સેવા પરમો ધર્મ: ભુજમાં કોરોનાગ્રસ્ત માટે નિ:શુલ્ક ટિફિન સેવા અવિરત જારી...૧૫ દિવસમાં જ ૩૦૦૦ થી વધુ ટિફિનની સેવા.ભુજ સમાજ દ્વારા પાટીદાર કુમાર છાત્રાલયમાંથી થઈ રહ્યો છે અનોખો સેવા યજ્ઞ !
કોરોનાના કપરા કાળમાં દેશ વિદેશની સાથે કચ્છ પણ મોટી હાલાકી ભોગવી રહ્યું છે. કચ્છમાં હાલમાં વધેલા પ્રકોપને કારણે કચ્છના પાટનગર ભુજ ખાતે કોરોનાના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. તેવામાં કચ્છના છેવાડાના ગામોએથી આવતા મોટી સંખ્યામાં દર્દીઓ અને તેમના સ્વજનો હોસ્પિટલમાં દાખલ થવા તેમજ અન્ય સુવિધા માટે પરેશાન ન થાય તે માટે પાટીદાર કુમાર છાત્રાલય ભૂજમાં ભોજન તેમજ ટિફિનની ત્રણેય ટાઈમ વ્યવસ્થા અવિરતપણે નિ:શુલ્ક કરાઇ રહી છે.
હાલમાં કચ્છમાં સ્થાનિકે ઘણી જગ્યાએ આઈસોલેશન સેન્ટર ઊભાં થયાં છે પરંતુ મેડિકલ તેમજ પુરતા પ્રમાણમાં ઓક્સિજનની સેવા ન મળવાના કારણે ત્વરિત ભુજ તરફ દર્દીને લઈને દોડવું પડે છે. હાલમાં ભુજમાં જુદી જુદી હોસ્પિટલોમાં સિત્તેર કરતાં વધારે દર્દીઓ જ્ઞાતિના કચ્છના જુદા જુદા ગામોમાંથી આવીને સારવાર લઈ રહ્યાં છે. એકલા ભુજની ભગત હૉસ્પિટલમાં જ પંદરથી વીસ દર્દીઓ સારવાર હેઠળ હોય તે સામાન્ય છે.
આ ઉપરાંત ભુજમાં સ્થાનિકે સાડા ચારસોથી વધારે કુટુંબો છે, જેમાંના ઘણાં કુટુંબો સંક્રમિત થયા છે. તેવામાં જો ગૃહિણીજ સંક્રમિત થાય અને આઇસોલેટ થવું પડે તો તે પરિવાર પણ ભોજન સહિતની વ્યવસ્થા થી ન મૂંઝાય તે માટે અત્યારે દર્દીઓ સહિત દૈનિક ૨૦૦ થી વધારેની ટિફિન સેવા ભુજ સમાજ તેમજ દાતાઓના સહયોગથી ભુજ પાટીદાર કુમાર છાત્રાલય ખાતેથી સંચાલન સમિતિ અને સ્થાનિક સમાજના યુવાનો દ્વારા અવિરત કરાઈ રહી છે.
આ ઉપરાંત દાખલ દર્દીને ઓક્સિજન તેમજ બ્લડ વગેરેની જરૂરિયાત ઊભી થાય અથવા હોસ્પિટલ બદલી કરવી પડતી હોય કે પછી નવા દર્દીને દાખલ થવામાં થતી મૂશ્કેલીના સમયે યુવાનો ટાસ્કફોર્સની જેમ ઉપયોગી થઈ રહ્યા છે.
દર્દી સાથેના બરદાસીઓ માટે પણ ઉત્તમ વ્યવસ્થા..
બહારગામથી આવતા દર્દીઓના બરદાસીઓને પણ ઉતારા તેમજ ચા-નાસ્તા અને ભોજનની વ્યવસ્થા પણ યોગ્ય રીતે કરવામાં આવી રહી છે. જેનો પણ મોટી સંખ્યામાં જ્ઞાતીજનો લાભ લઈ રહ્યા છે. ટિફિન તેમજ ભોજન વ્યવસ્થા ડિસ્પોઝલ તેમજ સંપૂર્ણ હાઇજેનિક રીતે થાય છે.
મે માસના પ્રથમ અઠવાડિયે પ્રકોપ વધતાં ભુજમાં સારવાર લેતા દશેક જેટલા જ્ઞાતિજનોના દુઃખદ અવસાન પણ થયા છે. તેવામાં કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે અંતિમ વિધિમાં તે પરિવારને હાલાકી ન પડે તેની પણ સ્થાનિક યુવા કાર્યકર્તાઓ કાળજી લઈ રહ્યા છે. ઘણા દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફરતાં ભુજ મધ્યેથી યુવાનો દ્વારા થતી સેવાને બિરદાવી રહ્યાં છે અને ખેડૂત પરિવારો આ નિ:શુલ્ક ભોજનાલય માટે ઘઉં, લીલા શાકભાજી, ફળો તેમજ રોકડદાન પણ મોકલાવી રહ્યા છે.
ભુજના ૪૦ જેટલા યુવાનો આપી રહ્યા છે ખડેપગે સેવા
ભુજ કુમાર છાત્રાલય ખાતે ઉભી કરાયેલી વ્યવસ્થાની સ્થાનિક સમાજ તેમજ કેન્દ્રિય સમાજના સ્થાનિક ટ્રસ્ટીશ્રી, હોદ્દેદારો તેમજ ભુજ ઝોન પ્રમુખ સહિતનાઓ મુલાકાત લઈ કાર્યકર્તાઓ તેમજ યુવાનોને પ્રોત્સાહિત કરી કાર્યને બિરદાવી રહ્યા છે.
આ વ્યવસ્થામાં હોસ્ટેલ સંચાલન સમિતિની સાથે સ્થાનિક સમાજના ચાલીસ જેટલા યુવાનો ખડેપગે સેવા આપી રહ્યાં છે. જ્ઞાતિજનોને ટિફિન તેમજ ઉતારા સહિતની સેવા માટે કુમાર છાત્રાલયનો સંપર્ક કરવા વ્યવસ્થાપક સમિતિની એક યાદીમાં જણાવાયું છે.