સેબીનો ઐતિહાસિક ચૂકાદો : વિઠ્ઠલ માવાણીની
કંપનીને ૧૫ ટકા વ્યાજ સાથે રોકાણકારોના નાણાં પરત ચૂકવવા પડશે !
હવે કેકપી માર્કેટીંગનો વારો...?
સત્ય આખરે બહાર આવીને જ રહ્યું. મુંબઈના વિઠ્ઠલ માવાણીની કંપની આકૃતિ ગ્રુપે જ્ઞાતિના લોકો સહિતના રોકાણકારો પાસેથી ઉઘરાવેલા કરોડો રૂપિયા ૧૫ ટકા વ્યાજ સાથે પરત ચૂકવવાનો આદેશ સેબીએ કરતાં જ ખળભળાટ મચી ગયો છે. સેબીના આ ચુકાદા બાદ અનિયમીતતામાં સંડોવાયેલી અન્ય કંપનીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
જે તે સમયે યુવાસંઘના પ્લેટફોર્મનો સરિયામદુરુપયોગ કરી ભારતભરમાંથી જ્ઞાતિના યુવાનો પાસેથી કરોડો રૂપિયા વિઠ્ઠલ માવાણી એન્ડ કાું. એ આકૃતિ ગ્રુપના નામે ઉઘરાવ્યા હતા પણ કંપનીના ગેરવહિવટને કારણે રોકાણકારોના આ નાણાં ‘સલવાતાં’ કચ્છ કડવા પાટીદાર સમાજના રોકાણકાર સભ્યોમાં ઉચાટ ફેલાયો હતો પણ કંપનીએ નાણાં પરત કરવા ‘ગલ્લાં-તલ્લાં’ કરતાં સમગ્ર મામલો તે સમયે ‘ટાક ઓફ ધી સમાજ’ અને પેચીદો બની ગયો હતો.
ગાંગજીભાઈ સેંઘાણીની મહેનત
આખરે રંગ લાવી ખરી...
આકૃતિ ગ્રુપના સંચાલકો સમાજના જવાબદાર આગેવાનો હોઈ અને રોકાણકારો પણ જ્ઞાતિના જ સભ્યો હોઈ, મુંબઈ સમાજમાં આ બાબતે ભૂતકાળમાં મિટિંગો પણ થઈ હતી પણ કોઈ ફળદાયી પરિણામન આવતાં આખરે કેટલાક રોકાણકારોએ નાછૂટકે મુંબઈ રહેતા મૂળ રસલીયાના ગાંગજીભાઈ સેંઘાણીનો સંપર્ક સાધી સેબીમાં વિધિસરની ફરિયાદ નોંધાવી હતી જેનો વર્ષો પછી રોકાણકારોની તરફેણમાં ચૂકાદો આવતાં કચ્છ કડવા પાટીદાર સમાજમાં ખુશીનું મોજૂં ફરી વળ્યું છે.
સેબીના ચૂકાદા બાદ
વીરતાળી વાગી નહીં...!
મુંબઈ સહિત સમગ્ર ભારતમાં કચ્છ કડવા પાટીદાર સમુદાયમાં ભારે ચર્ચા જગાવનાર અને સમાજના સંગઠનને બદનામ કરનાર આ ચકચારી પ્રકરણમાં રોકાણકારો માટે વૈશાખ મહિનામાં જ દિવાળી આવી હોય તેવો ઉત્સવનો માહોલ હોવા છતાં સમાજની એક પણ સંસ્થાએ હજુ સુધી સેબીના આ ચુકાદાને આવકારતું જાહેર નિવેદન બહાર પાડ્યું નથી ! વાતે વાતે વીરતાળી વગાડવાવાળા આ ચૂકાદા બાદ અચાનક જ ભમ ભોંયરામાં જતા રહ્યા છે !
ડોશી મારે તેનો વાંધો નહીં
પણ જમ ઘર ભાળી જાય...
સેબીના આ ઐતિહાસિક ચૂકાદા બાદ ‘ડોશી મરે તેનો વાંધો નથી પણ જમઘર ભાળી જશે...’ની બીકે ઘણાની ઉંઘ ચુકાદાની તારીખથી જ ઉડી ગઈ છે ! કેકેપી માર્કેટીંગનું નામ ફરી એક વખત જ્ઞાતિમાં ચર્ચાની એરણે છે અને આ સુષુપ્ત જ્વાળામુખી ફરી એક વખત નવેસરથી સક્રિય થાય તેવા એંધાણ સપાટી પર દેખાઈ રહ્યાં છે...
આકૃતિ ગ્રુપ પ્રકરણે સેબીના ચુકાદા બાદ કેકેપી માર્કેટીંગમાં જેમના નાણાં સલવાણાં છે તેમનામાં પણ ‘હિંમત’ આવવા લાગી છે અને નવી આશાના અંકુર ફુટવા લાગ્યા છે. સામાજીક વગને કારણે ભલે સામાજિક સ્તરે આ પ્રકરણને રફે-દફે કરી દેવામાં આવ્યું હોય પણ કંપનીએ આચરેલ ગેરરીતિનો વ્યાપ જોતાં સેબીમાં ફરિયાદ થશે તો જે પરિણામ આવશે તેની કલ્પના માત્રથી જ કેટલાક ‘દાગી’ નેતાઓ થરથરી રહ્યા છે.
પ્રકરણ ફાઈલ નથી થયું,
જંગ અભી જારી હૈ...
પોતાનું નામ નહીં આપવાની શરતે કેકેપી માર્કેટીંગના એક સભાસદે જણાવ્યું હતું કે, કંપનીના કેટલાક અધિકારીઓ કંપનીમાં બધું સમુંસૂતરું છે અને દરેક સભાસદોને પૂર્ણ સંતોષ છે તેવી રેકર્ડ વગાડ્યા કરે છે પણ કંપનીએ જે હદે વહીવટમાં અનિયમીતતા આચરી છે તેની પૂર્તતા કેમેય કરી થઈ શકે તેમ નથી અને સમાજમાં જવાનો પ્રયોગ ‘નિષ્ફળ’ ગયા બાદ હવે સેબીમાં ગયા સિવાય કોઈ છૂટકો નથી !
સમાજ કદાચ તમને બચાવી લેશે પણ સેબીના શિકંજામાંથી તમે નહીં બચી શકો...