નડિયાદના ચૌહાણ પરિવારમાં યમરાજાના ડેરા-તંબૂ : એક જ પરિવારના ચાર-ચાર સભ્યોને કોરોના ભરખી ગયો...
કોરોનાનો કહેર સર્વત્ર મોતનું તાંડવ રચી રહ્યો છે..પરિવાર, સગાં- સંબંધીઓ, મિત્ર વર્તુળ અને ઓળખીતા-પાળખીતાના કોરોનામાં મોત થયાના માઠા સમાચાર દિવસ ઉગે ને ચારે કોરથી આવી રહયા છે અને દરેકના હાંજા ગગડાવી રહ્યા છે..
ચરોતરના નડિયાદનો ચૌહાણ પરિવારનો કિસ્સો તો ભલભલાને હચમચાવી નાખે તેવો કરૂણ અને કાળજું કંપાવી દે તેવો છે. એક જ કુટુંબની ચાર-ચાર વ્યક્તિને કોરોના ભરખી જાય અને પરિવારનું એક કુટુંબ નિર્વંશ થઈ જાય તે હદે વિધાતા ક્રુર બને તે હકીકત માત્ર થથરાવી મૂકે તેવી છે...
મૂળ ઘડાણીના ખીમજીભાઈ માવજીભાઈ ચૌહાણ છેલ્લા ૨૪ વર્ષથી નડિયાદમાં મંજીપુરામાં રહે છે અને કમળા GIDC માં શ્રી હરિકૃષ્ણ ટ્રેડીગના નામે લાકડાનો વ્યવસાય કરે છે.
૨૦ દિવસમાં પરિવારના ચાર સભ્યો કોરોનામાં હોમાઈ ગયાં..
કોરોના મહામારીની ઝપટમાં સૌ પ્રથમ ખીમજીભાઈના ૮૨ વર્ષના પત્ની રતનબેન ચૌહાણ આવ્યાં. ચૌહાણ પરિવારે તેમની સારવારમાં કોઈ કચાશ ન રાખી પણ ૨૪ એપ્રિલના તેમણે હંમેશને માટે આંખો મીંચી દીધી...
પરિવાર આ કારમા આઘાતમાંથી બહાર આવે તે પહેલાં જ કોરોનાએ બીજો પંજો માત્ર ત્રણ જ દિવસમાં વીંઝયો અને ૪૭ વર્ષિય પુત્ર શાંતિલાલ ચૌહાણને ભરખી ગયો... કુટુંબનો મુખ્ય આધાર ચાલ્યો જતાં સમગ્ર પરિવાર હતપ્રભ બની ગયો.. પરિવારના બાકીના સભ્યો પણ સંક્રમિત હતા એટલે બાકીનાને બચાવવા પણ જરૂરી હતા.
પત્ની અને પુત્ર પાછળ વડિલે પણ વિદાય લીધી..
પત્ની અને પુત્ર વિયોગની પારાવાર પીડા ૮૭ વર્ષના ખીમજીભાઈ ચૌહાણ સહન ન કરી શકયા અને ત્રણ દિવસ પછી કોરોના મહામારીમાં તેમણે પણ દમ તોડી દીધો...એક અઠવાડિયામાં જ પરિવારના ત્રણ-ત્રણ સભ્યોએ વિદાય લીધી.. સમગ્ર નડિયાદ વિસ્તારમાં આ કરૂણ કિસ્સાએ હાહાકાર મચાવી દીધો...
યમરાજાના ડેરા-તંબુ હજુ પણ આ ચૌહાણ પરિવારના ઘરની આસપાસ જ હોય તેમ કોરોનાગ્રસ્ત પુત્રવધૂ ૪૫ વર્ષિય હેમલતાબેન શાંતિલાલ ચૌહાણે પણ તા.૧૩/૫/૨૦૨૧ ના હંમેશને માટે આંખો મીંચી દીધી..
દવાખાનામાં રહેલ પુત્રવધૂને ઘરના ૩ સભ્યોના મોતની જ ખબર નહોતી..
વિચાર તો કરો... હોસ્પિટલમાં છેલ્લા ૨૦-૨૫ દિવસથી સારવાર લેતી પુત્રવધૂ હેમલતાબેને અંતિમ શ્વાસ લીધા ત્યારે તેમને એ પણ ખબર નહોતી કે તેમના પતિ,સાસુ અને સસરા આ દુનિયામાં રહયા નથી..આ આઘાતજનક સમાચાર તેમને છેલ્લે સુધી આપવામાં આવ્યા નહોતા...
યમરાજાની ક્રુરતાનો આનાથી ભયંકર કિસ્સો બીજો કયો હોઈ શકે? ૨૦ દિવસના ગાળામાં જ ચૌહાણ પરિવારના ચાર-ચાર સભ્યોને કોરોના ભરખી ગયાના સમાચાર જાણી સમગ્ર સત્સંગ સમાજ અને કડવા પાટીદાર સમાજમાં હાહાકાર મચી ગયો છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાન દિવંગત સભ્યોના આત્માને પરમ શાંતિ અર્પે અને ચૌહાણ પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પરમકૃપાળુ પરમેશ્વર પાસે પ્રાર્થના...