આવઈ અષાઢી બીજ: કચ્છી નવા વર્ષના વિથોણમાં ઉજવાતો અનોખો જળોત્સવ...
અહેવાલ: દિનેશ માનાણી (બેંગલોર) - તસ્વીરો: નરેન્દ્ર રૂડાણી, રાધે સ્ટુડિયો-વિથોણ
કોટે મોર ટહુક્યા, વાદળ ઝબુકી વીજ
મારા રુદાને રાણો સાંભર્યો,
એવી આવી અષાઢીબીજ
અષાઢીબીજ...
અષાઢીબીજ એટલે આપણું કચ્છી નવું વર્ષ...
અષાઢીબીજ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રાનો દિવસ...
પરંતુ વિથોણવાસીઓ માટે અષાઢીબીજનો દિવસ એક અલગ રીતનો ઉત્સવ છે.
કહેવાય છે કે નખત્રાણા તાલુકાના વિથોણ ગામમાં અંદાજે ચારસો વર્ષ પહેલાં સંત શ્રી ખેતાબાપાના જીવતાં સમાધી લેવાના સમયે સૌ ગામવાસીઓ શોકાતુર અને વ્યાકુળ હતા. ત્યારે બાપાએ સૌને આશીર્વચન તેમજ ધર્મોપદેશ આપ્યા. જીવનમાં સેવા અને સત્કર્મ, મૃત્યુ અને સમાધીનો અર્થ સમજાવ્યો. બાપાના આદેશ મુજબ તેની પુત્રવધુઓ પાસેના શિયાલ સરોવરમાંથી પાણી ભરી પ્રથમબાપાને અને પછી સૌએ એકબીજાને જળ પ્રક્ષાલન કરીને બાપાના સમાધી લેવાના દિવસને એક ઉત્સવ તરીકે ઉજવ્યો અને દર વર્ષે તેઓ ઉજવતા રહ્યા. જે પરંપરા આજ સુધી કાયમછે.
બાપાને મુંડ દીઠ શ્રીફળ વધેરી સુખડીનો પ્રસાદ ધરવામાં આવે છે
અષાઢીબીજની પૂર્વ સંધ્યાએ ખેતાબાપાના મંદિરને રોશનીથી શણગારવામાં આવે છે અને રાત્રે સંતવાણી અને ભજન દ્વારા બાપાના ગુણગાન ગવાય છે. અષાઢીબીજના દિવસે વહેલી સવારથી જ સૌ ગામવાસીઓ પરિવાર સહિત બાપાના દર્શને પ્રસાદનો થાળ લઈ ગીત ગાતાં આવે છે. બાપાને મુંડ દીઠ શ્રીફળ વધેરી અને સુખડીનો પ્રસાદ ધરાવે છે. પરિવારજનો સૌ સાથે બાપાના પટાંગણમાં બેસે છે અને સૌ એકબીજાનો પ્રસાદ મિક્સ કરીને વહેંચે છે. તેમાં કોઈની નરમસુખડી અને કોઈની કડક સુખડીનો લ્હાવો મળે છે. આજુબાજુના ગામના લોકો પણ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવે છે, ત્યારબાદ બહેન દીકરી અને માતાઓ બાપાના ગુણગાન ગાતા ઢોલના તાલે બાપાના રાસડા લે છે. નાના બાળકો ત્યાં ભરાતા મેળામાં ચકડોળ અને નાસ્તાનો લાભ લે છે, પછી મહાઆરતી કરી સૌ સામૂહિક પ્રસાદ ગ્રહણ કરે છે.
પ્રથમ વાનપ્રસ્થ વડીલોને જળ પ્રક્ષાલન કરવામાં આવે છે
વિથોણની પરંપરાગત રીતે મનાતી અષાઢી બીજનો ખરો ઉત્સવ તો બપોર પછી પરાકાષ્ઠાએ પહોંચે છે. ગામની વહુઓ એકરંગી પરિધાન સાથે શણગારેલી હેલ લઈ મંગળ ગીતો ગાતી ખેતાબાપાના ધામમાં જાય છે. ત્યાં બાપાની સમાધીઓને શુદ્ધ જળથી સ્નાન કરાવે છે અને ત્યારબાદ ઢોલના તાલે શિસ્તબદ્ધ રીતે બાપાના ધામથી સમાજવાડીમાં આવે છે ત્યારે તે જોવાનો લહાવો પણ અદ્ભુત છે. સમાજવાડીમાં પ્રથમવાનપ્રસ્થ વડીલોને બાપાના ધામમાંથી ભરી લાવેલ શુદ્ધ જળ દ્વારા પવિત્રભાવથી જળ પ્રક્ષાલન કરે છે. પછી સૌ ગ્રામજનો નાના-મોટા ઊંચ-નીચના ભેદ ભૂલી એકબીજા પર પાણીની છોળો ઉડાડી ઉત્સવની ઉજવણી કરે છે. નવોઢા અને જમાઈઓ માટે તેમની પ્રથમઅષાઢીબીજ અવિસ્મરણીય બની રહે છે. ગ્રામપંચાયત પણ તે દરમ્યાન પાણીની આપૂર્તિ કરી અનેરા ઉત્સવમાં સહભાગી બને છે. આખા ગામમાં જાને વરસાદ વરસ્યો હોય તેમપાણી વહી નીકળે છે. જળ પ્રક્ષાલન લગભગ બે કલાક સુધી ચાલે છે. પછી સૌ સમાજવાડીમાં બાપાનો રાસ રમી અષાઢીબીજના ઉત્સવની પૂર્ણાહુતિ કરે છે...
કચ્છ બહાર વિથોણવાસી જ્યાં પણ વસે છે ત્યાં આ મહોત્સવ ઉત્સાહપૂર્વક ઉજવાય છે
વિથોણની સાથે સાથે વિથોણ વાસીઓ કચ્છ બહાર જ્યાં જ્યાં વસે છે ત્યાં અષાઢીબીજના દિવસે પાંખી પાળી સામૂહિક મિલન અને ઉજવણી કરે છે. નાગપુર, રાયપુર, અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાં જ્યાં ગામવાસીઓની સંખ્યા વધારે છે અને સગવડતા છે ત્યાં વિથોણની જેમજ જળ પ્રક્ષાલન કરે છે. ઓરિસ્સાના બાલેશ્વર ખાતે વિથોણવાસીઓની સાથે સૌ સમાજજનો પણ ઉત્સવમાં સહભાગી બને છે.
મહામારીને લઇ આ વર્ષે પણ પ્રતિકાત્મક ઉજવણી...
ગત વર્ષે કોરોના મહામારીને કારણે સાંકેતિક ઉજવણી કરવામાં આવી હતી અને ચાલુ વર્ષે પણ સાંકેતિક ઉજવણી થવાની છે. બાપાને પ્રાર્થના કરીએ કે આ મહામારીમાં સૌ સમાજજનોની રક્ષા કરે...