સુખ, શાંતિ અને સમૃદ્ધિના માર્ગદર્શક ‘જ્યોતિષના ટુચકાઓ અને ઉપાયો’નું સુરતમાં વિમોચન
જ્યોતિષશાસ્ત્ર માત્ર ગ્રહો અને નક્ષત્રોની ગણતરી પૂરતું સીમિત નથી, પરંતુ માનવીના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ શોધવાનું એક પ્રાચીન માધ્યમ પણ છે. આ વિચારને કેન્દ્રમાં રાખીને પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય ડો. નીલેશભાઈ કાનજીભાઈ નાકરાણી (ગામ સાયણ-સુરત, કચ્છમાં નેત્રા) દ્વારા લિખિત અને ગજાનન પુસ્તકાલય દ્વારા પ્રકાશિત પુસ્તક 'જ્યોતિષના ટુચકાઓ અને ઉપાયો'નું સુરતના ઓસરી હોલ ખાતે ભાવભર્યા વાતાવરણમાં વિમોચન કરવામાં આવ્યું હતું.
પુસ્તકનું વિમોચન કાર્યક્રમના મુખ્ય મહેમાન એડવોકેટ શ્રી શ્રેયાન્સ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ડો. વિજયભાઈ ઠક્કર, કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ પારસિયા અને શ્રી કાનજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે યુવા જ્યોતિષાચાર્ય શ્રી વિદિત દ્વિવેદીએ પુસ્તકનો પરિચય આપતાં જ્યોતિષવિદ્યાના વ્યવહારુ પાસાં તેમજ પુસ્તકમાં સમાવિષ્ટ વિવિધ ટુચકાઓ અને ઉપાયોની ઉપયોગિતા અંગે સુંદર છણાવટ કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સુચારુ અને રસસભર સંચાલન કવિ શ્રી કિરણસિંહ ચૌહાણે કર્યું હતું. શબ્દ અને જ્યોતિષના આ સુંદર સંગમને ઉપસ્થિત મહેમાનો તથા સાહિત્ય-જ્યોતિષપ્રેમીઓએ ઉમળકાભેર વધાવી લીધો હતો.
અંતે શ્રીમતી ઉર્વશી નીલેશ નાકરાણીએ આભારવિધિ કરી સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. જ્ઞાન, પરંપરા અને જીવનોપયોગી માર્ગદર્શનનો સમન્વય કરતું આ પુસ્તક વાચકો માટે સુખ-શાંતિ અને સમૃદ્ધિના માર્ગે એક ઉપયોગી સાથી બની રહેશે તેવી લાગણી સમગ્ર પ્રસંગ દરમિયાન વ્યક્ત થઈ હતી.



