લખપત તાલુકા કડવા પાટીદાર સમાજના ભૂતપૂર્વ પ્રમુખ પ્રેમજીભાઈ રતનશીભાઈ દિવાણીનું કોરોના મહામારીમાં આજરોજ તા.૨૦/૪/૨૦૨૧ ના નિધન થતાં સમગ્ર લખપત તાલુકા સમાજ અને સૌરાષ્ટ્ર ઝોનમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તેઓ ૭૨ વર્ષના હતા.
કચ્છમાં દયાપરના અને હાલમાં સુરેન્દ્રનગર રહેતા છટાદાર વકતા એવા પ્રેમજીભાઈ દિવાણી કોરોના મહામારીમાં સપડાતાં વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તબીબોના અથાક પ્રયત્નો છતાં તેમને બચાવી શકાયા નહોતા..
પ્રેમજીભાઈ દિવાણી નખશીખ એક સામાજિક માણસ હતા. લખપત તાલુકા સમાજની સ્થાપનાના પ્રથમ દિવસથી જીવન પર્યંત સમાજમાં પ્યુનથી પ્રમુખ સુધીની તમામ કામગીરી તેમણે સંભાળી હતી.. નાના કામમાં પણ કયારેય તેમણે નાનપ અનુભવી નહોતી. ટ્રસ્ટી તરીકે તાલુકા સમાજમાં સેવા આપી અને દયાપર શ્રી સત્યનારાયણ સમાજમાં પણ પ્રમુખ તરીકે અને વર્તમાનમાં ટ્રસ્ટી તરીકે સેવા આપતા હતા.
પ્રેમજીભાઈ સ્પષ્ટ વકતા હતા. દુહા અને છપ્પા સાથેની તેમની છટાદાર વાણી સાંભળવા દરેક સભામાં જ્ઞાતિજનો તલપાપડ રહેતા. તેમના કામ અને ભાષણને તાલુકા સમાજ અને દયાપર ગામ હર હંમેશ યાદ કરશે.