બદ્રીનાથ આશ્રમમાં રાત્રિ દરમિયાન અંતિમ શ્વાસ લીધા : હજારો ભક્તોમાં શોકનું મોજું
વિરાણી મોટી રામ મંદિરના મહંત અને ભારતભરમાં હજારો ભક્તોના શ્રદ્ધેય સંત પૂ. શાંતિદાસજી મહારાજના દેવલોક પામવાના દુઃખદ સમાચારથી કચ્છ સહિત દેશભરના ભક્તોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. બદ્રીનાથ ખાતે આવેલા તેમના આશ્રમમાં રાત્રિ દરમિયાન તેમણે ભગવાનના ચરણોમાં અંતિમ શ્વાસ લીધા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, પૂ. શાંતિદાસજી મહારાજ આશરે 15 દિવસ પહેલાં હરિદ્વાર થઈ બદ્રીનાથ પહોંચ્યા હતા અને ત્યાં મૌન સાધનામાં લીન હતા. ગત રાત્રે આશ્રમના સ્થાનિક સ્ટાફ સાથે સત્સંગ કર્યા બાદ તેઓ પોતાના નિવાસસ્થાને ગયા હતા. ત્યારબાદ રાત્રિ દરમિયાન જ તેમણે દેહત્યાગ કર્યો હોવાનું તેમના પ્રખર અનુયાયી કોટડા જડોદરના શંકરભાઈ વાડિયાએ જણાવ્યું હતું.
સંતની અચાનક વિદાયના સમાચાર પ્રસરી જતાં તેમના હજારો અનુયાયીઓમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. વિરાણી મોટી રામ મંદિર સાથે જોડાયેલા ભક્તો માટે તો આ સમાચાર અત્યંત આઘાતજનક બની રહ્યા છે. વર્ષોથી ભક્તોના જીવનમાં આધ્યાત્મિક પ્રકાશ પાથરનાર પૂ. શાંતિદાસજી મહારાજની વિદાયથી એક આધ્યાત્મિક યુગના વિરામ જેવી લાગણી સર્જાઈ છે.
દરમિયાન, વિરાણી મંદિરના લઘુ શિષ્ય સુરેશદાસજી બાપુ આજે હવાઈ માર્ગે દહેરાદૂન અને ત્યાંથી બદ્રીનાથ જવા રવાના થયા છે. જોકે, બદ્રીનાથ વિસ્તારમાં ભારે વરસાદને પગલે માર્ગ બંધ હોવાના કારણે તેમના આશ્રમ સુધી પહોંચવામાં મુશ્કેલી ઊભી થઈ છે.
મળતી માહિતી મુજબ, સ્વ. પૂ. શાંતિદાસજી મહારાજના દેહને બદ્રીનાથ ખાતે જ જળ સમાધિ આપવામાં આવે તેવી શક્યતા છે.
સંતનો દેહ ભલે પંચમહાભૂતમાં વિલીન થઈ જાય, પરંતુ તેમના ઉપદેશ, આશીર્વાદ અને ભક્તોના હૃદયમાં વસેલી તેમની સ્મૃતિ હંમેશા જીવંત રહેશે.



