યે તો હોના હી થા !! હંસરાજભાઈ ધોળુનું રાજીનામું ચાર મહિના પછી નામંજૂર !!
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયની આજે મળેલી કારોબારી બેઠકમાં સંસ્થાના પ્રમુખ હંસરાજભાઇ ધોળુએ પ્રમુખપદેથી આપેલા રાજીનામું નામંજૂર કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય સમાજના મોવડીઓના 'અપમાન' મુદ્દે હંસરાજભાઇ ધોળુ રાજીનામું આપે એ વાત પર સમાજ અડગ રહેતાં ઉભી થયેલી અભૂતપૂર્વ મડાગાંઠ વચ્ચે નખત્રાણા મધ્યે જૂન -૨૦૨૪ ના મળેલ કેન્દ્રીય સમાજની કારોબારી બેઠકમાં આ પ્રકરણની ઉગ્ર ચર્ચા વચ્ચે હંસરાજભાઇ ધોળુએ લેખિત રાજીનામું આપ્યું હોવાની જાહેરાત ઉમિયા માતાજી સંસ્થાનના પદાધિકારી દ્વારા થઈ હતી પણ તે વખતે જ શાણા લોકો સમજી ગયા હતા કે રાજીનામાનું આ માત્ર 'નાટક' છે! કેન્દ્રીય સમાજના મોવડીઓ પણ તે વખતે આ હકીકત સમજતા જ હતા પણ 'રાજીનામા' ની આ નાટકિય જાહેરાતથી તેમને પણ તત્કાલીન રાહત મળી હતી!
આજે ધારણા મુજબ ચાર મહિના પછી મળેલ ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયની કારોબારી બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ સર્વાનુમતે એકી અવાજે હંસરાજભાઇના રાજીનામાનો અસ્વીકાર કરી તેને નામંજૂર કર્યું હતું.
સંસ્કારધામનું કોકડું હજુ ગૂંચવાયેલું જ છે અને આગામી સામાન્ય સભા બોલાવવા અંગે પણ હજુ સુધી કોઈ જાહેરાત થઈ નથી ત્યારે વાંઢાય અને સંસ્કારધામને લઈને કેન્દ્રીય સમાજ કેવી રણનીતિ અપનાવે છે તેના પર હવે જ્ઞાતિજનોની નજર છે.