ગુજરાતનું ગૌરવ : પ્રહર્ષ પટેલની ભારત સરકારના સર્વોચ્ચ રાષ્ટ્રીય યુવા એવોર્ડ માટે પસંદગી
સાંયરા યક્ષના છાભૈયા પરિવારના છે પ્રહર્ષ...
કચ્છમાં નખત્રાણા તાલુકાના સાંયરા યક્ષના અને હાલમાં વલ્લભવિદ્યાનગર રહેતા પ્રહર્ષ પટેલને ભારત સરકારના સર્વોચ્ચ રાષ્ટ્રીય યુવા એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં હોટેલ અશોકા ખાતે તા.૧૨/૮/૨૦૨૧ ના રાષ્ટ્રપતિના વરદ્ હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૧૮/૧૯ માટે આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે.
હાલમાં અમેરિકામાં કરે છે અભ્યાસ
પ્રહર્ષ પટેલ હાલમાં અમેરીકાની ખ્યાતનામ પેન સ્ટેટ યુનિવર્સિટીમાં ડૉકટરેટનો અભ્યાસ કરી રહ્યો છે.
ધો.૧૨ સુધી સરકારી ગુજરાતી માધ્યમમાં ભણેલો પ્રહર્ષ દિલ્હીની સેંટ સ્ટીફન કોલેજમાંથી સ્નાતક અને આઈ.આઈ.ટી. કાનપુરથી અનુસ્નાતક અભ્યાસ કરેલો છે. નાનપણથી જ વિધાર્થીઓ અને યુવાઓને સતત મદદ અને માર્ગદર્શન કરતા પ્રહર્ષની કામગીરીની નોંધ લઈ સરકારે આ એવોર્ડ માટે તેની પસંદગી કરી છે.
મોરના ઈંડા ચીતરવા ન પડે..
તેમના પિતા ડૉ.મોહનભાઈ પટેલ આણંદની એન.એસ.પટેલ આર્ટ્સ કોલેજના આચાર્યપદે સેવા આપે છે અને નખત્રાણાની જી.એમ.ડી.સી. કોલેજના સંચાલનમાં પણ નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે.યુવાસંઘના મહામંત્રી તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે જયારે તેમની બહેન મુક્તિ કપિલ લીંબાણી,ભુજ જાણીતા મોટીવેશનલ સ્પીકર છે અને પ્રયાસ ગ્રુપના માધ્યમથી વિવિધ પ્રવૃતિઓ ચલાવે છે.