મહામારી સામે મહા જંગ : નખત્રાણામાં પાટીદાર કોવિડ સેન્ટરનો પ્રારંભ કરાવતા રાજ્યમંત્રી વાસણભાઈ આહીર.
નખત્રાણામાં પાટીદાર કન્યા છત્રાલય મધ્યે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ સંચાલિત કોવિડ કૅર સેન્ટરનો રાજ્ય મંત્રી વાસણભાઈ આહિરના વરદ હસ્તે આજે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સેન્ટરમાં ૫૬ ઓક્સિજન બેડ સાથે કુલ ૧૫૪ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
કોરોના સામેની લડાઈમાં પક્ષાપક્ષી ભૂલી બધા કાર્યકરો એક થયા...
આ કોવિડ સેન્ટરના વિવિધ વોર્ડની મુલાકાત લીધા બાદ રાજય મંત્રીએ જણાવ્યું હતું કે હાલનો સમય લોકોને જલ્દી સારવાર મળે તેવા પ્રયાસો કરવાનો છે અને પાટીદાર સમાજે અહીં જે સુવિધા ઉપલબ્ધ કરી છે તે આવકારદાયક છે. નખત્રાણામાં આ મહામારી સામેની લડાઈમાં રાજકિય પક્ષાપક્ષી ભૂલી સહિયારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે જોઈ વાસણભાઈએ રાજીપો વ્યક્ત કરેલ.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પાટીદાર સમાજની સેવાકિય અને પરોપકાર ભાવનાને બિરદાવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે દર્દી અહીંથી સાજો થઈ હેમખેમ ઘરે પહોંચે એવો અમારો ધ્યેય હોવાનું જણાવ્યું હતું.
આ કોવિડ સેન્ટરના સંચાલન માટે સમાજના ઉપપ્રમુખ ડૉ. શાંતિલાલ સેંઘાણીના માર્ગદર્શન હેઠળ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે જેમાં સમાજ અને યુવાસંઘના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.
આ કોવિડ સેન્ટરના ઉદ્દઘાટન પ્રસંગે નખત્રાણાના નાયબ કલેકટર ડૉ.મેહુલ બરાસરા, મામલતદાર વી.કે.સોલંકી, કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખ ડો. શાંતિલાલ સેંઘાણી, મંત્રી પ્રવિણભાઈ ધોળુ, તાલુકા પંચાયત નખત્રાણાના પ્રમુખ જયસુખભાઈ પટેલ, નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ નરસિંગાણી, નયનાબેન પટેલ,અનુરાધાબેન સેંઘાણી,ભરતભાઈ સોમજીયાણી, સમાજના ખજાનચી છગનભાઇ રૈયાણી, લાલજીભાઈ રામાણી, ડાયાલાલ સેંઘાણી, નૈતિક પાંચાણી, ઇશ્વરભાઈ ભગત, શૈલેષ પોકાર, સુરેશભાઈ કાનજીયાણી સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.