IPLમાં ત્રણ વખતની ચેમ્પિયન સુપર કિંગ્સની IPL 2020માં સફરનો અંત આવ્યો છે. આ સાથે જ તે પ્લે-ઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની છે. ચેન્નાઈએ રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતું. પણ રાજસ્થાન રોયલ્સની મુંબઈ ઈન્ડિયન્સ પર 8 વિકેટથી જીતની સાથે જ ચેન્નાઈની તમામ સંભાવનાનો અંત આવી ગયો. ચેન્નાઈએ આ સિઝનમાં 12 મેચ પૈકી 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 4 મેચમાં જીત મળી છે. આ સાથે તેના આઠ પોઇન્ટ થયા છે. ત્યારબાદ ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ કરી છે. તેણે લખ્યુ છે કે આ રમતનો એક ભાગ છે, કેટલાક લોકો જીતે છે, કેટલાક લોકો હારે છે. પણ તમે ત્યારે વિજેતા હતા અને આજે પણ વિજેતા છો.
આ અગાઉ દરેક વખત પ્લે-ઓફમાં પહોંચી હતી ચેન્નાઈ સુપર કિંગ્સ
IPLના ઈતિહાસમાં પ્રથમ વખત ચેન્નઈ સુપર કિંગ્સ પ્લે ઓફની દોડમાં નહીં પહોંચે. વર્ષ 2008માં IPLની શરૂઆત થઈ ત્યારબાદથી તે સતત પ્લે ઓફમાં પહોંચતી રહી છે. બે સિઝનમાં સસ્પેન્ડ રહેવાને લીધે તે IPLમાંથી બહાર થઈ હતી. ત્યારબાદ વર્ષ 2018 અને 2019માં ફાઈનલમાં પહોંચી હતી.
સિઝન | પોઝિશન |
2008 | રનરઅપ |
2009 | સેમીફાઈનલ |
2010 | ચેમ્પિયન |
2011 | ચેમ્પિયન |
2012 | રનરઅપ |
2013 | રનરઅપ |
2014 | ક્વોલિફાયર-2 |
2015 | રનરઅપ |
2016-17 | સસ્પેન્ડેડ |
2018 | ચેમ્પિયન |
2019 | રનરઅપ |
મુંબઈ, દિલ્હી અને બેંગ્લોરને પ્લે ઓફમાં સ્થાન મળી જશે
મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 11 મેચ બાદ 14-14 પોઇન્ટ છે. આ ત્રણેય ટીમ પ્લે ઓફમાં પહોંચી જશે. જ્યારે ચોથા સ્થાન માટેની દોડમાં સનરાઈઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઈટ રાઈડર્સ, કિંગ્સ પંજાબ તથા ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે સ્પર્ધા હતી. ચેન્નાઈ પોઇન્ટ ટેબલમાં સૌથી નીચા ક્રમ પર છે. જ્યારે KKRના 11 મેચ બાદ 12 પોઇન્ટ છે. તેમ જ કિંગ્સ ઈલેવન્સ પંજાબ 11 મેચ બાદ 10 તથા રાજસ્થાન રોયલ્સ 12 મેચ બાદ 10 પોઇન્ટ છે.
સાક્ષી- તમે સુપર કિંગ છો
CSK બહાર થયા બાદ પ્રથમ વખત ધોનીની પત્નીએ સોશિયલ મીડિયા પર ચેન્નાઈ ટીમ માટે ઈમોશનલ પોસ્ટ કરી છે. ચેન્નાઈના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી પણ સાક્ષીના પોસ્ટને શેર કરવામાં આવ્યા. પોસ્ટમાં તેણે કહ્યું છે કે આ રમતનો હિસ્સો છે, કેટલાક લોકો જીતે છે, કેટલાક લોકો હારે છે. પણ તમે ત્યારે વિજેતા હતા અને આજે પણ વિજેતા છો. તેમણે કહ્યું કે હાર અને જીત રમતનો એક ભાગ છે. કેટલીક જીત અને હાર યાદ રહે છે. પણ રમતમાં એક વિજેતા રહે છે અને એકને હારવુ પડે છે. તમારી લાગણીઓ પર કાબૂ રાખો. ખરા યોદ્ધા સંઘર્ષ કરે છે. તમે વિજેતા હતા અને વિજેતા જ રહેશો. તમે સુપર કિંગ છો.