કચ્છમાં કાળમુખો કોરોના અને જીવન સંધ્યાને સાંકળતી ફિલ્મ : ‘મહામારી : ટર્ન ઓફ લાઇફ’
કચ્છી દિગ્દર્શક, કલાકારોએ શોર્ટ ફિલ્મમાં ખડા કર્યા છે લાગણીભર્યા દૃશ્યો
કોરોનાએ લોકોની જિંદગી બદલી નાખી છે. મહામારી અને મોંઘવારીએ માથું ઊંચું રાખીને જીવતા મધ્યમ વર્ગ માટે સૌથી વધુ માર સહન કરવાનું આવ્યું છે, ત્યારે ભુજના કલાકાર અને દિગ્દર્શક સુબીએ આજુબાજુ બનતી ઘટનાઓને લઇ એક સંવેદનશીલ વિષય પર શોર્ટ ફિલ્મ બનાવી છે. ‘મહામારી : ટર્ન ઓફ લાઇફ’ એ કોરોનાનો ડર લોકોના માનસપટ પર એવો છવાયેલો છે કે પોતાના નિકટના સગા સબંધીથી પણ દુરી બનાવતા થઇ ગયા છે એવી હ્રદયને સ્પર્શતી વાર્તા છે.
ફિયામાં યુવાન ડાયરેક્ટર તેની ફિલ્મ માટે એક વૃદ્ધાની શોધમાં નીકળે છે, અને જીવન સંધ્યા આશ્રમમાં તેને પાત્ર તો મળે છે, પણ તે વૃદ્ધાની વાસ્તવિક જિંદગીની કહાની સાંભળી વિહવળ બની જાય છે. જે કોરોનાએ વૃદ્ધાને જીવન સંધ્યા જવા મજબુર કરે છે એ જ કાળમુખો કોરોના ફિલ્મના અંતમાં અલગ જ વળાંક લાવે છે. કથા, પટકથા, સંવાદ અને અભિનયમાં સમૃદ્ધ આ બાર મિનિટની શોર્ટ ફિલ્મ ખૂબ સરસ મેસેજ આપી જાય છે. સમગ્ર ફિલ્મ કચ્છના કલાકારો અને લોકેશન પર ફિલ્માવવમાં આવી છે.
ફિલ્મ વિશે સુરેશ બિજલાણી કહે છે કે, શોર્ટ ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો, સ્ક્રીનપ્લે તૈયાર થયા બાદ , સ્થાનિક કલાકારોથી મીટીંગ કરી ડાયરેકશનની દોર પોતાના હાથમાં લીધી. વાર્તા મુજબ જયારે રોહા ( કોટડા )ના ‘જીવન સંધ્યા’ આશ્રમમાં શુટિંગ કરવાનું નક્કી થયું. ત્યાંનો અનુભવ વર્ણવતા જણાવ્યું કે જયારે અમારા કલાકાર ગીતાબેન મહેતા સંવાદ બોલતા હતા ત્યારે ત્યાં રહેતા વૃદ્ધોની આંખોમાંથી અશ્રુની ધાર વહેવા લાગી હતી. જાણે પોતાની વેદના બહાર આવતી હતી.
દિગ્દર્શન અને કલાકારોનો અભિનય ફિલ્મનું જમા પાસું
આ ફિલ્મમાં ભુજના ગીતાબેન મહેતાએ એકોતેર વર્ષની ઉમરે પ્રથમવાર ફિલ્મમાં અભિનય કર્યો છે. જાણીતા કલાકાર પંકજ ઝાલાએ આશ્રમના મેનેજરની ભૂમિકા કરી છે, તો યુવા ડીરેક્ટરના રોલમાં પરાગ પોમલે ખુબ જ સરસ અભિનય કર્યો છે . માંડવીના કલાકાર અમર કુબાવત અને ભુજના બિનીતા મકવાણાએ ચોટદાર સંવાદો સાથે પ્રતિભા બતાવી છે. કેમેરામેન તરીકે કલ્પેશ બાપટ અને નીરવ પોમલે તથા એડીટીંગ પરાગ પોમલે કર્યું છે. બાળ કલાકાર દેવાંશી સોની અને હિતાર્થ ગુજરાતી તેમજ શ્રીમતી ભગવતી બિજલાની ફિલ્મ નિર્માતા છે. યુ ટ્યુબ પર આ શોર્ટ ફિલ્મ રિલીઝ કરાઈ છે.
(દિવ્ય ભાસ્કર ન્યૂઝ)