નખત્રાણામાં પાટીદાર કન્યા છાત્રાલય સંકુલ ખાતે ઓક્સિજનની સુવિધા સાથેનું આધુનિક કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં જ આ વિસ્તારના કોરોના સંક્રમિત લોકોને તેનો લાભ મળતો થઈ જશે.
આજે રાજય સરકારના મંત્રી વાસણભાઈ આહિરે જિલ્લા કલેકટર પ્રવિણાબેન અને જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા સહિતના અધિકારીઓ સાથે આ સેન્ટરની મુલાકાત લીધી હતી. નખત્રાણા પાટીદાર કન્યા છાત્રાલયમાં કોવિડ સેન્ટર વહેલી તકે ચાલુ થઈ જાય અને કોરોના સંકર્મીતોને ઝડપી સારવાર મળે તે માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર સક્રિય છે તેવું વાસણભાઈ આહિરે જણાવેલ. કોરોના સામેની લડતમાં કડવા પાટીદાર સમાજના સહયોગને પણ તેમણે બિરદાવેલ.નાયબ કલેકટર કચેરી ખાતે રાજય મંત્રીએ કોરોના અંગે સમીક્ષા બેઠક પણ યોજેલ.
નખત્રાણાના નાયબ કલેકટર ડૉ.મેહુલ બરાસરાએ સૂચિત કોવિડ કેર સેન્ટર અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઓક્સિજનની પાઈપ લાઈનની ફીટીંગ સહિતની આનુષંગિક કામગીરી પૂર્ણ કરવા માટેની કાર્યવાહી ચાલુમાં છે. ગ્રાઉન્ડ ફલોરના ૨૫ રૂમમાં ઓક્સિજનની સુવિધા સાથેના બેડ જયારે પહેલા માળે સાદા બેડની સુવિધા ઉભી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.
આ મુલાકાત સમયે તાલુકાના વહીવટી અધિકારીઓ ઉપરાંત કચ્છના સંસદસભ્ય વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ જયસુખભાઈ ડાયાણી, કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખ ડૉ. સેંઘાણી, મંત્રી પ્રવિણભાઈ ધોળુ, તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ નરસિગાણી
સહિતના સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.