ઘરવાપસી : કાદિયાનાના ગામના ૧૦ સતપંથી પરિવારના ૫૦ સભ્યો સનાતનના મુખ્ય પ્રવાહમાં ભળ્યા... ગામમાં ઉત્સવ જેવો માહોલ !
કાદિયા નાના ગામના ૧૦ સતપંથી પરિવારના ૫૦ સભ્યો ગઈકાલે અષાઢ સુદ પાંચમના વિધર્મનો ત્યાગ કરી સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ થઈ જતાં કાદિયા નાના સમાજ સહિત સમગ્ર ભારતના સનાતન પાટીદાર સમુદાયમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે.
કાદિયાની કારોબારી બેઠકમાં ઘરવાપસીની મંજુરી
ગઈ કાલે કચ્છ કડવા પાટીદાર સમાજ કાદીયા નાના ગામની કારોબારી સભા પ્રમુખશ્રી નથુભાઈ શિવદાસ પોકાર અને મહામંત્રી દેવજીભાઈ છાભૈયાના નેતૃત્વમાં યોજાઈ હતી જેમાં આ ૧૦ પરિવારની ઘરવાપસીને મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
લોકડાઉનના કારણે ગત વર્ષે કાદિયા નાના સમાજની કારોબારી સભા ના થઇ શકેલ જેથી ગત વર્ષથી જ કેન્દ્રીય સમાજની સનાતની પરંપરા અને અભિગમ અનુસાર મન, વચન, કર્મ થકી જે પરિવાર અન્ય વિધર્મી સમુદાયને મૂકી સનાતન સમાજનું બંધારણ પાલન કરવા બાંહેધરી આપીને સનાતની હિન્દુ સંસ્કૃતિને ખરા દિલથી સ્વીકૃત કરીને આવવા માંગતા હોય તેવા પરિવારોએ સ્થાનિક સમાજમાં અરજી કરેલ હતી તેઓને કારોબારીએ સ્વીકૃત કરીને પૂર્ણ માન સન્માન સાથે હવેથી ભાઈચારો કેળવવા ખાસ આ સભામાં સ્વાગત કરવામાં આવેલ.
મહામંત્રી દેવજીભાઈ છાભૈયા અને પ્રમુખશ્રી નથુભાઈ પોકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ ૧૦ પરિવારની ૫૦ જેટલી સંખ્યા જે ગયા વર્ષથી જ ખુબજ ઇચ્છુક હતા અને પૂર્ણ નિષ્ઠા સહ તેઓ આપણા સનાતની પ્રવાહ માં જોડવા તત્પર પણ હતા. જેઓ સમાજના મોટા સમુદાયમાં જોડાઈને ગર્વની લાગણીની અનુભૂતિ કરે છે.
ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની છબી આપી દરેકનું સ્વાગત કરાયું...
૧૫ જુલાઇના રોજ ખુબસુંદર વરસાદી માહોલ અને સાથે કાદિયાનાનામાં શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજની કારોબારી સભા સફળતાપૂર્વક સંપન્ન થયેલ.આ સભાની મંજૂરીથી ૧૦ સતપંથી પરિવારનું વિધી વિધાન અનુસાર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની છબી અર્પણ કરી કાદિયાનાના સનાતન પરિવારમાં સ્વાગત કરવામાં આવેલ.
કાદિયા નાના સનાતન સમાજમાં આપનું સ્વાગત છે!
સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાનાર પરિવારોમાં નવસારીના ગોવિંદ વાલજીભાઈ ભીમાણી, કાંતિભાઈ વાલજીભાઈ છાભૈયા,પંકજ ગોપાલભાઈ નાનજીભાઈ છાભૈયા,વિનોદ વાલજીભાઈ ભીમાણી, સલાલના તુષાર રવજીભાઈ છાભૈયા અને પરસોત્તમ હંસરાજભાઈ છાભૈયા, ઓઢવના જીતેન્દ્ર કરમશી છાભૈયા તેમજ સ્થાનિક રહેતા પ્રેમજીભાઈ વાલજીભાઈ ભીમાણીનો સમાવેશ થાય છે.
કાદિયાનાના ગામે ધર્મ જાગૃતિનું આ કાર્ય નિરંતર થઈ રહેલ છે અને અગામી સમયમાં બાકીનો સમુદાય પણ મોટા સમુદાયમાં સરળ અને સહજતાથી જોડાઈ જશે એવી આશા કાદિયા નાના સમાજ સેવી રહ્યો છે.
કાદિયા નાના પાટીદાર સમાજની કુલ વસતિ અંદાજે ૩૫૦૦ જેટલી છે તે પૈકી હવે માત્ર ૧૫ જેટલા પરિવારો બાકી રહયા છે તેઓ પણ વહેલી તકે પરત આવી જશે તેવો ઉમદા માહોલ હાલમાં ઉભો થયો છે.