Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

કલંકિત હત્યાકાંડ : સો મીલમાં ભાગ આપવાની ના પાડતાં સગા ફુઆ સહિત પરિવાના ચાર સભ્યોની કાતિલ હત્યા કરતો નરાધમ ભત્રીજો યોગેશ ભાવાણી... પશ્ચિમ બંગાળના શ્રીરામપુર સમાજના કાનાણી પરિવારની કરૂણ ઘટના...89138913 Views

કલંકિત હત્યાકાંડ : સો મીલમાં ભાગ આપવાની ના પાડતાં સગા ફુઆ સહિત પરિવાના ચાર સભ્યોની કાતિલ હત્યા કરતો નરાધમ ભત્રીજો યોગેશ ભાવાણી... પશ્ચિમ બંગાળના શ્રીરામપુર સમાજના કાનાણી પરિવારની કરૂણ ઘટના...

પશ્ચિમ બંગાળમાં કચ્છ કડવા પાટીદાર સમાજમાં બનેલ એક ચોંકાવનારી ઘટનામાં સો મીલના ધંધામાં ભાગ આપવાની ના પાડતાં ગિન્નાયેલા ભત્રીજાએ તેના ફુઆ સહિત એક જ પરિવારના ચાર સભ્યોની ક્રુર હત્યા કરી નાંખતા કલકત્તા સહિત ભારતભરની કેકેપી સમાજમાં સનસનાટી મચી ગઈ છે.
મૂળ ઘડુલીના ભત્રીજા યોગેશ ભાવાણીએ ફુઆ સહિત ચારના ઢીમ ઢાળી દીધા...
હત્યાની આ કમકમાટીભરી ઘટના કલકત્તાથી ૭૦ કિ.મી.દૂર સિંગુર પાસે આવેલ નદાન ગામમાં બની હતી જેમાં આરોપી મનાતા યોગેશ ભાવાણીએ તેના ફુઆ માવજી હંસરાજ કાનાણી ( દિવાણી )ઉ.વ.૭૫, દિનેશ માવજી કાનાણી ઉ.વ.૫૦, અનસૂયાબેન દિનેશ કાનાણી ઉ.વ.૪૬ અને ભાવિક દિનેશ કાનાણી ઉ.વ.૨૩ ના તેમના ઘરમાં જ ઢીમ ઢાળી દીધા હતા.
હત્યા માટે સો મીલમાંથી લોખંડનું સાધન લઈ આવ્યો..
આ ચોંકાવનારા હત્યાકાંડ વિશે બહાર આવેલા અહેવાલો મુજબ યોગેશ ભાવાણી ગઈ કાલે વહેલી સવારના ૫-૩૦ કલાકે તેના ફુઆ માવજીભાઈના ઘરે આવ્યો હતો અને માવજીભાઈ ઘરની અગાસી પર પૂજા કરી રહયા હતા ત્યારે જ તેમના માથા પર લોખંડના સાધન વડે પ્રહાર કરતાં તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. આ કારનામાને અંજામ આપ્યા બાદ યોગેશે નીચે આવી ફુઆના ઘરનું બારણું ખખડાવતાં જેવું અનસૂયાબેને બારણું ખોલ્યું કે કાળ બની આવેલા યોગેશે તેમના માથા પર પણ ઘા ઝીંકી પાડી દીધા હતાં...ઘરની અંદર સૂતેલા દિનેશભાઈ અને તેમનો પુત્ર આ ગોકીરો સાંભળી જાગે તે પહેલાં જ માથા પર કાળ સવાર થયો હોય તેમ યોગેશે આ બંનેને પણ ઉંઘમાં જ પતાવી દીધા હતા...
ચારે જણાંના માથામાં જોરદાર પ્રહારથી મોત થયા...
અનસૂયાબેન અને દિનેશભાઈએ તો સિંગુરની હોસ્પિટલમાં જ દમ તોડી દીધો હતો જ્યારે માવજીભાઈ અને પૌત્ર ભાવિકને કલકત્તા હોસ્પિટલમાં લઈ જવાયા હતા પણ બચી શકયા નહોતા. હત્યાકાંડ બાદ આરોપી યોગેશ ભાવાણી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. વહેલી સવારના રાડારાડ સાંભળી અડોશપડોશમાંથી લોકો દોડી આવ્યા હતા પણ ત્યાં સુધી તમામ ખેલ ખતમ થઈ ગયો હતો.
વિરાણીમોટીના કાનાણી( દિવાણી ) પરિવારમાં ખૂનની હોળી...
મૂળ કચ્છના નખત્રાણા તાલુકાના વિરાણીમોટી ગામના માવજી હંસરાજ કાનાણી છેલ્લા ૨૦ વર્ષથી નદાન ગામે ઉમિયા ટીમ્બરના નામે સો મીલ ચલાવે છે. તેમના સાળાના દીકરા એવા કચ્છમાં લખપત તાલુકાના ઘડુલી ગામના યોગેશ જયંતિલાલ ભાવાણી અને બીજા બે ભાઈ રસિક અને વિનુની આર્થિક સ્થિતિ સારી ન હોય, સગાના નાતે માવજીભાઈએ તેમને આશરો આપ્યો હતો અને છેલ્લા ૮-૯ વર્ષથી આ ત્રણ ભાઈઓ તેમની સો મીલમાં જ કામ કરતા હતા અને તેમના મકાનની નીચે જ રહેતા હતા.
સો મીલમાં ભાગ ન આપતાં યોગેશે આ કાળું કારનામું કર્યું ?
ત્રણ ભાઇઓમાં વચેટ યોગેશ ભાવાણી લાંબા સમયથી સો મીલમાં ભાગ આપવા માંગણી કરતો હતો અને આ બાબતને લઈને અવારનવાર તકરાર પણ કરતો હતો પણ તેના ફુઆઇ ભાઈ દિનેશ કાનાણીએ ભાગ આપવાની ના પાડી દેતાં તે ગિન્નાયેલો રહેતો હતો અને આખરે તેના મનમાં ખુન્નસ સવાર થઈ જતાં ફુઆના સમગ્ર પરિવારની હત્યાનો પ્લાન બનાવ્યો હતો અને ગઈકાલે ગોઝારા દિવસે તેને અંજામ આપ્યો હતો.
શ્રીરામપુર સમાજ સ્તબ્ધ ! 
આ ઘટનાની ખબર પડતાં જ શ્રીરામપુર સમાજના ભાઈઓ ત્યાં દોડી ગયા હતા. ઘટના સ્થળેથી શ્રી રામપુર સમાજના મંત્રી નાગલપરના વસંતભાઈ રામાણીએ આપેલી વિગતો મુજબ સ્થળ પરનું દ્રશ્ય કાળજું કંપાવે તેવું અરેરાટીભર્યુ હતું અને હત્યાની આ ઘટનાથી સ્થાનિક સમાજના ભાઈઓ પણ હેબતાઈ ગયા હતા અને શું કરવું તે જ કોઈને સૂઝતું નહોતું...જાન ગુમાવનારા કાનાણી પરિવારના આ ચાર સભ્યોની અંતિમયાત્રા આજે સવારના યોજાશે. 
કચ્છ કડવા પાટીદાર સમાજમાં આ રીતે ધંધાકીય બાબતમાં ચાર-ચાર ખૂન થયા હોય તેવી પહેલી ઘટના છે. સમગ્ર ભારતમાં જ્ઞાતિના ભાઈઓમાં આ કલંકિત હત્યાકાંડની ખબર પડતાં જ ખળભળાટ મચી ગયો છે અને લોકો એ કાતિલ હત્યારો યોગેશ ભાવાણી પર ફીટકાર વરસાવી રહયા છે...
સિંગુર પોલીસ સમગ્ર હત્યાકાંડની ઝીણવટભરી તપાસ કરી રહી છે અને હત્યારા હાથવેંતમાં હોવાનું એક પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું.
 
 

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106