સક્રિયતાનો શિરપાવ : કચ્છ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે જયાબેન બાબુલાલ ચોપડાની વરણી..
કચ્છ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે જીયાપરના જયાબેન બાબુલાલ ચોપડાની ગોરવરૂપ વરણી કરવામાં આવી છે.
કચ્છ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેનની આજે થયેલ વરણીમાં નખત્રાણા તાલુકાની વિથોણ જિલ્લા પંચાયત સીટ પર ચૂંટાયેલા ભાજપના જયાબેન ચોપડાને શિક્ષણ સમિતિનો તાજ પહેરાવવામાં આવતાં નખત્રાણા પાંચાડા સહિત કચ્છ કડવા પાટીદાર સમાજમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.
ભાજપમાં વર્ષોથી સક્રિય જયાબેન અને તેમના પતિ બાબુભાઈ ચોપડા સરળ અને સીધા સ્વભાવના છે અને આ વિસ્તારમાં ભાજપને મજબૂત કરવામાં તેમનું મોટું યોગદાન છે. સતત ભાજપની પડખે સક્રિય રહેવાનું ફળ આખરે તેમને મળ્યું છે અને પક્ષે આ રીતે તેમની કદર કરી છે.
નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ જયસુખભાઈ ડાયાણી અને તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ નરસિંગાણીએ આ વરણીને આવકારી શુભેચ્છા પાઠવી છે. આ વરણી બાદ જિલ્લામાં નખત્રાણા તાલુકાનો અવાજ બુલંદ બન્યો છે.
રાજકારણનું કેન્દ્ર બનતું વિથોણ...
છેલ્લા કેટલાક સમયથી વિથોણ તાલુકાના રાજકારણનું કેન્દ્ર બની રહ્યું છે. તાલુકા ભાજપના પ્રમુખ વિથોણના છે અને તાલુકા પંચાયતના પ્રમુખ પણ વિથોણ સીટ પર ચૂંટાયેલા જયસુખભાઈ ડાયાણી બન્યા અને હવે વિથોણ જિલ્લા પંચાયત સીટ પર ચૂંટાયેલા જયાબેન જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન બન્યા છે... મોસાળમાં જમણને મા પીરસનાર તે આનું નામ..!