સાહસ : પેડલ પર કચ્છથી કાઠમંડુ (નેપાલ )- લખપતના ચાર યુવાનોએ ૩૭ વર્ષ પહેલાં ખેડેલી સાહસિક સાઇકલ યાત્રાની રોમાંચક વાતો...
આજે ૩ જૂન, આંતરરાષ્ટ્રીય સાઇકલ દિવસે પાટીદાર સૌરભના વાચકો માટે વિશેષ અહેવાલ...
( સી.કે.પટેલ દ્વારા )
૩૭ વર્ષ પહેલાંના એ યાદગાર પ્રવાસને યાદ કરું છું ત્યારે આજે પણ ભારે રોમાંચનો અનુભવ થઈ રહ્યો છે. ભુજ જવું હોય તો પણ આગલા દિવસે પરિયાણ કરવું પડે એવા એ દિવસોમાં લખપત તાલુકાના દયાપરના ત્રણ અને ઘડુલી ગામના એક યુવાને દયાપરથી કાઠમંડુ (નેપાળ) સુધીના સાહસિક સાઈકલ પ્રવાસ માટે હામ ભીડી હતી. આ વાત આજે પણ રોમાંચિત કરી દેનારી છે. તે વખતનો કચ્છનો આ મોટામાં મોટો સાઈકલ પ્રવાસ હતો !
૧૨ માર્ચ, ૧૯૮૪ની એ શુભ સવારે મંદિરમાં ભગવાનના દર્શન કરી કુટુંબ, પરિવાર અને ગામલોકોના અઢળક પ્રેમ અને આશીર્વાદ સાથે આ ઐતિહાસિક સાઈકલ યાત્રા પ્રસ્થાન થઈ ત્યારે ગામલોકોની સાથે અમને પણ મનમાં એવા અગણિત વિચારો આવતા હતા કે, આગળ શું થશે? કેવા પડકારો આવશે?
પણ મનમાં ઉમંગ અને ઉત્સાહના ઘોડાપુર હતા અને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિને પહોંચી વળવાની એક છૂપી તાકાત હતી... નવી-નકોર સાઈકલો હતી... નવા રસ્તા... નવા અને અજાણ્યા ઈલાકા... નવા માણસો... પેડલ પર પહેલો પગ મૂક્યો ને યાત્રા આગળ ને આગળ ધપતી જ રહી...
લખપત તાલુકાના ચાર યુવાનો જોડાયા હતા...
મારી સાથે આ સાઈકલ પ્રવાસમાં જોડાનાર દયાપરના ભવાનજી ધનજી લીંબાણી (હાલમાં સરપંચપદે છે), સુરેશ વાલજીભાઈ વાડીયા (જામનગર હાલે-અમદાવાદ) તેમજ ઘડુલીના ભરત લખમશી સોની (જી.એમ.ડી.સી. પાનધ્રોમાંથી રીટાયર્ડ થઈ હાલમાં નખત્રાણા રહે છે) હતા. ભરત સોનીની ઘડુલીમાં સાઈકલની દુકાન હતી એટલે રસ્તામાં પંકચર થાય તો તે દૂર કરવાના સાધનો અને હવા ભરવાનો નવો પંપ સાથે જ રાખ્યો હતો !
૨૪મા દિવસે કાઠમંડુ (નેપાળ) પહોંચ્યા !
દયાપરથી ભુજ-સામખીયાળી-ચોટીલા-નડિયાદ-દાહોદ-ઈન્દોર-ભોપાલ-ખજૂરાહો-રીવા-સતના-અલાહાબાદ-ગોરખપુર-સુનોલી બોર્ડર થઈ ૨૪ દિવસે કાઠમંડુ પહોંચ્યા ત્યારે જે આનંદ થયો હતો તેનું વર્ણન થઈ શકે તેમ નથી... રસ્તામાં થયેલ સ્વાગત-સન્માનને પણ ભૂલી શકીએ તેમ નથી...
દયાપરથી નીકળ્યા બાદ નખત્રાણામાં આરામગૃહ પાસે તે વખતના યુવા અગ્રણીઓ ભરત સોની, વેણુ રાવલ સહિતનાએ સન્માન કરેલ. સાંજ સુધીમાં તો ભુજ પહોંચી પાટીદાર હોસ્ટેલમાં રાત્રી રોકાણ કર્યું જ્યાં અભ્યાસ કરતા સમાજના ઘણા મિત્રો પણ મળેલા.
પાસપોર્ટ-વિઝા નહીં પણ પોસ્ટ વિભાગનું ઓળખપત્ર પણ ચાલે !
નેપાળ જવા માટે તે વખતે પણ પાસપોર્ટ-વિઝાની જરૂરત નહોતી પડતી. સરકારી પહેચાનપત્ર સાથે રાખવું પડતું. તે વખતે ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ તો હજુ આવ્યા નહોતાં. પોસ્ટ વિભાગ દ્વારા ફોટા સાથેના ઓળખપત્ર ઈસ્યુ થતા જે ભારતભરમાં ગમે ત્યાં ચાલતા, નેપાળમાં પણ તે જ ચાલ્યા. ભુજની વડી કચેરીના સ્ટાફે તે દિવસે વહેલી સવારના અમોને પહેચાનપત્ર બનાવી સુંદર સહકાર આપેલો તે આજે પણ અમે ભૂલી શકીએ તેમ નથી. INDIA POST DEPARTMENT નું આ ઓળખપત્ર આજે પણ સાચવી રાખ્યું છે !
સમગ્ર પ્રવાસ દરમિયાન એક દિવસમાં સૌથી વધુ અંતર અમોએ પ્રવાસના ત્રીજા દિવસે સામખીયાળીથી ચોટીલા - ૧૩૭ કિ.મી. કાપ્યું હતું ! સામખીયાળીમાં બસ સ્ટેન્ડ પાસેની ધર્મશાળામાં રોકાયા હતા તો ચોટીલામાં મોટાભાઈ અરજણભાઈની સો મીલ હતી ત્યાં ઘરના રોટલા ખાધા હતા ! નડિયાદમાં તો લખપત તાલુકાના ભાઈઓની મોટી વસતિ છે, ત્યાં રાત્રે થાક હોવા છતાં મોડે સુધી રયાણ કરી હતી !
માર્ગમાં ઠેર ઠેર ઉષ્માભર્યું સ્વાગત
પંચમહાલ દાહોદમાં અગાઉ દયાપરમાં મામલતદાર તરીકે ફરજ બજાવી ગયેલા ડામોર સાહેબે અમારું ઉષ્માભર્યું સ્વાગત કરેલું. અમને જમાડ્યા અને સરકારી આરામગૃહમાં રહેવાની વ્યવસ્થા પણ કરાવી આપી. બીજા દિવસે મછલીયા ઘાટ પાર કરી અમે મધ્યપ્રદેશના જાંબુઆ શહેરમાં પહોંચ્યા જ્યાં પણ વેપારી મંડળ દ્વારા અમારું સ્વાગત થયેલ.
અહિલ્યાનગરી ઈન્દોરમાં અમારું શાનદાર સ્વાગત થયું. એક દિવસનો મુકામ પણ હતો. ખીમજી નારાણ પોકાર અને અન્ય આગેવાનોએ સુંદર સહયોગ કરેલ. સતના પણ પાટીદાર ભાઈઓ મળેલા અને ખૂબ આનંદ થયેલો. અલાહાબાદ પાસે GTY નંબરવાળી કચ્છની ટ્રક જોઈ અમે રાજીના રેડ થઈ ગયેલા...
એમ.પી.માં વન વિભાગના રેસ્ટ હાઉસની સુંદર સુવિધા
મધ્યપ્રદેશમાં રસ્તામાં જંગલ ખાતાના ગેસ્ટ હાઉસ આવતા ત્યાં રાત્રી રોકાણ થઈ જતું. અલાહાબાદમાં સર્કિટ હાઉસના મેનેજરે આનાકાની કરતાં બાજુમાં જ આવેલ કલેક્ટર કચેરીમાં જતાં તે વખતના એક યુવાન સનદી અધિકારીએ તુરત જ કચેરીના સ્ટાફને સાથે મોકલાવી અમારી રાત્રિ રોકાણ અને ભોજનની વ્યવસ્થા કરી આપેલી અને અમારા પ્રવાસ વિશે વિગતવાર જાણકારી મેળવતાં અમોને આનંદ થયેલ.
ગોરખપુરથી સુનૌલી બોર્ડર થઈ નેપાળ પ્રવેશ્યા અને ત્યાંથી કાઠમંડુ સુધી આ પહાડી રાષ્ટ્રનું કુદરતી સૌંદર્ય જોઈ ભારે રોમાંચ અનુભવેલ. કાઠમંડુ અને નેપાળની એ યાદો ક્યારેય ભૂલાય તેમ નથી...
રીટર્નમાં રકસૌલથી ટ્રેન દ્વારા દિલ્હી થઈ ભુજ અને ભુજથી પાછા સાઈકલ દ્વારા દયાપર ૩૫મા દિવસે પહોંચ્યા ત્યારે આખું ગામ સ્વાગત માટે ઉમટી પડ્યું હતું... એ અવર્ણિય પળો માટે મારી પાસે કોઈ જ શબ્દો નથી...
નવેમ્બર-૨૦૧૯માં મારા પરમમિત્ર શાંતિલાલ સોની (ભૂતપૂર્વ માહિતી અધિકારી-ભુજ) અને સહધ્યાયી હિંમત ડોસાણી (દુબઈવાળા) સાથે પરિવારસહ નેપાળનો પ્રવાસ કર્યો ત્યારે ૩૬ વર્ષ પહેલાંની એ યાદો પુનઃ તાજી થઈ હતી...
૩ જૂન, આંતરરાષ્ટ્રીય સાઈકલ દિવસના આ લેખ પોસ્ટ કરી રહ્યો છું ત્યારે દિલમાં એક ઊંડી પીડા પણ છે... નખત્રાણા સહિતના ગામોમાં આજે સાઈકલ ચલાવવી લોકોને એક નાનપ જેવું લાગી રહ્યું છે ! વાલીઓ તેમના બાળકોને હોંશે-હોંશે સ્કૂટી કે મોપેડ લઈ આપે છે પણ સાઈકલ ચલાવવામાં બધાને ‘શરમ’ આવી રહી છે ! આપણી આ ક્યા પ્રકારની માનસિકતા છે? આપણે ખરેખર સુધરી ગયાં છીએ કે સુધરી ગયાના વહેમમાં છીએ?