કોરોના બેકાબૂ બન્યો છે અને પરિસ્થિતિ દિન-પ્રતિદિન વણસતી જ જાય છે. અખબારો અને જ્ઞાતિના વોટ્સએપ ગ્રૂપ મરણ નોંધોથી છલકાઈ રહ્યાં છે..ભલભલાના હાંજા ગગડી જાય તેવી ભયાનક ભૂતાવળ આ કોરોના મહામારીએ ફેલાવી દીધી છે.
કોરોનાનો બીજો તબક્કો ખતરનાક બની રહ્યો છે અને કેસો વધવાની સાથે મોતનું પ્રમાણ પણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. મૂળ કચ્છના કાદિયાના અને હાલમાં મહારાષ્ટ્રના અહમદનગર રેતા પોકાર પરિવારનો કિસ્સો ભલભલાને હચમચાવી નાખે તેવો છે...
અહમદનગરના ટિળક રોડ પર આવેલ શ્રી રામ સો મીલવાળા હિરાલાલભાઈ કાનજીભાઈ પોકારના ત્રણ ભાઈનો ૨૧ જણાંનો સંયુક્ત પરિવાર છે. કોરોના મહામારીએ આ પરિવાર પર પંજો ફેલાવી આઠ જણાને લપેટમાં લઈ લેતાં ૬ સભ્યોને અહમદનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ જ્યાં તબક્કાવાર ત્રણ સભ્યોના મૃત્યુ થતાં પરિવાર પર આભ ફાટી પડ્યું છે.
હોસ્પિટલમાં દાખલ પૈકી સૌ પ્રથમ પરિવારની પુત્રવધૂ લીલાબેન દેવશીભાઈ ઉ.વ.૬૭ એ તા.૭/૪/૨૧ ના રજા લીધી. આ આઘાતની કળ વળે તે પહેલા તા.૧૬/૪/૨૧ ના તેમના પતિ દેવશીભાઈ કાનજીભાઈ ઉ.વ.૬૯ નું પણ નિધન થયું અને બીજા જ દિવસે પરિવારના વરિષ્ઠ સભ્ય એવાં તેમના માતા રતનબેન કાનજીભાઈ ઉ.વ.૯૩ પણ મહામારીનો શિકાર બની ગયાં !
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ બાકીના ત્રણ સભ્યોની તબિયત હવે સુધારા પર હોવાનું અહમદનગરથી હિરાલાલ પોકારે જણાવ્યું હતું. તેમના ૯૩ વર્ષની ઉંમરના માતા રતનબેનને તો નખમાંયે રોગ નહોતો અને આટલી ઉંમરે કયારેય દવાખાનાના પગથિયાં પણ ચઢ્યા નહોતાં પણ કોરોના મહામારીની હડફેટે આવી જતાં મૃત્યુ પામ્યા હતા.
પરિવારમાં મૃત્યુ પામેલા એક સભ્યની બારમાની વિધિ પૂરી થાય તે પહેલાં જ ઘરના બીજા બે સભ્યો દિવંગત થઈ જતાં પોકાર પરિવાર સહિત અહમદનગર સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ છે.