ચરોતર મહિલા મંડળની 53 બહેનોએ કર્યો ચાર દિવસનો સૌરાષ્ટ્ર પ્રવાસ
ચરોતર વિભાગ મહિલા મંડળ દ્વારા 7 થી 10 એપ્રિલ સુધી ચાર દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવાસની શરૂઆત 7-4-2024 ના રાત્રે ઉમા ભવન ચિખોદરાથી કરી હતી જેમાં ચરોતર વિભાગની 53 મહિલાઓ જોડાઈ હતી.
વ્યવસ્થામાં સરળતા અને સુગમતા જાળવવા માટે સમાજના ચાર ભાઈઓ અમારી સાથે આવ્યા હતા. અને અમને ખૂબ સાથ સહકાર આપ્યો હતો.
8/4/2024 ના સવારે 4:30 કલાકે રણુજા પહોંચ્યા હતા. ત્યાં રણુજાના દર્શન કરીને દ્વારકા જવા માટે નીકળ્યા હતા. દ્વારકા 10:30 કલાકે પહોંચ્યા હતા. દ્વારકાધીશના દર્શન અમને ખૂબ સારી રીતે થયા. ત્યારબાદ જમીને અમે થોડો આરામ કર્યો. ત્યાંથી શિવરાજપુર બીચ પર ગયા હતા. ત્યાં દરિયાની સુંદરતાની મજા માણી અને બોટિંગની વિવિધ ride ની મજા માણી. ત્યાંથી બેટ દ્વારકા દર્શન કરીને નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે નીકળ્યા. નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન અને સાંજની ભવ્ય આરતીનો લાભ પણ લીધો.
તારીખ 9/4/2024 ના વહેલી સવારે 06:00 વાગ્યે ચા નાસ્તો કરીને અમે હર્ષદ ભવાનીના દર્શન કરવા માટે નીકળ્યા. હર્ષદ ભવાનીથી અમે માધવપુર દરિયા કિનારે ગયા. ત્યાં બધાએ ઊંટની સવારીની મજા માણી અને દરિયાના કુદરતી સૌંદર્યને માણ્યું. દરિયા કિનારે બેસીને અમે બધાએ સત્સંગ પણ કર્યો.
ત્યાંથી નીકળીને અમે ભાલકાતીર્થ પહોંચ્યા. ત્યાં દર્શન કરીને અમે સોમનાથ પહોંચ્યા. પછી ત્યાં પણ સાંજે સોમનાથ મહાદેવની આરતી લીધી. ત્યારબાદ ત્યાં લાઈટ સાઉન્ડ શૉ જોયો. પછી રાતે હોટલ પરત પાછા આવીને અમે નવરાત્રી હોવાથી ગરબાની રમઝટ બોલાવી.
તારીખ 10/4/2024 ના સવારે 6:00 વાગે ચા નાસ્તો કરીને જુનાગઢ જવા નીકળ્યા. જુનાગઢની તળેટીમાં ભવનાથ મહાદેવના દર્શન કર્યા. ત્યાંથી નીકળીને સીદસર ઉમિયા માતાજીના મંદિર ગયા. ત્યાં ઉમિયા માતાજીના ખૂબ જ શાંતિથી દર્શન કર્યા ત્યાં બપોરે માતાજીનો પ્રસાદ પણ લીધો.
પછી જમીને અમે ખોડલધામ જવા નીકળ્યા. સાંજે ચાર વાગે ખોડલધામના દર્શન કર્યા અને ત્યાંથી નીકળીને અમે વીરપુર પહોંચ્યા ત્યાં જલારામ બાપાના દર્શન કર્યા. સાંજે 7:30 વાગે જમીને અમે પરત આવવા માટે નીકળ્યા અને મોડી રાત્રે સુખરૂપ પરત પહોંચ્યા હતા.