યે તો હોના હી થા : યુવાસંઘમાં આગામી પ્રમુખપદને લઈ રાજકારણ તેજ…
સ્પષ્ટ વક્તા સનાતની મોહન ધોળુ AL-47 થી ‘શૂટ’ !
કેન્દ્રીય યુવા સંઘમાં ટર્મ ૨૦૨૧-૨૩ની નવી ટીમ બનાવવાને લઈ ઘમાસાણ મચ્યું છે. એક અસાધારણ ઘટનાક્રમમાં વર્તમાન ઉપપ્રમુખ મોહનભાઈ ધોળુ ઉંમરની મર્યાદામાં આવતા ન હોઈ, પ્રમુખની રેસમાંથી બાકાત થઈ જતાં છેલ્લા ૧૨ મહિનાથી યુવાસંઘના પ્રમુખપદને લઈ થઈ રહેલ અટકળો પર અચાનક જ પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
કેન્દ્રીય યુવાસંઘની વર્તમાન કારોબારી (૨૦૧૮-૨૦)ની અવધિ આમ તો ગયા વર્ષે જ પૂર્ણ થઈ ગઈ હતી પણ કોરોના મહામારીને લઈ આપાતકાલિન સ્થિતિમાં દરેક રીજીયનની પસંદગી સમિતિ અને મુખ્ય હોદ્દેદારો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કર્યા બાદ બંધારણની કલમ ૧૨ (૦૨) મુજબ નવી ૨૦૨૧-૨૩ની ટીમની રચના થાય ત્યાં સુધી ૨૦૧૮-૨૦ ની મંડળ, રીજીયન અને કેન્દ્રીય ટીમને આગામી એક વર્ષ સુધી જવાબદારી સંભાળવી તેવું નક્કી કરવામાં આવેલ.
પ્રખર સનાતની અને સ્પષ્ટ વક્તા છે મોહનભાઈ ધોળુ...
કચ્છમાં નખત્રાણા તાલુકાના નાગલપરના અને પેટલાદ રહેતા મોહનભાઈ ધોળુને પ્રમુખપદના મજબૂત દાવેદાર માનવામાં આવતા હતા. ગયા વર્ષે રાબેતા મુજબ જો યુવાસંઘનું નવું ગઠન થયું હોત તો તેમને ઉંમરની મર્યાદા નડત નહીં. યુવાસંઘમાં જે કેટલાક ગણ્યા-ગાંઠ્યઆ સ્પષ્ટ વક્તાઓ છે તેમાં મોહન ધોળુ પણ એક છે અને પ્રખર સનાતની હોવાને કારણે કેન્દ્રીય સમાજના મોવડી મંડળ અને સનાતની આગેવાનોના આશીર્વાદ પણ તેમને મળવાની પુરી શક્યતા હતી.
મોહનભાઈ ધોળુ કોને ’ખટકે’ છે?
દેશના વિવિધ રીજીયનોમાંથી મળી રહેલા અહેવાલો એવું સૂચવે છે કે, યુવાસંઘના મંડળ અને રીજીયન લેવલના કાર્યકરો મોહનભાઈ ધોળુ યુવાસંઘનું સુકાન સંભાળે તેવું ઈચ્છી રહ્યા હતા પણ સંઘમાં જ કેટલાક લોકો તેમને પ્રમુખપદે આવતા અટકાવવા ઉંમરની મર્યાદાવાળો નિયમ આગળ ધરી વાતાવરણ ડહોળતાં યુવાસંઘ બે છાવણીમાં વહેંચાઈ ગયું હતું. મોહન ધોળુ સંઘમાં કેટલાક લોકોને શા માટે ‘ખટકે’ છે તે હકીકત અંદરખાને બધા જાણે - સમજે છે પણ બધા લાચાર છે !
યુવાસંઘમાં એક વર્ગ એવું ઈચ્છતો હતો કે, ગયા વર્ષે જે સભ્યો ઉંમરની મર્યાદાને લઈ પાત્રતા ધરાવતા હતા તેઓ આ વર્ષે પણ કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ આપોઆપ પાત્રતા ધરાવે જ, કારણ કોરોના મહામારીને લઈ અસાધારણ પરિસ્થિતિમાં ગયા વર્ષે નવું ગઠન થયું નહોતું એટલે તેનો લાભ ગયા વર્ષે વંચિત રહી ગયેલા સભ્યોને આપોઆપ મળવો જ જોઈએ.
જનમતના આંકડા કેમ બહાર પડાતા નથી?
યુવાસંઘે આ વિષય બાબતે સુઝાવ માંગતાં મળેલ અલગ-અલગ મંતવ્ય અંગે બહોળા સમુદાયના ભાવ જાણવા અને ૨૦૨૧-૨૩ માટેના દાવેદાર નેતૃત્વની ઉંમર બાબતમાં યુવા કાર્યકર્તાઓની લાગણીને વાચા આપવાના પ્રયાસરૂપે યુવાસંઘે ડિજિટલ સીસ્ટમ દ્વારા દરેક રીજીયનના અભિપ્રાય પણ મેળવ્યા હતા જેના આધારે પસંદગી સમિતિએ જનમત અને કેન્દ્રીય મુખ્ય હોદ્દેદારોની સહમતીથી ટીમ રીફોર્મ કરવા માટે જે જાહેરાત કરી છે તેમાં તા.૩૧-૮-૨૦૨૧ના રોજ ૪૭ વર્ષની ઉંમર મર્યાદાનો પણ સમાવેશ કરી લેતાં આશ્ચર્ય સર્જાયું છે ! (આ ડિજિટલ સીસ્ટમ દ્વારા થયેલ જનમતના આંકડા યુવાસંઘે બહાર પાડ્યા નથી તેને લઈ કાર્યકરોમાં વ્યાપક નારાજગી હોવાનું કહેવાય છે).
શું બધું બંધારણ મુજબ જ થાય છે ?
યુવાસંઘ તેની કાર્ય પ્રણાલિમાં અવારનવાર બંધારણની કલમો ટાંકે છે પણ દરેક નિર્ણય કે પગલું બંધારણની કલમ કે ભાવના પ્રમાણે થતું નથી તે પણ હકીકત છે. કેન્દ્રીય યુવાસંઘની પસંદગી સમિતિમાં કેટલાક સભ્યો લાંબા સમયથી નિયમ વિરૂદ્ધ કાર્યરત હોવા છતાં આવા સભ્યોને ચાલુ રાખવા પાછળના તર્ક અંગે યુવાસંઘે ક્યારેય ફોડ પાડ્યો નથી ! યુવાસંઘમાં તમામ સ્તરે આ વિષય બાબતે વ્યાપક ચર્ચા અને ટીકાઓ થઈ રહી છે તેમ છતાં એક્શન મોડમાં આવવાનું કોઈને સૂઝતું નથી !
પસંદગી સમિતિ સામે જ પ્રશ્નાર્થ ??
રીજીયન લીડરોને પ્રેશર ટેકનિકથી કાબુમાં લઈ સેન્ટ્રલ લેવલે ધાર્યું કરવાની કળામાં પારંગત કેટલાક યુવા ‘ભાભાઓ’ વર્ષોથી બંધારણની જોગવાઈ વિરુદ્ધ પસંદગી સમિતિમાં અડિંગો જમાવી બેઠા હોવા છતાં તેમને હટાવવાને બદલે જે રીતે છાવરવામાં આવી રહ્યા છે તેને લઈ સમગ્ર ભારતમાં ખરેખરના યુવા કાર્યકરોમાં વ્યાપક અસંતોષ અને આક્રોશ પણ છે. યુવાસંઘના વર્તમાન ટીમ લીડરોને આ હકીકત કેમધ્યાન બહાર જઈ રહી છે તે સમજાતું નથી !
યુવાસંઘમાં ગંદા રાજકારણથી સરદાર પટેલ રીજીયન નારાજ...
યુવાસંઘમાં ૨૦૨૧-૨૩ માટે પસંદગી સમિતિની કાર્યવાહી આગળ ધપી રહી છે તેમ તેમ ગંદા રાજકારણનો આશરો લેવામાં આવી રહ્યો છે અને આક્ષેપ-પ્રતિ આક્ષેપના દૂષણે માઝા મૂકી હોવાનું જાણવા મળે છે.
સરદાર પટેલ રીજીયનના સેન્ટ્રલ લીડર મોહનભાઈ ધોળુ બ્લેકમેઈલ કરે છે અને કોર્ટમાં જવાની વાત કરે છે તેવી વાતો ફેલાતાં સરદાર પટેલ રીજીયનની પસંદગી સમિતિએ આ બાબતે દુઃખ અને નારાજગી વ્યક્ત કરી છે.
ગુગલ ફોર્મમાં વોટીંગ કરવાના થોડા સમય પહેલાં આવી વાતો ફેલાવી હોદ્દેદારોની વરણી પહેલાં ફક્ત વય મર્યાદા નક્કી કરવાની કાર્યવાહી કરવામાં રાજકીય રંગ આપીને રીજીયનને ફોન કરીને ગુમરાહ કરવાનો ને વોટીંગ કરાવવાનો હેતુ શું છે? તે બાબતે સ્પષ્ટતા કરવા સરદાર પટેલ રીજીયને સેન્ટ્રલને અપીલ કરી છે.
સરદાર પટેલ રીજીયન હંમેશા યુવાસંઘ સાથે ખડેપગે રહ્યું છે તેમછતાં આવી રીતે કોઈને અપમાનિત કરવાનું કારણ શું છે તે અંગે ખુલાસાવાર જણાવવા વિનંતી કરી છે.
યુવાસંઘની પસંદગી સમિતિ શું બંધારણ મુજબની છે?
કેન્દ્રીય યુવાસંઘની પસંદગી સમિતિમાં નીતિન લીંબાણી, રવિ ધોળુ, ગૌરાંગ ધનાણી, માવજી દિવાણી, હરસુખ રામાણી, ડૉ.અશોક ભાવાણી અને વર્તમાન પ્રમુખ ડૉ.વસંત ધોળુ એમ સાત સભ્યો છે.
આ પૈકી કેટલાક સભ્યો આ સમિતિમાં કઈ રીતે ‘બિરાજમાન’ છે તે અંગે મોટાભાગના યુવા કાર્યકરોને માહિતી નથી ! બંધારણની કઈ કલમ હેઠળ આ બધી નિયુક્તિ થઈ છે તે પણ કોઈ જાણતું નથી !