જય સનાતન ! : કોલ્હાપુરમાં સતપંથ સંપ્રદાયનો ત્યાગ કરી બે પરિવારો સનાતનના રંગે રંગાયા...હવે માત્ર પાંચ કુટુંબો રહયા !
કોલ્હાપુર પાટીદાર સમાજની ગઈકાલે મળેલ સભામાં ભાદાણીના બે પરિવારોએ સતપંથ સમાજનો ત્યાગ કરી સનાતનના મુખ્ય પ્રવાહમાં આવવાની જાહેરાત કરતાં સભાએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા અને સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
કોલ્હાપુર પાટીદાર સમાજની વાર્ષિક સામાન્ય સભા સોમવાર તા.27/9/2021ના રોજ બપોરના 2-30 કલાકે નૂતન પાટીદાર ભવન વાઠાર વડગામ મુકામે આનંદ અને ઉત્સાહીત વાતાવરણ સાથે યોજાઈ હતી જેમાં સમાજના પ્રમુખશ્રી ગોપાલભાઈ ભાવાણી,મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી ગોદાવરીબેન વાઘડીયા,સનાતન યુવક મંડળના પ્રમુખ શ્રી ભીખાલાલભાઇ ગોરાણી અને અન્ય સાથી મિત્રોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી હરીનામ સ્મરણ સાથે શુભ શરૂઆત કરવામાં આવી હતી.
ભાદાણીના બે પરિવારે સતપંથ છોડયો...
સદર સભાની વિશેષતામાં વડીલશ્રી રામજીભાઈ વાલજીભાઈ ભાદાણી અને તેમના નાના ભાઇ સ્વ.જેઠાભાઈ વાલજીભાઈ ભાદાણીના બે દીકરા દિપક અને કલ્પેશના પરિવારે પ્રેરણાપીઠ પિરાણા સતપંથ ધર્મનો ત્યાગ કરી સનાતન વિચારધારામાં ભગવાન લક્ષ્મીનારાયણ ધર્મનો હોશે હોશે અંગીકાર કર્યો હતો.
હવે માત્ર પાંચ સતપંથી બાકી રહયા...
આ બંને પરિવારના પરિવર્તનના ઉમદા વિચારોને અનુલક્ષીને સત્કાર કરવામાં આવતાં સભામાં આનંદીત વાતાવરણ સહ ભગવાન લક્ષ્મીનારાયણ,ઉમિયા માતાજી અને સનાતન ધર્મના જયઘોષ સાથે તાળીયોના ગડગડાટથી બને પરિવારને આવકારવામાં આવ્યા હતા. કોલ્હાપુર સમાજમાં હવે માત્ર પાંચ સતપંથી પરિવારો રહયા છે.
બંને પરિવારોએ સમવિચારોથી આજની સભામાં ઉપસ્થિત સર્વ ભાઇઓ તથા બહેનોને માટે ભોજન વ્યવસ્થાની જાહેરાત કરતાં આનંદમાં પરમાનંદના દર્શન થયાં હતાં.
સભા સમાપન કરતાં પ્રમુખશ્રી એ સૌ સભ્ય પરિવારોની ઉદારતાને વંદન સાથે ધન્યવાદ આપ્યા હતા. છેલ્લે ઉપપ્રમુખશ્રી ખેતશીભાઇએ આભાર વિધી કરતાં સભા પુર્ણની જાહેરાત કરવામાં આવી હતી.