આજે અનોખો સંયોગ : આજે સોમવારે ભીમ અગિયારસ, વિશ્વ યોગ દિવસ, ગાયત્રી જયંતિ અને દક્ષિણાયન ! મંત્ર-જાપ,તપ-ઉપવાસ,યોગ- પ્રાણાયામ,ખગોળ વિજ્ઞાન માટે વિશેષ દિન
આ વર્ષે સોમવાર તા.૨૧ જૂન, જેઠ સુદ એકાદશીના દિવસે એક સાથે ચાર વિશેષ દિનનો સુભગ સમન્વય થાય છે. આ દિવસે વિશ્વએ ભારતવર્ષે વિશ્વને આપેલી અનમોલ ભેટ એવા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટેનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે, નિર્જલા એકાદશી કે ભીમઅગિયારસ નિમિત્તે ઉપવાસનું વૈજ્ઞાનિક સમર્થન પ્રાપ્ત અનેરું મહત્ત્વ છે તો આ જ દિવસે વેદમાતા ગાયત્રી જયંતિ ઉજવાશે. આ દિવસે દક્ષિણાયન શરૂ થાય છે એટલે કે વર્ષનો સૌથી મોટો દિવસ અને સૌથી ટૂંકી રાત્રિ છે.
તા.૧૧-૧૨-૨૦૧૪ના યુનોમાં યોગ દિવસનો ઠરાવ મુકાયો ત્યારે વિક્રમી ૧૭૭ દેશોએ આપ્યો ટેકો
કોરોનાકાળ હજુ ચાલુ હોય યોગના જાહેર કાર્યક્રમો હજુ જાહેર થયા નથી પરંતુ, આમપણ યોગાસન અને પ્રાણાયામના લાભ તે નિયમિત પ્રેક્ટીસ કરવાથી જ મળે છે. તે નિદર્શન નથી પણ જીવન દર્શન છે. યોગાસન યોગ કરતા હોય તે દેખાડી શકે છે પરંતુ, યોગની સફળતા મેળવવા પહેલા યમ, નિયમ(સત્યપાલન, અહિંસા, બ્રહ્મચર્ય વગેરે) અનિવાર્ય ગણાય છે. હવે તેમાં પ્રોફેશનલ દૃષ્ટિકોણ આવી ગયું છે. પરંતુ, સદીઓથી ભારતમાં થતા અનુલોમ, વિલોમ, પૂરક-રેચક, ભસ્ત્રિકા, સહિત પ્રાણાયામો, કપાલભાતિ જેવી યૌગિક ક્રિયાઓ શ્વસનક્રિયાને, ધનુરાસન, પશ્ચિમોતાનાસ, સર્વાંગાસન કે શિર્ષાસન, ઉષ્ટ્રાસન જેવા આસનો કરોડ, પેટ સહિત અવયવોને તંદુરસ્ત કરે છે. વજ્રાસન, પદ્માસન, સિદ્ધાસન જેવા કરોડરજ્જુ ટટ્ટાર રાખતા આસનો ધ્યાન માટે છે અને વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયું છે કે તેમબેસવાથી શરીરનું સ્વાસ્થ્ય સુધરે છે.
યુનાઈટેડ નેશન્સમાં તા.૧૧-૧૨-૨૦૧૪ના જ્યારે વિશ્વ યોગ દિવસ માટે ઠરાવ મુકાયો ત્યારે તેના સમર્થનમાં સૌથી વધુ ૧૭૭ દેશોએ ટેકો આપ્યો હતો. યુનોએ યોગને મૂળ ભારતની શારીરિક, માનસિક, આધ્યાત્મિક પ્રેક્ટીસ તરીકે વૈશ્વિક સ્વીકૃતિ આપી છે. વળી, આ દિન વિશેષ માટે તા.૨૧ જૂન ભારત સરકારે સૂચવેલ હતી, કારણ કે આ દિવસ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ હોય છે.
ગાયત્રી મંત્રના જાપનું અનેરું મહત્ત્વ, સૌરાષ્ટ્રમાં અનેક મંદિરો
આ દિવસે વેદોની માતા ગાયત્રી માતાજીની જયંતિ પણ ઉજવાશે. સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે ગાયત્રી મંદિરો આવેલા છે અને અનેક મંદિરોમાં મા ગાયત્રીની પ્રતિમા સ્થાપિત હોય છે. ગાયત્રી મંત્રના જપનું અનેરું વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ મહત્ત્વ છે અને ગાયત્રી હવન પણ અનેક ઘરોમાં થતો રહ્યો છે.
ભીમઅગિયારસે બહેનોને ભેટ દક્ષિણા આપવાની પણ પરંપરા
આ દિવસે ભીમઅગિયારસ કે જેને નિર્જલા એકાદશી પણ કહે છે તેનું પરમપવિત્ર પર્વ પણ છે. વર્ષમાં ૨૫ એકાદશીમાં ઘણા ભાવિકોના મતે આ એકાદશી ઉત્તમ મનાય છે. નક્કોરડા ઉપવાસથી શરીરમાં કેન્સરના કોષો પણ બાળી નાંખવાની શક્તિ છે તે હવે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે. આ દિવસે બહેનોની ખાસ કરીને નવ પરિણીત બહેનને ભાઈ તરફથી ભેટ, દક્ષિણા આપવાની પણ ઉમદા પરંપરા છે અને કેરીનું દાન પણ થાય છે.
ભીમ અગિયારસના દિવસે દયાપરના લોકો તળાવની આવ માટે રેતીનો બંધ બાંધવા શ્રમયજ્ઞ કરતા...
ભીમ અગિયારસના દિવસે અગાઉ લખપત તાલુકાના દયાપરમાં એક સુંદર પરંપરા હતી. દયાપર ગામની પાસે જ બે તળાવ આવેલા છે,એક પીવાના પાણી માટે અને બીજું કપડાં ધોવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો..આ બંને તળાવને વરસાદના પાણીથી ભરવા માટે તેની આવનું પાણી અપૂરતું થતું હોઈ તે વખતે વાણીયાસરવાળા છેલાનું પાણી ગામના તળાવ તરફ વાળવા નદીમાં રેતીનો બંધ બાંધવાની ઉમદા પ્રથા ગામના વડીલોએ ઉભી કરી હતી.
ભીમ અગિયારસના દિવસે ગામ લોકો નાત-જાતના ભેદભાવ વિના ગમેલા અને પાવડા જેવા સાધનો લઈ નીકળી પડતા અને બપોર સુધીમાં સરસ મજાનો રેતીનો બંધ બની જતો...ગામના નગર શેઠ કહેવાતા શાહ પરિવાર દ્વારા ગોળ કે ખજૂર દરેકને આપવામાં આવતો !
સામૂહિક શ્રમયજ્ઞની ઉદાત્ત ભાવના લોકોમાં હતી અને સ્ત્રી-પુરૂષો સહિત બધા હોંશે હોંશે આ પ્રવૃતિમાં જોડાતા. પણ કેટલાક રાજકીય લોકોએ સરકારમાંથી ગ્રાન્ટ પાસ કરાવી આ જગ્યાએ પાકા બંધ જેવું બનાવ્યું ત્યારથી આ ઉમદા પ્રવૃત્તિ પણ બંધ થઈ ગઈ !! પછી તો આ બંધ પણ તૂટી ગયો પણ ગામની એક સુંદર પરંપરાને પણ તોડતો ગયો..