Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

કચ્છ જા વાવડ અને પરદેશની નવા-જૂની : ૩૩ ગ્રુપ દ્વારા ૮૨૦૦ સભ્યોને એક સૂત્રે જોડતું સમાજનું એક માત્ર વોટસએપ ગ્રુપ ‘કચ્છ ન્યૂઝ’850850 Views


૨૦૧૪ની આ વાત છે. નવરાત્રી દરમિયાન નખત્રાણા નવાવાસ સમાજવાડીમાં ભેગા થયેલા કેટલાક મિત્રોને એવો વિચાર આવ્યો કે આપણા કચ્છ બહાર રહેતા ભાઈઓને કચ્છના સમાચારો દરરોજ મળતા રહે તેવી કોઈ વ્યવસ્થા ગોઠવીએ તો કેવું રહે? આ વિચારમાંથી જ ‘કચ્છ ન્યૂઝ’ વોટસએપ ગ્રુપનો જન્મથયો !
કચ્છના પાટીદારો ધંધાર્થે ભારતભરમાં વસવાટ કરે છે. પરદેશ રહેતા આ પાટીદારો કચ્છના સમાચારો જાણવા તલપાપડ જ રહેતા હોય છે. કચ્છમાં મોસમના પહેલા વરસાદના છાંટા પડે કે તેની માટીની સુગંધ તુરત જ મુંબઈ, બેંગલોર કે હૈદ્રાબાદ રહેતા કચ્છી પાટીદારોને આવી જ જાય... ખરેખર કચ્છીઓનો વતનપ્રેમબેમિસાલ છે. કચ્છના  વાવડ જાણવાની ઈંતેજારી સતત રહે છે. ભલે તામીલનાડુ કે આંધ્રમાં રહેતા હોય પણ ત્યાં ગુજરાતી સમાચારની ચેનલો નિયમિત રીતે મોટા પ્રમાણમાં જોવાય છે તે હકીકત છે.
શરૂઆતના એ દિવસો યાદ કરતાં આ ‘કચ્છ ન્યૂઝ’ ગ્રુપના સ્થાપક એવા નખત્રાણાના દિનેશભાઈ ડાયાણી કહે છે : શરૂઆતમાં ‘કચ્છ ન્યૂઝ’ના માત્ર બે જ ગ્રુપ બનાવવામાં આવ્યા હતા. ગ્રુપ-૧ માત્ર પાટીદારો માટે અને ગ્રુપ-૨ જેમાં પાટીદારો સિવાય અન્ય જ્ઞાતિના સભ્યોને પણ સમાવવામાં આવેલ. પાટીદારોના ગ્રુપમાં જોડાવવા માટેની ડિમાન્ડ સતત વધતા ગ્રુપના સંચાલકોને સમયાંતરે ગ્રુપ વધારતા જવાની ફરજ પડેલ અને હાલમાં ‘કચ્છ ન્યૂઝ’નું ૩૩મું ગ્રુપ ચાલુ છે...!
૩૩ ગ્રુપ... ૮૨૦૦ સભ્યો !
એક ગ્રુપમાં એવરેજ ૨૫૦ ગણો તો પણ ભારતભરના ૮૨૦૦ જેટલા પાટીદાર સભ્યો આ ‘કચ્છ ન્યૂઝ’ વોટસઅપ ગ્રુપ સાથે જોડાયેલા છે અને કચ્છના સમાચારો તેમજ પરદેશની નવા-જૂનીથી અપડેટ રહે ઠે. ખાસ તો ભારતભરમાં જ્ઞાતિજનોના મરણના સમાચારોની સચોટ અને ત્વરીત માહિતી આ ગ્રુપમાં મળી રહે છે જે આ ગ્રુપની ખાસ વિશિષ્ટતા છે. સમાચારો તો કદાચ બીજા સોર્સ મારફતે પણ મળી રહે પણ જ્ઞાતિના મરણની નોંધો એક જ જગ્યાએ મળી રહે તે કામમોટું છે અને આ ભગીરથ કાર્ય ગ્રુપના સંચાલકો છેલ્લા સાત વર્ષથી બખૂબીથી નિભાવી રહ્યા છે.
દિનેશભાઈ વિરેન્દ્રભાઈ ડાયાણી મૂળ ધાવડાના છે અને નખત્રાણામાં છેલ્લા ૫૦ વર્ષથી રહે છે. પટેલ ઈલેક્ટ્રોનિક્સના નામે દુકાન ધરાવતા દિનેશભાઈ ડાયાણીના જણાવ્યા મુજબ ‘કચ્છ ન્યૂઝ’ ગ્રુપની સંખ્યા ૫૦ સુધી લઈ જવાનું લક્ષ્યાંક છે જેથી વધુમાં વધુ સભ્યોને તેમાં સમાવી શકાય.
ગ્રુપના બધા એડમીનો વ્યવસાયકારો છે એટલે    પોતાના વ્યસ્ત સમયમાંથી ગ્રુપ માટે સમય પણ ફાળવવો પડે. અલગ-અલગ ઠેકાણેથી આવતી મરણ નોંધો મઠારવી પડે તેમાં પણ સમયનો ભોગ આપવો પડે પણ બધા એક સેવાની ભાવનાથી આ મિશન ચલાવી રહ્યા છે. હાલમાં ‘કચ્છ ન્યૂઝ’ના ગ્રુપ નંબર ૧ થી ૩૦ના એડમીન તરીકેની જવાબદારી દિનેશભાઈ ડાયાણી સંભાળી રહ્યા છે જ્યારે બાકીના ગ્રુપની એડમીનની જવાબદારી વિશાખાપટ્ટનવાળા હંસરાજભાઈ સંભાળે છે.
જીવન રક્ષક સમિતિ
સીધી વાત... સીધી મદદ...
વોટસઅપ ગ્રુપ જેવું સોશિયલ મીડિયા ધારે તો શું ન કરી શકે તેની અનુભૂતિ પણ ‘કચ્છ ન્યૂઝ’ ગ્રુપે થોડા સમય પહેલાં જ સમાજમાં કરાવી હતી.
વિરાણીમોટીની એક ત્રણ વર્ષની દીકરીના ઈલાજ માટે તે પરિવારને આર્થિક મદદની જરૂર પડતાં આ ગ્રુપ તેની મદદમાં આવ્યું અને એક લાખ રૂા.ની મદદ માટે ગ્રુપમાં અપીલ કરવામાં આવતાં માત્ર ૨૪ કલાકમાં જ ૨,૨૭,૭૧૦ રૂા. એકઠા થઈ ગયા અને સંચાલકોને અપીલ કરવી પડી કે, મહેરબાની કરીને હવે કોઈ પૈસા ન મોકલો...
ગ્રુપના સંચાલકોએ રૂા.૨,૨૭,૭૧૦ની રકમવિરાણી સમાજના આગેવાનોની હાજરીમાં તે પરિવારને સુપ્રત કરી. પોતાના પરિવાર વિશેની જાણકારી મળતાં વિરાણી સમાજે પણ આ બાળકીને મદદ કરવાની જવાબદારી લીધી અને અન્ય ભાઈઓ પણ મદદ માટે આગળ આવ્યા તે આ ગ્રુપની પ્રવૃત્તિનું સકારાત્મક પરિણામજ ગણી શકાય.
‘કચ્છ ન્યૂઝ’ ગ્રુપના મુખ્ય એડમીન
૧. દિનેશભાઈ વિરેન્દ્રભાઈ ડાયાણી - નખત્રાણા-નવાવાસ
૨. વિનોદભાઈ નારણભાઈ વાસાણી - નખત્રાણા-નવાવાસ
૩. ભરતભાઈ પ્રેમજીભાઈ રૈયાણી - નખત્રાણા-જૂનાવાસ
૪. ગંગારામભાઈ ડાહ્યાભાઈ રૂડાણી - દેવપર (યક્ષ)
૫. હંસરાજભાઈ કચરાભાઈ દિવાણી - વિશાખાપટ્ટનમકચ્છમાં વિરાણી મોટી)
સહયોગી એડમીન
૧. જીતેન્દ્રભાઈ વિરેન્દ્રભાઈ ડાયાણી - નખત્રાણા-નવાવાસ
૨. શાન્તિભાઈ શીરવી - બિદડા
૩. દિનેશભાઈ અરજણભાઈ વાસાણી - નખત્રાણા-નવાવાસ
૪. સુનીલભાઈ કાન્તીભાઈ વાડીયા - હૈદ્રાબાદ
૫. જીતેન્દ્રભાઈ નાયાણી - કોટડા (જ)

 

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106