નરબંકા નારાયણજી રામજી લીંબાણીના અધૂરા કાર્યો પૂરા કરવાનું ઝનૂન છે આપણામાં??
કચ્છ કડવા પાટીદાર સમાજમાં ધાર્મિક ચેતના જગાવનાર જ્ઞાતિના આદ્ય સુધારક નરબંકા પૂ. નારાયણજી રામજી લીંબાણીની ૧૩૮ મી જન્મજયંતિ આજે વૈશાખી પૂર્ણિમાના દિવસે દેશભરમાં રહેતા જ્ઞાતિજનો અંતઃકરણથી ઉજવી રહ્યા છે.
ગેઢેરાઓની જોરતલબી અને સૈયદોના નાપાક કરતૂતો સામે પોતાના સનાતની સાથીદારોના સહકારથી હિંમતપૂર્વક જંગ છેડનાર જ્ઞાતિના આ વીર સપૂત આખરી શ્વાસ સુધી સતપંથને જડમૂળથી ઉખેડી નાખવાના પ્રયાસો કર્યા હતા અને ૧૯૨૦ માં કરાંચીમાં યોજાયેલ જ્ઞાતિની સૌ પ્રથમ પરિષદમાં ખાસ મુંબઈથી હાજર રહી અજ્ઞાન અને અબૂધ લોકોના આત્માને ઢંઢોળવાનો ભગીરથ પ્રયાસ કર્યો હતો.
સમાજના વડા મથક પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે આજે સમાજ દ્વારા તેમની વંદનાનો કાર્યક્રમ સમાજના ઉપપ્રમુખ ડો. શાંતિલાલ સેંઘાણીની આગેવાની હેઠળ યોજાયો હતો જેમાં કેન્દ્રીય સમાજના સ્થાનિક પદાધિકારીઓ સહિત યુવા- મહિલા સંઘના અગ્રણીઓ અને સંચાલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આજે આટલા વર્ષો પછી પણ પૂ.નારાયણજી બાપાએ આદરેલા કાર્યો હજુ પણ અધૂરા જ રહ્યા છે ત્યારે વહેલામાં વહેલી તકે સંપૂર્ણ અને શુદ્ધ સનાતની સમાજનું નિર્માણ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે..
સમાજમાં દૂધ- દહીંવાળા સામે કડક પગલાં ભરવામાં પણ આપણે પાછા પડી રહ્યા છીએ ત્યારે જ્ઞાતિ સુધારકના અધૂરા કાર્યો પૂરા કરવા માટેનું ઝનૂન અને હિંમત છે આપણામાં??