અખાત્રીજના વાંઢાય,મથલ અને વિથોણ ખાતે યોજાનાર સમૂહલગ્ન વર્તમાન કોરોના મહામારીને કારણે રદ કરવામાં આવ્યાની જાહેરાત જે તે આયોજક સંસ્થા દ્વારા કરવામાં આવી છે. મહામારીને લઈ સમાજમાં નિયમીત રીતે યોજાતા કાર્યક્રમો અને મિટિંગો ટપોટપ રદ થઈ રહી છે.
ગત વર્ષે પણ કોરોના મહામારીની સરકારી ગાઈડ લાઈન મુજબ અખાત્રીજના સમૂહલગ્નના આયોજનો રદ કરવાની જાહેરાત કરવાની ફરજ પડી હતી જેને લઈને સમૂહલગ્નમાં ભાગ લેનારા ઘણા પરિવારોએ તેમનો લગ્નપ્રસંગ મુલત્વી રાખ્યો હતો પણ આ અખાત્રીજના પણ સમાજના સમૂહલગ્નના આયોજનો રદ થઈ રહ્યા હોઈ, તેમાં ભાગ લેનારા પરિવારો હાલાકીમાં મુકાઈ ગયા છે.
કોરોના મહામારીનો બીજો રાઉન્ડ ધાર્યા કરતાં પણ વધુ ખતરનાક બની રહ્યો છે અને મહામારીમાં સપડાયેલા લોકોના મોટી સંખ્યામાં મરણ થઈ રહયા છે ત્યારે હવે સામાજિક કાર્યક્રમો કે લગ્ન જેવા પ્રસંગોનું આયોજન કરવાનું મુશ્કેલ થઈ ગયું છે. કેન્દ્રીય સમાજની તા.૧૬/૫/૨૦૨૧ ના મળનાર કારોબારી મિટિંગ પણ આ જ કારણે મુલત્વી રાખવામાં આવી છે.
ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયમાં યોજાનાર સમૂહલગ્ન રદ
શ્રી ઉમિયા માતાજી ઈશ્વરરામજી ટ્રસ્ટ પ્રેરિત શ્રી દેશલપર(વાંઢાય) વિસ્તાર સમૂહલગ્ન આયોજન સમિતિ દ્વારા છેલ્લા બાર વર્ષથી વાંઢાય ખાતે અખાત્રીજના સમૂહલગ્નનુ આયોજન થાય છે જેમાં અત્યાર સુધી પાંચસોથી વધારે નવયુગલો અખાત્રીજના સમૂહલગ્નમાં જોડાઈ ચુક્યા છે.
ગત વર્ષથી કોરોના મહામારીના કારણે કચ્છ તેમજ કચ્છ બહાર પણ સમૂહલગ્નના આયોજન ખોરંભાયા છે. દિવાળી બાદ પરિસ્થિતિમાં આંશિક સુધારો થતાં કચ્છમાં જુદી-જુદી જગ્યાએ યોજાતા સમૂહલગ્નના આયોજન માટે તૈયારી શરૂ કરી નવયુગલોની નોંધણી કરાઈ હતી. પરંતુ અચાનક એપ્રિલ માસમાં કચ્છ સહિત સમગ્ર ગુજરાત અને બહાર પણ કોરોનાનું કેર કાબૂ બહાર જતા સરકાર પણ સફાળી જાગી હતી અને રાજકીય તેમજ સામાજીક અને ધાર્મિક કાર્યક્રમોમાં પ્રતિબંધની સાથે લગ્નમાં માત્ર પચાસની જનસંખ્યાની જ છૂટ આપવામાં આવી રહી છે.
આવા સમયે સમૂહલગ્નનું આયોજન શક્ય ન બનતાં તારીખ ૧૪/૪/૨૦૨૧ના વાંઢાય ખાતે આયોજન સમિતિના હોદ્દેદારો સાથે નવયુગલોના વાલીઓની એક મીટીંગનું આયોજન કરાયું હતું. જેમાં ચર્ચાને અંતે આ વખતે સંસ્થામાં સમૂહલગ્નનું આયોજન ન કરતા નોધાયેલા યુગલોને સ્થાનિક ગામમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે અખાત્રીજના જ આયોજન કરવાનું નક્કી કરાયું હતું.
આ સભામાં નોંધાયેલા યુગલોના વાલીઓને પાનેતર, મા માટલું તેમજ તલવાર વગેરે આપી દેવામાં આવ્યાં હતાં. ઉપરાંત સરકારશ્રીની યોજના કુંવરબાઇ તેમજ સાત ફેરા યોજના માટેના અગાઉની જેમજ યોગ્યતા અનુસાર લાભ અપાવવા સમિતિ દ્વારા પ્રયાસ પણ કરાશે એવું મહામંત્રી શ્રી રમેશભાઇ પોકારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ગૌશાળા મથલ ખાતે યોજાનાર સમૂહલગ્ન પણ રદ
ઉમિયા માતાજી સમુહલગ્ન આયોજન સમિતિ-ગૌશાળા મથલની આજ તા.18/04/2021ના દિવસે સમુહલગ્ન આયોજન સમિતિની મીટીંગ રાખવા માં આવેલ જેમાં હાલની કોરોના મહામારીના હિસાબે તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો કે ચાલુ સાલે સમુહલગ્ન યોજી શકાશે નહીં.. કોઈ મેળાવડા કે ફંકશન થશે નહીં...સમૂહલગ્નનો નિર્ણય સૌ કારોબારી સમિતી સાથે બહુમતીથી ઠરાવ પાસ કરેલ છે તેવું સમિતિના પ્રમુખ શ્રી જીવરાજભાઈ ધનજી રંગાણી અને મહામંત્રી શ્રી રામજીભાઈ ખેતા ચૌહાણે જણાવ્યું હતું.
વિથોણમાં પણ સમૂહલગ્નનું આયોજન રદ
સંતશ્રી ખેતાબાપા સમૂહલગ્ન આયોજન સમિતી - વિથોણ દ્વારા વિથોણ ખેતાબાપા સંસ્થાન મુકામે ચાલુ વર્ષે તા.14/5/2021 ને અખાત્રીજ ના યોજાનારા સમૂહલગ્ન વર્તમાન પરિસ્થિતિ કોરોનાના કાળા કેરના અનુસંધાને સમૂહલગ્ન કારોબારી મિટિંગ / સમાજ ના વડિલોની સલાહ સાથે ચર્ચાના અંતે સંપૂર્ણપણે રદ ( કેન્સલ ) કરવા માં આવ્યા છે જેની નોંધ સર્વે સમાજજનો લેવા વિનંતી છે તેવું સંતશ્રી ખેતાબાપા સમૂહલગ્ન આયોજન સમિતી - વિથોણના પ્રમુખશ્રી - અમૃતભાઈ માનાણી અને મહામંત્રીશ્રી - શાંતિલાલ નાયાણી દ્વારા અપીલ કરવામાં આવી છે.