અનોખો સેવાયજ્ઞ : મૈસુર રોડ સમાજ બેંગલોરમાં દર શનિવારે બહેનો દ્વારા સુજોગ થેરાપીથી અપાઇ રહી છે પ્રાકૃતિક સારવાર...
શ્રી પાટીદાર પરિવાર સમાજ મૈસુર રોડ બેંગલોરના ઉમિયા ભવન ખાતે મહિલા મંડળ દ્વારા દર શનિવારના સવારના ૯-૩૦ થી ૧૧-૩૦ સુધી સુજોગ થેરાપીથી જ્ઞાતિના લોકોની સારવાર કરવાનું ઉમદા કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
સમાજની જ બહેનો દ્વારા અનોખી સારવાર શરૂ...
સમાજ અને યુવક મંડળના સહકારથી સ્થાનિક મહિલા મંડળ દ્વારા ૧૮ સપ્ટેમ્બરના એક કાર્યક્રમનું આયોજન કરી આ ઇશ્વરીય કાર્યનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.સુજોગ થેરાપીનું જ્ઞાન મેળવેલ જ્ઞાતિની જ બહેનો દ્વારા આ અનોખી સારવાર આપવામાં આવી હતી.
આ સાત બહેનો પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ
મૈસુર રોડ સમાજની બહેનો પુષ્પા દિનેશ હળપાણી,રીટા સંદિપ છાભૈયા,શીલા મહેશ વેલાણી,હર્ષા નીતેશ વેલાણી,નિકિતા મહેશ વેલાણી ઉપરાંત ઈન્દિરા નગર સમાજના કમળા કાન્તિ ડાયાણી અને ખુશી કાન્તિ ડાયાણી એમ સાત બહેનોએ સુજોગ થેરાપીની પ્રાથમિક પરીક્ષા પાસ કરતાં સમાજના પ્રમુખ અને મંત્રી દ્વારા તેમના કાર્યને બિરદાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
કોર્ષ પુરો કરનારને પ્રમાણપત્ર અપાયા
આ અગાઉ સુજોગ થેરાપીનો કોર્ષ પુરો કરનાર ઉપરોક્ત સાત બહેનોને ઓનલાઈન પ્રમાણપત્ર આપવાનો કાર્યક્રમ ૧૩ સપ્ટેમ્બરના ઉમિયા ભવનમાં યોજાયો હતો જેમાં સુજોગ થેરાપીના પ્રશિક્ષક દક્ષાબેન તથા શ્રુતિબેન દ્વારા આ પ્રમાણપત્ર અપાયા હતા.
આ પ્રસંગે મૈસુર રોડ સમાજના ઉપપ્રમુખ રમેશભાઈ માવજીભાઈ વાગડિયા,યુવક મંડળના પ્રમુખ પ્રવિણભાઈ ધીરજલાલ પોકાર, યુવક મંડળના મહામંત્રી દિનેશભાઇ ભીમજી હળપાણી, મહિલા મંડળના પ્રમુખ વિમળાબેન ભદ્રેશભાઈ ભાદાણી, ઉપપ્રમુખ પ્રેમીલાબેન પુરૂષોત્તમ પોકાર, મંત્રી કમળાબેન મનીષભાઈ રૂડાણી સહિત મહિલા મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
સુજોગ થેરાપી શું છે?
કોરિયાના પ્રો.પાર્ક જે વુ ને ભારતના જયપુરમાં ચિકિત્સાની આ પધ્ધતિ પર મોટી સફળતા હાંસલ કરી હતી. સુજોગ થેરાપીમાં જ ૨૭ થી વધારે થેરાપી આવેલ છે જેમાં મુખ્યત્વે સુજોગ એકયુપ્રેશર, સુજોગ એકયુપંકચર, રંગ ચિકિત્સા ઉપરાંત ચુંબક અને હાસ્ય દ્વારા પણ સારવાર કરી શકાય છે.
કયા રોગમાં આ થેરાપી અસરકારક છે?
સુજોગ થેરાપીમાં અનેક પ્રકારની બીમારીઓનો ઈલાજ થાય છે. તાવ અને શ્વાસ સાથે જોડાયેલી ગંભીર બીમારી દમ ઉપરાંત વૃદ્ધાવસ્થાને કારણે પગ અને ઘૂંટણની તકલીફ હોય તો તેના ઉપચારમાં સુજોગ થેરાપી અસરકારક છે.સર્દી અને ખાંસીથી છુટકારો મેળવવા માટે આ અક્સીર ઈલાજ છે.