- કોંગ્રેસ શહેર પ્રમુખે હારની જવાબદારી સ્વીકારીને રાજીનામું ધરી દીધું
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની જડતાપૂર્વકના વલણને કારણે રકાસ થયો છે. 120 બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસને એકપણ સીટ મળી નથી. પાસ દ્વારા કોંગ્રેસ પાસે બે ટિકિટ માંગવામાં આવી હતી. જેમાં એક ધાર્મિક માલવિયા અને બીજી એડવોકેટ સંજય ધોરાજીયાના પત્ની વિલાસ ધોરાજીયા માટે ટિકિટ મંગાયેલી હતી.કોંગ્રેસે છેક સુધી વિલાસબેનને મેન્ડેટ આપવાની વાત કરેલી અને અંતે કોંગ્રેસે પાસની પીઠમાં ખંજર ભોંક્યું હોય તેમ મેન્ડેટ ન આપતાં પાસના ધાર્મિકે ફોર્મ ભર્યું નહોતું.જેથી પાસ કોંગ્રેસથી વિમુખ થઈ અને આજે તેના પરિણામે કોંગ્રેસનો સુરતમાંથી રકાસ થયો છે.
કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું
સુરત શહેર કોંગ્રસ-પ્રમુખ બાબુ રાયકાએ રાજીનામું ધરી દીધું છે. સુરતમાં કોંગ્રેસની કારમી હાર થઇ છે. આ કારમી હારની જવાબદારી સ્વીકારી પક્ષપ્રમુખપદેથી બાબુ રાયકાએ રાજીનામું ધરી દીધું છે. 30 વર્ષ પછી કોંગ્રેસને એકપણ બેઠક મળી નથી. છેલ્લી છ ટર્મથી જીતતા કોંગ્રેસના દિગ્ગજ નેતા ભૂપેન્દ્ર સોલંકીની સાથે વિપક્ષનેતા પપન તોગડિયા સહિતના નેતાઓ હારી જતાં કોંગ્રેસ જડમૂળમાંથી પાલિકામાંથી નીકળી ગઈ છે. 36 બેઠકો ગત વખતે મેળવનાર કોંગ્રેસ હાલ શૂન્યથી આગળ વધી શકી નથી.
દિગ્ગજ કોર્પોરેટરની હાર
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઇ છે. સુરતમાં કોંગ્રેસના દિગ્ગજ અને પૂર્વ કોર્પોરેટરોની હાર થઇ છે. સુરતમાં ૪કોંગ્રેસની એકપણ સીટ મળી નથી ત્યારે સુરત કોંગ્રેસ સમિતિના પ્રમુખ બાબુ રાયકાએ રાજીનામું ધરી દીધું છે. બાબુ રાયકાએ રાજીનામું આપ્યું તેમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે મને ઘણુંબધું આપ્યું છે. ચૂંટણીમાં આપેલા ચુકાદાને માન્ય રાખું છું અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયેલી કોંગ્રેસની હારની જવાબદારી સ્વીકારી તમામ પદેથી રાજીનામું આપું છું.