મેઘરાજાની મહેરથી હમીરસર ઓગનવાના આરે છે. પરંતુ મેઘરાજા વધુ મહેર કરે તેની રાહ જોયા વગર હમીરસરને કૃત્રિમ રીતે ઓગનાવીને વધાવવા અધીરા બનેલા મહિલા નગરપતિએ રાતના ચોરીછુપેથી કોઈપણ મંજુરી વગર ધુનારાજા ડેમના વાલ્વ ખોલાવી નાખતા હાલે ડેમ ખાલી થઈ ગયો છે. તળાવ છલોછલ ભરાઈ ગયું છે, માત્ર ઓગનવાનું બાકી છે. ત્યારે જો તળાવ ઓગને તો પાલિકાની યાદીમાં તળાવ વધાવનારા યશસ્વી નગરપતિની યાદીમાં પોતાનું નામ જોડવાના અભરખામાં સત્તાધીશોએ ડેમનું લાખો લીટર મહામુલું પાણી વેડફી નાખતા હરીપર, જદુરા સહીતના આસપાસના ૪ ગામના ખેડુતો અને માલધારીઓમાં ભારે આક્રોશ સાથે કલેકટર સમક્ષ રજુઆત કરવા પહોંચ્યા હતા.
વર્ષો બાદ કચ્છમાં મેઘરાજાની જોરદાર મહેર થઈ છે ત્યારે ભુજ પાસે આવેલો ધુનારાજા ડેમ ઓગન્યો હતો. આ ડેમમાંથી આસપાસના ૪ ગામના ખેડુતો સિંચાઈ તથા માલધારીઓ પોતાના પશુપાલન માટે પાણીનો ઉપયોગ કરે છે. આમ ,આ ડેમના પાણી લોકો માટે આર્શીવાદ સમાન છે. પરંતુ બીજીતરફ ભુજમાં આવેલા હમીરસર તળાવ કે જ ે છલોછલ ભરાઈ ગયુ છે, જેે ઓગને તે માટે બે થી ત્રણ ફુટનો ગાળો બાકી રહ્યો છે.ત્યારે આ તફાવત પુરો કરવા સોમવારની રાત્રે ગેરકાયદેસર રીતે મહિલા નગરપતિ અને ચીફ ઓફીસરે માણસો મોકલીને ચોરીછુપીથી ડેમના વાલ્વ ખોલી નખાવ્યા હતા. જેના કારણે રાતોરાત ડેમ ખાલી થઈ જવા પામ્યો છે. બીજીતરફ હમીરસર હજું ઓગન્યું નથી. આમ તળાવની શોભા વધારવામાં હજારો પશુઓ તથા લોકોનું ભાગનું પાણી વેડફાઈ જતાં ૪ ગામના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.
જાણકારોના જણાવ્યા મુજબ હમીરસર તળાવોનો ઘેરાવો એટલો વિશાળ છે કે, ધુનારાજા ડેમ કરતા પાંચગણું પાણી તળાવમાં સમાઈ જાય તેમ છે. ઉપરાંત છતરડી તળાવ સહીતનો વિસ્તાર ભરાય ત્યારે હમીરસર ઓગની શકે તેમ છે. કોઈપણ ગણિત વગર ધુનારાજા ડેમનો વાલ્વ ખોલી નાખવાથી હમીરસર તળાવ ઓગની જાય તેવી વાયકાના આધારે ભુજના નગરપતિએ આવું કર્યું છે. આ પગલાનો ભોગ હજારો લોકો અને પશુઓને બન્યા છે.
હમીરસર તળાવમાં આવેલા પાણીનો ઉપયોગ માત્ર શોભા માટે છે. જ્યારે ધુનારાજા ડેમના પાણી પર ખેતી, પશુપાલનનો આધાર છે. ત્યારે માત્ર ને માત્ર હમીરસર ઓગને તો વધાવવાનો શ્રેય નગરપતિને મળે તે લ્હાયમાં પાલિકાએ હરીપર અને આસપાસના હજારો લોકોની જીદંગી સાથે ખિલવાડ કર્યો છે. આ મુદે લાલચોળ થયેલા લોકો કલેકટરને દ્વારે પહોંચી કાયદેસરના પગલા ભુજના શાસકો સામે ભરાય તેવી માંગણી કરી હતી.
જાણકારોએ જણાવ્યું હતું કે, ધુનારાજા ડેમ ઓવરફ્લો થાય તે બાદ તેનું પાણી માધાપરની નદીમાં જાય છે. જો વાલ્વ ખોલી નખાય તો તે પાણી હમીરસર તરફ વળે છે. પરંતુ વાલ્વ ક્યારે બંધ કરવો તેની પણ જાણકારી હોવી જરૂરી છે. હાલે ગતરાતથી ખોલેલો વાલ્વ બંધકરવાની તસ્દી ન લેતા અડધો ડેમ ખાલી થઈ ગયો છે. જેના કારણે છેલ્લા એકમાસથી એકધારા વરસાદથી જે ડેમ માંડ માંડ ઓવરફલો થયો હતો. જે રાજકારણીઓના ઉધામા થકી ખાલી થઈ જવાપામ્યો છે. નિષ્ણાંતોએ ઉમેર્યું હતું કે, જો વધુ એકધારો ૩ થી ૪ ઈંચ વરસાદ ઉપરવાસમાં પડે તો જ હમીરસર ઓગને તેમ છે. ધુનારાજાના પાણીથી તળાવ ન ઓગને તે હકીકત છે. ત્યારે મેઘકૃપાની જરૂર છે. આવા નિર્ણયો નુકશાનીથી વધુ કંઈ ન કરી શકે.
ડેમના વાલ્વ ખોલવા કાર્યપાલક ઈજનેરની મંજુરી લેવાઈ નહોતી
ધુનારાજા ડેમ હરીપર પંચાયત હસ્તક આવે છે ત્યારે તે ડેમના વાલ્વ ખોલવા કે અન્ય કોઈપણ પ્રકારની છેડછાડ કરવા માટે કાર્યપાલક ઈજનેરની પાલિકાએ લેખિતમાં મંજુરી માંગવી જરૂરી બને છે. કોઈપણ સત્તાધીશો મંજુરી વગર પાણી સાથે આ રીતે કોઈ ખિલવાડ કરી શકે નહી. પરંતુ ભુજપાલિકાના નિંભર અને સ્વાર્થી નેતાઓએ પાલિકાના બોર્ડમાં હમીરસર વધારવનારા નગરપતિની યાદીમાં પોતાનું નામ જોડવાના અભરખામાં હજારો લોકોની રોજગારી અને ભવિષ્ય સાથે ખિલવાડ કરી દિધો છે.
ભુતકાળમાં ડેમના વાલ્વ ખોલીને ભુજને પુરમાં ઝોંખી દેવાયું હતું
ભુતકાળમાં તત્કાલીન નગરપતિએ હમીરસરને વધાવવાની લાલસામાં ધુનારાજા ડેમના વાલ્વ ખોલી નાખતા ડેમના પાણીએ ભુજમાં પ્રવેશીને તારાજી સર્જી હતી. ઈતિહાસમાં પ્રથમવાર ભુજમાં પુર આવ્યું હતું. ત્યારે પણ મુર્ખ સત્તાધીશોએ તળાવ ઓગને તો પોતે ભાગ્યશાળી પ્રમુખની યાદીમાં સ્થાન મળે તેવા ઈચ્છાને પુર્ણ કરવા આ ખોટો નિર્ણય લીધો હતો. હાલે પણ કંઈક આવું જ કરીને લાખો લીટર પાણી માત્ર તળાવની શોભા વધારવા વેડફી નાખયું છે.
૨૦ હજાર પશુઓની આંતરડી ભુજના શાસકોએ કકડાવી
અહીંના માલધારી લખાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે,૪ ગામના ૨૦ હજાર પશુઓ માટે આ ડેમનું પાણી ઉપયોગી છે. તેમજ અનેક વાડીઓ અને ખેતરોમાં આ પાણીની સિંચાઈ થાય છે. પરંતુ અડધી રાત્રે ચોરીછુપીથી આવીને પાલિકાએ વાલ્વ ખોલી નાખતા ડેમ ખાલી થઈ ગયો છે. ત્યારે હવે પશુઓને શું પાણી પીવડાવશું તે પ્રશ્ન સર્જાયો છે. હમીરસરમાં આવતું પાણી માત્ર લોકોની આંખ ઠારે છે. પણ ઉપયોગી નથી,જ્યારે ડેમનું પાણી સીધી અને આડકતરી રીતે હજારો લોકો અને પશુઓને ઉપયોગી છે.