભર્યુ સાબિત થયું છે. ઈરફાન ખાન, ઋષિ કપૂર અને સુશાંતસિંહ રાજપૂત જેવા સ્ટાર દૂનિયાને ગુડબાય કહી ચૂક્યા છે. થોડા સમય પહેલા જ સંજય દત્તને કેંસર હોવાની પુષ્ટી થઈ છે. જેના પછી ચાહકો અને પરિવારજનો તેમના સ્વાસ્થ્યને લઈને પ્રાર્થના કરી રહ્યા છે. હવે આ મામલામાં સંજય દત્તના મિત્ર અને અભિનેતા સુનીલ શેટ્ટીએ પોતાનું નિવેદન જણાવ્યું છે.
એક ઈંટરવ્યુંમાં સુનિલ શેટ્ટીએ કહ્યું છે કે હંમેશા સંજય દત્ત માટે પ્રાર્થના કરીએ છીએ. તેણે કહ્યું છે કે સંજય દત્તના બિમાર થવાના સમાચાર મળ્યા છે. સવાર હોય કે સાંજ તે હંમેશા મારી પ્રાર્થનાઓમાં સામેલ છે. તે ખુબ જ મુશ્કેલી ભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે જલદીથી સ્વસ્થ થઈ જાય.
સુનિલ શેટ્ટીએ આ સિવાય ભારતીય સિનેમાના મહત્વપૂર્ણ અભિનેતાના મૃત્યુને લઈને પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે કહ્યું કે, તે આ દરેકને માત્ર અભિનેતાના રૂપમાં જ નહિં પરંતુ માણસના રૂપમાં પણ ખુબ જ પસંદ કરતા હતા અને હાલમાં આ તમામ દિગ્ગજોની ઉણપ જણાઈ રહી છે.
ઉલ્લેખનિય છે કે સંજય દત્ત થોડા સમય પહેલા પોતાની બહેન પ્રિયાની સાથે લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા. સંજય દત્તની પત્ની માન્યતા દત્તે જણાવ્યું છે કે સંજય દત્ત તેની શરૂઆતની પ્રાથમિક સારવાર મુંબઈમાં જ કરાવશે. ત્યારપછી તે અમેરિકા અથવા તો સિંગાપુર સારવાર માટે જશે. ઉલ્લેખનિય છે કે સંજય દત્તની આવનારી ફિલ્મોમાં સડક-2, શમશેરા, કેજીએફ-2, પૃથ્વીરાજ, ભુજ ધ પ્રાઈડ ઓફ ઈંડિયા, ટોરબાજ સામેલ છે. આમાંથી કેટલીક ફિલ્મોનું શુટિંગ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે કેટલીક ફિલ્મો એવી છે જેનું થોડુ કામ બાકી છે. હાલમાં જ તેમની ફિલ્મ સડક-2નું ટ્રેલર રિલીઝ થયું હતું. જેને નેપોટિઝમ ફેક્ટરના પગલે દર્શકોની જોરદાર નફરતનો સામનો કરવો પડ્યો છે.