આજે દીતવાર : પ્રકૃતિના ખોળે ધીંગામસ્તી અને આનંદ-પ્રમોદ કરવાનો મસ્તીનો તહેવાર...
( સી.કે.પટેલ દ્વારા )
જેઠ મહિનાના પહેલા બે રવિવારે ગામની દીકરીઓ દ્વારા ઉજવાતો દીતવારનો વસંતોત્સવ માત્ર કચ્છની કડવા પાટીદાર જ્ઞાતિમાં જ જોવા મળે છે. વાડીઓમાં જઈ ઝાડમાં હીંચકા બાંધીને ઝૂલવાનો અને જુદી જુદી રમતો રમવાનો આ ઉત્સવ વસંતઋતુ પછી પ્રકૃતિને ઉમંગભેર વધાવવાના ભાવ સાથે શરૂ થયો હોય એવું લાગે છે.
માત્ર પરણેલી કે કુંવારી દીકરીઓ જ ભાગ લઈ શકે...
કચ્છના કડવા પાટીદાર ગામોમાં આ દીતવારનો ઉત્સવ વર્ષોથી ઉજવાય છે. વૈશાખમાં લગ્ન કરી સાસરે ગયેલ તમામ દીકરીઓ દીતવાર મનાવવા અચૂક માવતરના ગામે આવે છે. માત્ર ગામની પરણીત કે કુંવારી દીકરીઓને જ આ ઉત્સવમાં ભાગ લેવા મળે છે !
સવારના ટાઢા પહોરમાં આ બધી દીકરીઓ ગામથી દૂર આવેલ એકાદ વાડીએ પહોંચે છે જ્યાં પ્રથમ તો બધા નહાય છે અને પછી વડ કે પીપળાના ઝાડ નીચે હીંચકામાં ઝુલવાનો આનંદ લે છે. વાડીમાં ચીભડાં, કેરી કે અન્ય ફળફળાદી હોય તેનું વન ભોજન થાય છે !
અહીં છોકરીઓ 'ઈડો-ઈડી' ની રમત રમે છે !
દીતવારની આ ઉજવણીમાં ‘ઈડો-ઈડી’ની રમત પણ રમાય છે ! આ રમતમાં એક છોકરી વર બને છે અને બીજી કન્યા બને છે જેના રીતસરના લગ્ન લેવાય છે અને ફટાણાં સાથે છોકરીઓ ગીતો ગાય છે જેમાં શૃંગારરસનું પ્રાધાન્ય જોવા મળે છે. ઉત્સવના સ્થળે ઉંમરલાયક છોકરાઓને પ્રવેશ અપાતો નથી, વાડી માલિકને પણ અળગા રખાય છે !
વાડીની બાજુમાં જ નદીનું રેતાળ પટ હોય ત્યાં અન્ય રમતોનું આયોજન પણ કરવામાં આવે છે. પ્રકૃતિના ખોળે આખો દિવસ ધિંગા-મસ્તી અને આનંદ પ્રમોદ. પછી સાંજે ગોધૂલી સમયે પાછી ફરતી આ દીકરીઓ માટે આ તહેવાર વિશેષ મહત્ત્વ ધરાવે છે અને દરેક યુવતી તેને પોતાના જીવનનો અનન્ય લ્હાવો માને છે !
દીતવારની ઉજવણીમાં ઉંમર પ્રમાણે યુવતીઓના ગ્રુપ બને છે અને અલક-મલકની વાતો સાથે તાજેતરમાં પરણેલ યુવતીઓ તેમના લગ્નજીવનના અનુભવો પણ એકબીજા સાથે શેયર કરે છે... જાતિય શિક્ષણ જેવા મહત્ત્વના વિષયને અહીં ઉત્સવના માધ્યમ દ્વારા કેટલો સુંદર રીતે સાંકળી લેવામાં આવ્યો છે !
કચ્છના પાટીદાર ગામો સિવાય ભારતભરમાં જ્યાં જ્યાં જ્ઞાતિની મોટી વસતિ રહે છે તેવા નાગપુર, રાયપુર, બેંગલોર જેવા સ્થળે પણ આ તહેવાર ઉજવાય છે પણ ત્યાં વાડીઓના બદલે સમાજવાડીમાં ઉજવાય છે.
કચ્છના ઘણા ગામોમાં પાટીદારની વસતિ સાવ ઘટી ગઈ છે ત્યાં આ દીતવારની પરંપરા બંધ થવાના આરે છે. ઘડુલીના દમયંતિબેન દયારામ હળપાણીના જણાવ્યા મુજબ ત્યાં દીકરીઓ આજે પણ દીતવારની રંગેચંગે ઉજવણી કરે છે. દયાપરમાં ખાસ એવી વાડીઓ રહી નથી એટલે સમાજવાડીમાં આ ઉજવણી થાય છે તેવું મહિલા મંડળના પ્રમુખ પુષ્પાબેન ભવાન લીંબાણીએ માહિતી આપતાં જણાવેલ.
...અને તમે છેલ્લે કયારે હીંચકે હીંચવાનો લ્હાવો લીધો છે? તમારા મમ્મી કે દાદી-નાનીને આજે આ સવાલ જરૂર કરજો...તેમના બોખલા મોઢા પર શરમના લાલ શેરડા ફૂટી ન નીકળે તો કહેજો...!!