સ્નેહમિલન : પૂર્વ કચ્છ ઝોન સમાજનું વાર્ષિક સ્નેહમિલન ભુજમાં યોજાયું...મિલકતના પ્રશ્ને ગામડાના ભાઈઓને સાવધ રહેવા કેન્દ્રીય સમાજના પ્રમુખ અબજીભાઈ કાનાણીની હાકલ...
અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ પૂર્વ કચ્છ ઝોનનું સ્નેહમિલન તા. ૨૭/૧૧/૨૧ના શ્રી લક્ષ્મીનારાયણ સમાજવાડી ભુજ ખાતે ઝોનના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ ભાવાણીના અધ્યક્ષસ્થાને યોજાયું હતું.
સંગઠન જેવું કોઈ બળ નથી
આ પ્રસંગે કેન્દ્રિય સમાજના પ્રમુખશ્રી અબજીભાઈ કાનાણીએ નૂતનવર્ષની શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે ઐકય જેવું કોઈ જ બળ નથી. કોટડા (જડોદર) ગામે હાલમાં બનેલા બનાવ બાબતે સંગઠનની તાકાત બતાવવાનો સમય આવ્યો છે, આ તકે હિન્દુ સંગઠનો પણ આપણી સાથે છે. વધુમાં તેમણે પશ્ચિમ કચ્છના ગામડાઓમાં આપણી ઘટતી જતી સંખ્યા બાબતે મિલ્કત આદિના પ્રશ્ને સજાગ રહેવા જણાવ્યું હતું.
અંજારની મડાગાંઠ ન્યાય સમિતિ ઉકેલશે
અંજાર સમાજની મડાગાંઠ આજે ઝોન દ્વારા નિમાયેલ ન્યાય સમિતિ મારફતે જલ્દીથી સુખદ સમાધાન થાય એવી હૈયા ધારણા વ્યક્ત કરી હતી અને કેન્દ્રીય સમાજ દ્વારા ખરીદાયેલ ભુજની સાડા ત્રણ એકર જમીનની વિગતથી વાકેફ કરી સમાજની ગતિવિધિનો આછેરો અહેવાલ પણ આપ્યો હતો.
યુવા પેઢીને વ્યસનથી દૂર રહેવા અપીલ
ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયના પ્રમુખશ્રી હંસરાજભાઈ ધોળુએ જણાવ્યુ હતું કે સમાજમાં સંયુક્ત કુટુંબ ભાવના જળવાઈ રહે તેમજ આપણા સમાજમાં જે અધિવેશનો થયાં તેમાં જે નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે તેના પર ચિંતન કરવાની જરૂર છે. હાલની યુવા પેઢી વ્યસન અને ફેશનમાં ન ફસાય તે જોવાની જવાબદારી આપણી છે. વધુમાં કોરોનાના કપરાકાળમાં સંસ્થામાં થયેલી સેવાકીય કાર્યોની માહિતી આપી હતી. ઉપરાંત માતૃસંસ્થા ઊંઝા તેમજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા થઈ રહેલા કાર્યોથી સૌને માહિતગાર કર્યાં હતાં.
અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજના પ્રમુખશ્રી ગંગારામભાઈ રામાણીએ સમાજમાં કુટુંબ ભાવના ઊભી કરી ધર્મ પ્રત્યે ચુસ્ત બનવા હાકલ કરી હતી. વધુમાં આપણું સંગઠન કેમ મજબૂત બને તે માટે સમાજ, યુવક તેમજ મહિલા મંડળે સહિયારા પ્રયાસો કરવા પડશે. આપણો સમાજ મહેનત કરી સાધન સંપન્ન થયો છે ત્યારે સમાજમાં ઉદ્દભવતા પ્રશ્નો મોટું મન રાખી ઉકેલવા જોઈએ.
કોટડા પ્રકરણે સંગઠીત થવા હાકલ
આ પ્રસંગે યુવા સંઘ પૂર્વ કચ્છ રિજિયનના પ્રમુખ શ્રી સુરેશભાઈ ભગતે જણાવ્યું હતુ કે કોટડા પ્રકરણે ગામના નિર્દોષ પાટીદારોની થઇ રહેલી ધરપકડ બાબતે સંગઠીત થઈ સામનો કરી સ્થાનિકથી લઇ તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ આપણો અવાજ પહોંચાડવો પડશે. વધુમાં તેમણે પૂર્વ કચ્છના ગાંધીધામ, મેઘપર, અંજાર અને ગુણાતીતપુરની ફોર જીની કયા સંજોગોમાં જરૂર પડી તેની વિગતે વાત કરી હતી.
સભાના પ્રારંભે દીપ પ્રાગટ્ય બાદ સ્વાગત ઝોનના ઉપપ્રમુખશ્રી પ્રેમજીભાઈ ભાવાણીએ કર્યું હતું.
સભામાં સંસ્કારધામ અને ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયના સહમંત્રી શ્રી રમેશભાઈ ધોળુના થયેલા આકસ્મિક નિધન તેમજ કોરોના કાળમાં દિવંગત થયેલા જ્ઞાતિજનોને બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.
ગત સભાની નોંધનુ વાંચન સહમંત્રી શ્રી નટવરભાઈ રૂડાણીએ કર્યું હતું. આવેલ પત્રોનું વાંચન મહામંત્રી રમેશભાઈ પોકારે કર્યું હતું.
ઝોન સમાજના નાના મોટા પ્રશ્નો તેમજ મડાગાંઠના ઉકેલ માટે આ સભામાં ઝોનની પાંચ સભ્યોની ન્યાય સમિતિ બનાવવામાં આવી હતી. જેમાં ગંગારામભાઈ ચૌહાણ, ડો. પ્રેમજીભાઈ ગોગારી, ચંદુભાઈ ભગત, વીરજીભાઈ રૂડાણી અને કિરણભાઈ પોકારનો સમાવેશ કરાયો હતો.
ઝોનના પી. આર. ઓ. તરીકે ખાલી રહેલી જગ્યા માટે નરેશભાઈ ચૌહાણને નિયુક્ત કરાયાં હતા.
મીટીંગની કાર્યવાહી બાદ ઘટક સમાજમાંથી આવેલા ભાઈઓની પરિચયવિધિ સ્નેહમિલનના રૂપમાં કરવામાં આવી હતી.
મતભેદ થાય પણ મનભેદ ન થવા જોઈએ...
કાર્યક્રમનો ઉપસંહાર કરતાં અઘ્યક્ષશ્રી ઈશ્વરભાઈ ભાવાણીએ જણાવેલ કે આપણામાં ક્યારેક મતભેદ થાય, પરંતુ મનભેદ ન થવા જોઈએ. વધુમાં ઝોનમાં જનજાગૃતિ અભિયાન માટે ઘટક સમાજોની મીટિંગોના આયોજન આવનાર સમયમાં રખાશે. ઉપરાંત કેન્દ્રીય સમાજ દ્વારા ભુજમાં ખરીદાયેલી જમીન માટે ઉદાર હાથે ભૂમિદાન તેમજ દિવાળી બોણી સમયસર આપવા અનુરોધ પણ કર્યો હતા.
આ પ્રસંગે ઉપસ્થિત સમાજના અગ્રણીઓનું ઝોન સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.અંતમાં આભારદર્શન નરેશભાઈ ચૌહાણે કર્યું હતું જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામંત્રીશ્રી રમેશભાઈ પોકારે કર્યું હતું.