સત્તાની શેતરંજ : કેન્દ્રીય સમાજના પ્રમુખપદને લઈ ગહેરાતું સસ્પેન્સ... વર્તમાન પ્રમુખ અબજીભાઈની પુનઃ 'દાવેદારી'એ કોયના એક્સપ્રેસને 'બ્રેક' લગાવી ?
...મનસુખભાઈ રૂડાણી અચાનક 'સક્રિય' થતાં નવા-જૂનીનાં એંધાણ...
ચાર વર્ષ પહેલાં કેન્દ્રીય સમાજની કારોબારીની નવી વરણી વખતે ભાગ્યે જ કોઈને કલ્પના હતી કે આજીવન ઓડિટરની ભૂમિકામાં જ રહેલા અબજીભાઈ વિશ્રામ કાનાણી પ્રમુખપદનું તાજ શોભાવશે પણ સનાતનની પવન પાંખડી પર સવાર થઈને અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ જેવી વિરાટ સંસ્થાનું સુકાન સંભાળનાર અબજીભાઈ આજે ફરી ચર્ચામાં છે...
અબજીભાઈના પ્રમુખપણા હેઠળની કારોબારીને નિયમીત ત્રણ વર્ષની ટર્મ ઉપરાંત કોરોનાકાળનું એક વર્ષ એમ કુલ ચાર વર્ષ સમાજની સેવા કરવાનો લાભ મળ્યો છે. ગત વર્ષે મુલત્વી રહેલ સામાન્ય સભા આગામી ૨૩ ઓગસ્ટે મળી રહી છે ત્યારે નવી વરણીને લઈ સમગ્ર સમાજમાં જબરી ઉત્કંઠા અને સસ્પેન્સ જોવા મળી રહ્યું છે.
ગઈ ટર્મમાં તો બે ઉમેદવાર સમજી ગયેલા પણ...
ગત ટર્મ વખતે વર્તમાન ઉપપ્રમુખ ગોપાલભાઈ ભાવાણીએ પણ પ્રમુખપદ માટે દાવેદારી કરેલી પણ તે વખતે મનસુખભાઈ રૂડાણીને સત્તા પર આવતા અટકાવવા માટે પડદા પાછળની જે વ્યૂહરચનાઓ ઘડાઈ તેમાં આખરે પ્રથમ મનસુખભાઈએ અને પછી ગોપાલભાઈને દાવેદારી પાછી ખેંચવાની ફરજ પાડવામાં આવતાં અબજીભાઈ કાનાણી ‘નિર્વિધ્ને’ ચૂંટાઈ આવેલ.
તે વખતે સમાજના ટોચના ધુરંધરો વચ્ચે થયેલ ‘સમજૂતિ’ મુજબ ગોપાલભાઈ ભાવાણીને આવતી ટર્મમાં પ્રમુખ બનાવવામાં આવશે તેવું ‘વચન’ આપવામાં આવ્યું હતું તેવું કહેવાય છે. પણ આજે ચાર વર્ષ પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ‘વચન’ આપનારા કેટલાક સ્વર્ગે સિધાવી ગયા છે તો કેટલાક ‘નિષ્ક્રિય’ થઈ ગયા છે.
જો ‘વચન’ મુજબ જ આ વખતે થવાનું હોત તો સમાજમાં બીજી કોઈ ચર્ચા જ શરૂ થઈ ન હોત, પણ અબજીભાઈ કાનાણી બીજી ટર્મ માટે ઉમેદવારી કરવાના છે તેવી બહાર આવેલ ચર્ચાએ સમાજમાં ચકચાર જગાવી દીધી છે ! તેમની પોતાની આંતરિક ઈચ્છા કેટલી છે તે તો ભગવાન રામ જાણે પણ તેમના કાર્યકાળમાં મજબૂત થયેલા કેટલાક લોકો તેમને ફરીથી પ્રમુખપદે જોવા ઈચ્છે છે અને તેમાંથી જ આ ચર્ચા ઉપડી છે...
પ્રખર સનાતનીઓ વાંઢાયવાળું કારનામું હજુ ભૂલ્યા નથી...
સનાતની પ્રમુખના નામે ચાર વર્ષ પહેલાં ઓડિટરમાંથી સીધા પ્રમુખ બની ગયા બાદ તરત જ વાંઢાયમાં અબજીભાઈએ જે રીતે સનાતનીઓના કાંડા કાપી આપ્યા તે ચોંકાવનારું હતું અને પ્રખર સનાતનીઓ આ કારનામું હજુ ભૂલી શક્યા નથી. હોદા પર આવ્યા બાદ માણસ જે રીતે બદલાઈ જાય છે તો આમાં હવે શું કરવું? કોને દોષ દેવો?
વર્તમાન ઉપપ્રમુખ ગોપાલભાઈ ભાવાણી ગયા વખતે પણ પ્રમુખના દાવેદાર હતા અને આ વખતે પણ દાવેદાર હોવાનું કહેવાય છે ત્યારે આ વખતની વરણીમાં મડાગાંઠ સર્જાવાની પુરી શક્યતા છે. વર્તમાન પ્રમુખ અબજીભાઈની સતત પડખે રહેવામાં ગોપાલભાઈ મોખરે છે ત્યારે અબજીભાઈ તેમના માટે કેટલું નમતું જોખે છે તે તો આવનારો સમય જ બતાવશે.
લેણાંમાંથી સમાજને ઉગારવા અબજીભાઈને વધુ એક તક?
સમાજે ભુજમાં ખરીદેલ નવી જમીનના લેણાં ભરપાઈ કરવાની મોટી જવાબદારી આગામી દિવસોમાં સમાજના શિરે ઉભેલી છે ત્યારે જૂના પ્રોજેક્ટો પૂર્ણ કરવા અબજીભાઈને એક વધુ તક આપવી જોઈએ તેવી થીયરી વહેતી મુકી કેટલાક લોકો અબજીભાઈને દાવેદારી માટે સમજાવી રહ્યાનું કહેવાય છે પણ અબજીભાઈએ સત્તાવાર રીતે આ બાબતે હજુ સુધી કોઈ ફોડ પાડ્યો નથી.
બદલાતા નવા સમીકરણમાં જે થાય તે પણ અત્યાર સુધી અબજીભાઈ પણ ગોપાલભાઈ ભાવાણીને જ સંપૂર્ણ ટેકો હોવાનું જાહેર કરેલ હોવાની વાત જગજાહેર છે ત્યારે ૨૩ ઓગસ્ટના શું થાય છે તેના પર સસ્પેન્સ ઓર ગહેરાઈ ગયું છે. આ બંને સિવાય ત્રીજો કોઈ ઉમેદવાર પણ ગયા વખતની જેમ છેલ્લી ઘડીએ ઉભરી આવે તો નવાઈ નહીં ! કુછ ભી હો શકતા હૈ...
બહારના ઝોનમાંથી ગોપાલભાઈને વ્યાપક ટેકો?
ગોપાલભાઈ ભાવાણીની સતત સક્રિયતાને કારણે તેમને બહારના ઝોન તરફથી સંપૂર્ણ ટેકો મળવાની પુરી શક્યતા છે. દક્ષિણ મહારાષ્ટ્ર ઝોનના કોલ્હાપુરમાં રહેતા ગોપાલભાઈએ કોલ્હાપુરમાં કેન્દ્રીય સમાજની કારોબારી બેઠકનું ભવ્ય આયોજન કરી બધાનું ધ્યાન ખેંચ્યું હતું અને દક્ષિણના રાજ્યોમાં તેઓ વ્યાપક પ્રભાવ ધરાવે છે.
સરળ અને સૌમ્ય પ્રકૃતિના અબજીભાઈ માટે સમાજમાં બધાને માન છે. પ્રથમ ટર્મ વખતે પણ તેઓ શરૂઆતમાં આ પદ સ્વીકારવા તૈયાર જ નહોતા. આ વખતે હવે જ્યારે ગોપાલભાઈ ભાવાણીએ દાવો કર્યો છે ત્યારે તેમની બીજી ટર્મ માટે ઉમેદવારીની વાતોને લઈ દરેકને આશ્ચર્ય થઈ રહ્યું છે ! અબજીભાઈના નજીકના વર્તુળોના કહેવા મુજબ તેઓ સત્તા લાલચુ જરાયે નથી તો આવું કેમ થઈ રહ્યું છે?
આ અંતરાત્મા શું કહે છે કે, ૨૩ ઓગસ્ટના જાહેર થવાનું છે, ત્યાં સુધી બધાએ માત્ર અટકળો અને અનુમાનો જ લગાવવાના છે !