Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

પર્દાફાશ : 'જનક'નગરી હુબલીના લંપટ મહારાજની કામલીલાનો આખરે ભાંડો ફૂટી ગયો ! પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી લાંબા સમયથી દુષ્કર્મ આચરતો હતો... સમગ્ર સમાજમાં ખળભળાટ સાથે આક્રોશ...ઉતર કર્ણાટક ઝોન સમાજમાં ભૂકંપ...37703770 Views

પર્દાફાશ : 'જનક'નગરી હુબલીના લંપટ મહારાજની કામલીલાનો આખરે ભાંડો ફૂટી ગયો ! પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી લાંબા સમયથી દુષ્કર્મ આચરતો હતો... સમગ્ર સમાજમાં ખળભળાટ સાથે આક્રોશ...ઉતર કર્ણાટક ઝોન સમાજમાં ભૂકંપ...

સમાજને ધર્મ અને નીતિમત્તાનું આચરણ કરવા પ્રેરીત કરવાની જેમની જવાબદારી છે તેવા એક કર્મકાંડી મહારાજની લંપટ પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્ણાટકના હુબલી શહેરમાં થતાં સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમુદાયમાં ખળભળાટ મચી ગયો છે. એક તરફ આ ઢોંગી મારાજના કરતૂતો પર સમગ્ર સમાજ ફીટકાર વરસાવી રહ્યો છે તો બીજી બાજુ આ લંપટ મારાજને છાવરનારા જ્ઞાતિના જ આગેવાનો સામે જન આક્રોશ પ્રબળ બની રહ્યો છે.

મહિલાઓની આંધળી ધાર્મિક ઘેલછા પણ જવાબદાર...

છેલ્લા થોડા સમયથી સમગ્ર સમાજમાં ચર્ચાનો વિષય બનેલા આ ચોંકાવનારા કલંકિત પ્રકરણે બહાર આવેલ સીલસીલાબંધ વિગતો જોતાં આપણા સમાજમાં આ પ્રકારના હલકટ પાત્રોના ઉદય પાછળ જ્ઞાતિના લોકોની ખાસ કરીને મહિલાઓની આંધળી ધાર્મિક ઘેલછા અને કેટલાક ભ્રષ્ટ આગેવાનોની વરવી ભૂમિકા છે તે હવે સ્પષ્ટ થઈ ગયું છે.

લંપટ મારાજે એકનું દામ્પત્ય જીવન બગાડ્યું...

કર્ણાટકના બેલગામ અને હુબલી વિસ્તારને કર્મભૂમિ બનાવીને સમગ્ર ભારતમાં કચ્છ કડવા પાટીદાર સમાજના યજમાનોના પૈસે તાગડધિન્ના કરતા આ લંપટ મહારાજના શરમજનક કૃત્યનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ હુબલીમાં એકના દામ્પત્ય જીવનનો ‘છૂટાછેડા’ સ્વરૂપે અંત આવી ગયો છે અને આવા કેટલાયે કરતૂતો આ મારાજે કર્યા હશે તે બાબતે ચર્ચા જાગી છે.

પહેલાં ધર્મની બહેન બનાવી અને લગ્નની ચોરીમાં ભાઈનો ફેરો પણ ફરાવ્યો !

 હુબલીની એક પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી આ મારાજ લાંબા સમયથી દુષ્કર્મ આચરતો હોવાનું શરમજનક પ્રકરણ જે બહાર આવ્યું છે તેમાં જોવા જેવી વાત તો એ છે કે તે યુવતીને આ મહારાજે ધર્મની બહેન બનાવેલ અને તેના લગ્નમાં ભાઈનો ફેરો પણ આ લંપટ મારાજે  જ ફરાવેલો ! આ યુવતી સાથે મારાજને પહેલેથી ‘સંબંધ’ હતો અને તેને લઈ મહારાજે તેના લગ્ન હુબલીમાં કરાવેલા તેવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે !

હદ તો ત્યારે થઈ કે આ યુવતી સાથેના સંબંધોને લઈ આ લંપટ મારાજ  અગાઉ બેલગામમાં તેનું કાર્ય કરતો હતો તે હુબલી રહેવા જતો રહ્યો અને તેમના પિતાને બેલગામ મોકલી દીધા ! આ પ્રકરણ બહાર આવ્યા બાદ ઉતર કર્ણાટક ઝોનમાં તો ભૂકંપ આવી ગયો છે.

ધાર્મિક શ્રદ્ધા અને વિશ્વાસનું વાતાવરણ ડહોળાયું

સમાજમાં આવા લંપટ મહારાજની કામલીલાઓ પ્રકાશમાં આવે છે ત્યારે ધાર્મિક શ્રદ્ધા અને વિશ્વાસનું વાતાવરણ ડહોળાઈ જતું હોય છે. જ્યારે મહારાજો કે સંતો લંપટાઈ કરે ત્યારે શ્રદ્ધાળુઓને આઘાત લાગતો હોય છે. કોઈ ફરિયાદ કરે ત્યારે જ આવા કલંકિત કાંડનો ભાંડો ફૂટતો હોય છે.

લંપટ મારાજ પોતાના ટાર્ગેટ શોધી જ લે છે !

કથા-પારાયણ કરતા આવા લેભાગુઓની નજર નબળા મનના શિકાર પર હોય છે. તે પોતાનો ટાર્ગેટ શોધી લે છે અને પછી તેને વિવિધ પ્રલોભનો આપીને પોતાની તરફ ખેંચી લે છે. આશીર્વાદ આપવાને બહાને તેમની નજર ભક્તના શરીર પર ફરતી હોય છે. પોતાની વાણી, વગ, ડર જેવા શસ્ત્રો વાપરીને તે શિકારને ઝડપી લે છે... અને મર્યાદાની વાતો ધાર્મિક પુસ્તકમાં રહી જાય છે !

વ્યાસપીઠ પર બેસીને કથા વાંચતા આવા લેભાગુ આગલી હરોળમાં બેઠેલી શ્રદ્ધાળુ મહિલા સાથે આંખ મિચૌલી રમે તે કેવું? આસ્થાની આડમાં આચરવામાં આવતી આવી લંપટ લીલાઓને ડામવા માટે ધાર્મિક ક્ષેત્રે પણ કડક આચાર સંહિતાની જરૂર છે.

હવે 'રાત ગઈને બાત ગઈ' જેવો તાલ સર્જાયો...

હુબલીના આ લંપટ મારાજ સામે પીડિત મહિલાના પતિએ સમાજ સમક્ષ પુરાવા સાથે ફરિયાદ કરતાં આ માટે યોજાયેલ બેઠકમાં મારાજ સ્પષ્ટ રીતે પોતે ધર્મ ચૂકી ગયો હોવાનું અને પોતાને ગમે તે સજા આપવા કાકલૂદી કરતો હોવાનું આ અંગે વાયરલ થયેલા વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે. પરંતુ ભારતભરમાં આ કલંકિત પ્રકરણની ખબર પડતાં, વિવાદ વધતાં બારડોલીના એક ભાઈએ આ મારાજ સાથે કરેલી વાતચીત વાયરલ થઈ છે જેમાં આ મારાજ દરેક વાતનો ગોળ ગોળ સુફિયાણા જવાબ આપે છે ! ‘રાત ગઈને બાદ ગઈ’ જેવો તાલ સર્જાયો છે !

કોણ છાવરી રહ્યું છે આવા લંપટોને?

આ સમગ્ર પ્રકરણમાં હુબલી સમાજના પ્રમુખ આગેવાનોની કલંકિત લંપટ મારાજને છાવરવાની જે વાતો બહાર આવી છે તે જાણી સમગ્ર સમાજ ચોંકી ગયો છે. આટ આટલું થયા છતાં હુબલી સમાજની આંખો ન ખૂલતી હોય તે કેવું? આ લંપટીયો  મારાજ પ્રમુખ-મંત્રીના ગામનો હોઈ તેને છાવરવામાં આવી રહ્યો હોવાનું પણ તે વિસ્તારના ભાઈઓ ખૂલ્લેઆમ કહી રહ્યા છે.

હુબલીના સ્થાનિક સમાજના કેટલાક જાગૃત લોકોના સતત દબાણને કારણે આ મારાજને સમાજમાંથી દર વર્ષે અપાતું સાલિયાણું બંધ કરવામાં આવ્યું છે પણ તેમ છતાં હજુ પણ કેટલાક લોકો ધાર્મિક ક્રિયા-કાંડ માટે આ લંપટ મહારાજને આમંત્રી રહ્યાનું પણ જાણવા મળે છે !

કેન્દ્રીય સમાજ હરકતમાં પણ કાર્યવાહી અપૂરતી...

ભારતભરમાં જાગેલા ઉહાપોહ બાદ કેન્દ્રીય સમાજ પણ આ પ્રકરણમાં હરકતમાં આવી ઉત્તર કર્ણાટક ઝોન સમાજને તા.૧૫-૪-૨૨ના એક પત્ર પાઠવી હુબલીના એ લંપટ પાખંડીને ખુલ્લો પાડવા અને આવા લેભાગુઓને છાવરવાને બદલે તેને બોધપાઠ શીખવાડવા કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.

આપણા સમાજમાં સ્થાનિકથી લઈ ઝોન સમાજ અને કેન્દ્રીય સમાજ સુધી સંગઠનની સુંદર રચના છે. હુબલી જેવા પ્રકરણમાં આ સંગઠનનો આપણે ઉપયોગ નહીં કરીએ તો પછી ક્યારે કરશું? સમાજ, યુવાસંઘ અને મહિલા સંઘની દરેક મિટિંગોમાં હુબલી કાંડની ચર્ચા થવી જોઈએ અને સમાજમાં જાગૃતિ માટે પ્રયાસો કરવા જોઈએ. બીજો કોઈ હોત તો ભાંડો ફૂટયા બાદ રાત લઈને હુબલી છોડી જાત પણ આ લંપટ મારાજ તેના સ્થાનિક 'આકા'ઓની મહેરબાનીથી હજુ સુધી હુબલીમાં જ પડ્યો પાથર્યો છે તે સમગ્ર સમાજ માટે શરમજનક છે…

 

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106