ગૌરવ : દયાપરના કુ. પ્રેરણા નાકરાણી ગાંધીનગર સચિવાલયમાં DySO બન્યાં
કચ્છમાં લખપત તાલુકાના દયાપરના પ્રેરણા નાકરાણીએ તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા જાહેર થયેલા પરિણામમાં નાયબ સેક્શન અધિકારી ( DySO ) તરીકે પસંદગી પામી પરિવાર અને સમાજનું ગૌરવ વધારેલ છે.
દયાપરમાં ખાનગી નોકરી કરતા અશોકભાઈ ગોપાલભાઈ નાકરાણીની સુપુત્રી પ્રેરણાએ પ્રાથમિક અને હાઈસ્કુલ શિક્ષણ દયાપરમાં લીધા બાદ 11-12 પાટીદાર કન્યા વિધાલય ભૂજ, સ્નાતક વાણિજ્ય શાખામાં અમદાવાદ, અનુસ્નાતક ગુજરાતી સાહિત્ય સાથે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી ખાતે થી પૂર્ણ કરેલ છે. માતા દમયંતીબેન દયાપરમાં આંગણવાડી વર્કર તરીકે સેવા આપે છે.
અગાઉ દયાપરમાં મામલતદાર તરીકે તૃપ્તીબેન વ્યાસ હતા ત્યારે તેમના વરદ્ હસ્તે એકવાર પ્રેરણાએ ઈનામ મેળવ્યું હતું તે વખતે જ પ્રેરણાએ મનમાં ગાંઠ વાળેલી કે મારે પણ આ રીતે અધિકારી બનવું છે. પોતાની ધગશ અને પરિવારના પ્રોત્સાહનને લીધે આખરે પ્રેરણાનું સપનું સાકાર થયું અને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી નાયબ સેક્શન અધિકારીની પરીક્ષામાં રેન્ક 6 સાથે ઉત્તીર્ણ થઈ સમગ્ર દયાપર ગામનું ગૌરવ વધાર્યું છે.