કોરોનાનું વિધ્ન : અમને ટકો મૂંડો થવું છે પણ... હે દાદા ! અમને માફ કરજો...કોરોના લોકડાઉનને કારણે અમે આપને પગે લાગવા આવી શકતા નથી...!
તબીબોના દાવા મુજબ કોરોના સંક્રમણની અસર ભલે બાળકો પર હજુ નોંધપાત્ર પ્રમાણમાં થઈ ન હોય, પણ આ મહામારી અને લોકડાઉનને કારણે દેશ-પરદેશમાં રહેતા કચ્છીઓ માટે તેમના બાળકોના જંડીયા ઉતરાવવાની માનતા પૂરી કરવા આડે આ કોરોના મહામારી મોટું વિધ્ન બની રહી છે !
પોતાના સૂરધન દાદાની માનતાને કારણે જંડીયા વધારેલા સંખ્યાબંધ બાળકોને દાદાના દર્શન કરી ‘ટકો મૂંડો’ થવું છે પણ લોકડાઉનના કારણે આવા પરિવારો માદરેવતન આવી શકતા ન હોઈ, કોરોનાકાળમાં આ બાલુડાંઓ બરાબરના અટવાઈ ગયાં છે !
જંડીયા ઉતારવા અને છેડાછેડી છોડવા લોકો કચ્છમાં આવે છે
બીજી જ્ઞાતિની જેમ આપણા સમાજમાં પણ બાળકોના જંડીયા ઉતરાવવાનો રીવાજ છે. ભારતમાં ગમે તે ખૂણે રહેતા હોય પણ બાળકોના જંડીયા માટે કે છેડાછેડી છોડવા માટે માદરેવતન આવવાનો કાર્યક્રમ દરેક પરિવાર બનાવતો જ હોય છે. પણ કોરોનાને કારણે છેલ્લા લાંબા સમયથી આ માટેના પરિયાણ સતત ઠેલાતાં જ જાય છે.
હવે માથામાં વધેલા ભોથાને કારણે અજાળ થઈ રહ્યો છે !
સામાન્ય રીતે બાળક એક વર્ષનું થાય તે પછી જંડીયા ઉતરાવવાની માનતા લોકો રાખતા હોય છે. કોરોનાને કારણે બહાર વસતા પરિવારો તેમના સૂરધન દાદાના સ્થાનકે કચ્છમાં આવી શકતા નથી જેના કારણે બાળકોના જંડીયા ઉતરાવવાની પણ વિકટ સમસ્યા ઉભી થઈ છે. સૂરધન દાદાની આસ્થાનો પણ સવાલ હોઈ, લોકો મહામારી હળવી થાય તેની રાહ જોઈ રહ્યા છે જેના કારણે ઘણા બાળકોના જંડીયા એટલા બધા વધી ગયા છે કે હવે બાળકોને લાંબા વાળને કારણે અજાળ થઈ રહ્યો છે !
જ્ઞાતિના લોકો મોટાભાગે વૈશાખની લગ્નસરાની સીઝનમાં કે પછી જન્માષ્ટમી પર્વ પર કચ્છમાં આવી માનતા ઉતારતા હોય છે પણ છેલ્લી બે ટર્મથી અખાત્રીજના લગ્નો કે જન્માષ્ટમીના તહેવારોની મજા જ મરી ગઈ છે. સમૂહલગ્નો અને સમાજના વાર્ષિક મેળાવડાઓ પણ રદ કરવા પડ્યા છે તો નછૂટકે કરવા પડતા સામાજીક પ્રસંગો પણ મર્યાદિત સભ્યોની હાજરીમાં જ નિપટાવવામાં આવી રહ્યા છે.
દરેકને જંડીયા ઉતરાવવા કચ્છમાં આવવું છે પણ...
હોલેલકર (કર્ણાટક) રહેતા આમારાના દીપેશકુમાર હરીશભાઈ નાકરાણીનો પુત્ર વૃષભ હોય કે કોઈમ્બતૂર રહેતા હરિપરનો દોઢ વર્ષનો ધ્યાન અશોક પોકાર હોય, દરેકને તેમના સૂરધન દાદાના દર્શને આવવું છે અને જંડા કપાવવા છે પણ કોરોનાને કારણે મુહૂર્ત જ આવતું નથી !
રાયપુર રહેતા કંડાયનો નમન દિલીપભાઈ હળપાણી ચાર વર્ષનો થઈ ગયો છે અને તેને વહેલામાં વહેલી તકે કચ્છમાં સુરધન દાદાના સ્થાનકે લુડવા આવવું છે પણ પ્રોગ્રામ ઠેલાતો જ જાય છે ! નાગપુરમાં રહેતા લખપત તાલુકાના મેઘપરનો પોણા બે વર્ષનો જોયેલ દિપેન પોકાર હોય કે ઘડાણીનો અઢી વર્ષનો પરશિવ પિયુષ લીંબાણી હોય, કોરોનાને કારણે એવા અટવાઈ ગયા છે કે બરાબરના સલવાણા છે !
નવી મુંબઈ રહેતા દોલતપરના દોઢ વર્ષના ભવ્યાંશ સુધીર જબુઆણીનો પરિવાર પણ માનતા ઉતારવા કચ્છમાં આવવા તલપાપડ છે પણ હાલની કોવિડ પરિસ્થિતિને કારણે આવતા અચકાઈ રહ્યા છે. બીજું બધું તો ઠીક પણ આ કોરોનાને પાપે વધેલા વાળનો ભોથો બિચારા બાલુડાં સહન કરી રહ્યા છે !
પોકારના સૂરધન દાદા બીજા પરિવારના દાદા જેવા ‘આકરા’ નથી...
કોલ્હાપુર રહેતા કોરાવાળી વિરાણીના દેવમ્ નિલેશ પોકારનો પરિવાર તો માનતા ઉતારવા દેશમાં આવવા માટે ગઈ સાલથી તૈયારી કરતો હતો પણ લોકડાઉનના કારણે મેળ ન પડતાં આખરે સૂરધન દાદાની ક્ષમા-યાચના સાથે કોલ્હાપુરમાં ઘરે જ મૂંડનવિધિ કરાવી હતી ! દેવમ્ના દાદીમા નર્મદાબેન પોકાર કહે છે : ‘અમારા પોકાર પરિવારના સૂરધન બાપા બીજા પરિવાર જેવા ‘આકરા’ નથી... લોકડાઉનની પરિસ્થિતિમાં ‘દાદા’ અમને માફ કરી દેશે...’
જન્માષ્ટમી સુધી કોરોનાની પરિસ્થિતિ હળવી થશે તો આ વખતે કચ્છમાં મોટી સંખ્યામાં દેશ-પરદેશથી લોકો માનતા કરવા માટે આવશે એ નક્કી છે. લોકોની આસ્થા અને શ્રધ્ધા સૂરધન દાદા પ્રત્યે અપરંપાર છે પણ આ કોરોનાને કોણ સમજાવે?