નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રમુખ તરીકે કચ્છી પાટીદાર પ્રાણલાલભાઈ પોકારની વરણી થતાં દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે.
મૂળ નખત્રાણા તાલુકાના નવાવાસ-રવાપરના વતની એવા પ્રાણલાલ કેસરાભાઈ પોકાર હાલે ગણદેવી ખાતે રહે છે અને ૧૯૮૬ થી ભાજપ સાથે સંકળાયેલા છે. અગાઉ ગણદેવી નગરપાલિકામાં ઉપપ્રમુખ અને પ્રમુખપદે પણ તેઓ રહી ચૂક્યા છે.
કચ્છ કડવા પાટીદાર સમાજ બીલીમોરાના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા પ્રાણલાલભાઈ અનેકવિધ સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને તેમની સેવાકીય પ્રવૃત્તિઓને કારણે જ ગણદેવી શહેરમાં ભારે લોકપ્રિયતા ધરાવે છે.
ભાજપે આ ચૂંટણીમાં તમામ ૨૪ બેઠક પર વિજય મેળવ્યો છે અને કચ્છી પાટીદારને બીજી વખત પ્રમુખપદે બેસાડતાં કચ્છીઓ માટે ગૌરવની વાત છે.
અત્રે એ બાબત ઉલ્લેખનીય છે કે બીલીમોરા સમાજમાં સતપંથી ભાઈઓને સમાજના મુખ્ય પ્રવાહમાં લઈ આવવામાં પણ પ્રાણલાલભાઈની મુખ્ય ભૂમિકા રહી હતી.