મૂઝે ઈન્સાફ ચાહીએ : પોતાની સામાજિક 'હત્યા'થી આક્રોશમાં આવી ગયેલા મનસુખભાઈ રૂડાણીએ કેન્દ્રીય સમાજને લખ્યો સનસનીખેજ પત્ર... પ્રમુખની ચૂંટણી ટાણે જ 'લેટર બોંબ' ફૂટતાં સામાજિક હલચલ તેજ...
કેન્દ્રીય સમાજના ભૂતપૂર્વ ટ્રસ્ટી મનસુખભાઈ રૂડાણીએ સમાજના પ્રમુખશ્રીને તા.૧૭/૦૮/૨૦૨૧ ના લખેલ પત્ર અક્ષરશઃ અહીં પ્રસિધ્ધ કરેલ છે...
મનસુખભાઈ વિશ્રામ રૂડાણી
લક્ષ્મી સો મિલ
ઓઢવ, અમદાવાદ
તા.૧૭-૮-૨૦૨૧
પ્રતિ,
માનનીય પ્રમુખશ્રી / માનનીય ટ્રસ્ટીશ્રીઓ
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ
નખત્રાણા, કચ્છ
વિષય : તા.૧૦-૦૧-૨૦૨૧ની કારોબારી મિટિંગમાં મારા ટ્રસ્ટીપદેથી રાજીનામા માંગવા બાબત.
જય લક્ષ્મીનારાયણ સાથે જણાવવાનું કે, ભાગીદારો સાથે વ્યક્તિગત આર્થિક વિવાદને ધ્યાને લઈ તા.૯-૧-૨૦૨૧ના રોજ શ્રીમાન ગોપાલભાઈ ભાવાણીના ફોનથી સાંજે ૬.૪૩ વાગે પ્રમુખશ્રી અબજીભાઈ કાનાણીના આદેશથી મને વિશ્વાસમાં લઈ શ્રીસમાજના ટ્રસ્ટીપદેથી રાજીનામું ગોપાલભાઈ ભાવાણીને વોટ્સએપમાં મોકલવા જણાવેલ જે મેં માત્ર ૧૫ મિનિટમાં સાંજે ૭ વાગે તાત્કાલિક મોકલાવી આપેલ.
શ્રીસમાજની તા.૧૦-૦૧-૨૦૨૧ના રોજ મળેલ કારોબારી મિટિંગમાં શ્રીસમાજના ટ્રસ્ટીપદેથી મારા રાજીનામા અંગે જે નિર્ણય લેવાયેલ હોય તેની મૌખિક કે લેખિકતમાં મને સત્તાવાર કોઈ જાણ કરવામાં આવેલ નથી તેનો ખુલાસો મને મળવો જોઈએ.
શ્રીસમાજને મારા રાજીનામા સાથે શ્રીસમાજના બે ઉપપ્રમુખશ્રીઓ અને મંત્રીશ્રીના રાજીનામા મળેલ. શ્રીસમાજની તા.૧૦-૦૧-૨૦૨૧ના રોજ કારોબારી મિટિંગમાં વ્યક્તિગત આર્થિક બાબતે માત્ર મારા રાજીનામાને સ્વીકારવામાં આવેલ અને સામાજિક આર્થિક વિવાદ માટે શ્રીસમાજના ઉપપ્રમુખશ્રી દામજીભાઈ વાસાણીનું અને મંત્રીશ્રી શંકરભાઈ રવાણીનું રાજીનામું અને રાજકીય બાબતે શ્રીસમાજના ઉપપ્રમુખશ્રી ડા.શાંતિલાલ સેંઘાણીનું રાજીનામું નામંજૂર કરવામાં આવેલ છે તેવા સમયે શ્રીસમાજના મા.ટ્રસ્ટીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને કારોબારી સભ્યશ્રીઓને મારી વિનંતી સહ રજુઆત છે કે, આપણી સમાજમાં વ્યક્તિગત આર્થિક બાબતે અગાઉ કોઈ ટ્રસ્ટીના રાજીનામા લેવાયેલ છે? મારા કાર્યકાળ દરમ્યાન આર્થિક બાબતે શ્રીસમાજે રાજીનામા લીધેલ હોય તેવું મારા ધ્યાનમાં નથી. જો હોય તો મને જણાવશો અન્યથા મારું રાજીનામું શા માટે લીધેલ? તેનો ખુલાશો મને આપશો. જો આ બાબતે હા હોય તો શ્રીસમાજના કેટલાક હોદ્દેદારો પર લીગલ એલીગેશન થયેલ છે. જો આવું અર્થઘટન ના હોય તો શું બાબતે મારી પાસે રાજીનામું માંગેલ છે? મારા વ્યક્તિગત આર્થિક વિવાદના કારણે શ્રીસમાજને એવું શું નુકશાન થયેલ તે અંગે મને ખુલાશો મળવો જરૂરી છે. સમાજ માઈ-બાપ છે. આપણી સમાજની જુદી જુદી પાંખોમાં તદ્ઉપરાંત અન્ય સંસ્થાઓમાં મેં મારી તન-મન-ધનથી સેવાઓ આપેલ છે. અન્ય વિવિધ સંસ્થાઓમાં મારી ઉપર કોઈ આંગળી ચીંધે તેવું કોઈ કાર્ય કરેલ નથી. લોક મોઢે મારા સ્વાભિમાનને અને મારી પ્રતિષ્ઠાને બહુ મોટી હાની થતી હોય ત્યારે મારે શ્રીસમાજ પાસે આ બાબતે ખુલાશો માંગવો જરૂરી છે. અન્યથા આવનાર દિવસોમાં મારા જેવા અન્ય સમાજ હિતેચ્છુ શ્રીસમાજથી વિમુખ થઈ જશે જે બાબત ધ્યાને લેવા વિનંતી. આ પત્રને શ્રીસમાજની ટ્રસ્ટ મંડળની મિટિંગમાં, કારોબારી મિટિંગમાં તથા સામાન્ય સભામાં વંચાણે લેવા વિનંતી. આ બાબતે મને શ્રીસમાજની સામાન્ય સભામાં મારા વિચારો રજુ કરવા સમય આપવા વિનંતી.
આ સાથે મેં વિવિધ સંસ્થાઓ સાથે કરેલ કાર્યોની ટૂંકમાં માહિતી જેની નોંધ લેવા વિનંતી છે.
આભાર સહ
આપનો વિશ્વાસુ
( મનસુખભાઈ વિશ્રામ રૂડાણી )
મનસુખભાઈ રૂડાણીની સેવાકીય પ્રવૃતિઓની ઝલક
શ્રી કચ્છી સમાજ-અમદાવાદની દરેક પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય રહ્યા. ૧૯૯૫થી શરૂઆત બે વર્ષ સહમંત્રી, પછીના બે વર્ષ ખજાનચી, ત્યારબાદ ત્રણ વર્ષ ઉપપ્રમુખ અને ૨૦૦૨ થી ૨૦૧૧ સુધી પ્રમુખપદે સેવા આપેલી છે. મારા પ્રમુખપદ હેઠળ અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા અને જ્વલંત સફળતા મેળવી. જેમાં કચ્છમાં નર્મદા યોજના, શ્રી શ્યામજીકૃષ્ણ વર્માના અસ્થિકુંભ યાત્રા, કચ્છી મેળા જેવા કાર્યક્રમતે વખતના મુખ્યમંત્રીશ્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબના સાનિધ્યમાં કરેલ. વિશ્વ હિન્દુ પરિષદમાં પણ ૧૯૮૬થી સક્રિય રહી ૧૯૯૦ સુધી પ્રખંડ પ્રમુખ, ૧૯૯૦ થી ૧૯૯૫ સુધી જિલ્લા પ્રમુખની જવાબદારી નિભાવી ગૌરક્ષા જવાબદારી નિભાવી. કસાઈઓ સાથે જીવ સટોસટના ખેલ ખેલી ગાયોના જીવ બચાવ્યા છે. ગુજરાત ટીમ્બર મર્ચન્ટ ફેડરેશનની સાથે રહીને પણ અનેકવિધ પ્રવૃત્તિઓ કરેલ તેમાં ગુજરાત સરકારે ઈલેક્ટ્રિક ડ્યૂટી ૧૦ ટકાથી વધારીને ૩૦ ટકા કર્યો હતો ત્યારે તે માટેની બે સભ્યોની સમિતિ બનાવી તેમાં પણ સક્રિય રહી તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ સાથે અનેક મિટીંગો કરી પછી ૧૦ ટકા કરાવી. તે જ રીતે ૧૯૯૨માં બાબરી મસ્જિદ તોડવામાં આવી તેના કારણે ભારતભરમાં હુલ્લડ થયા તેમાં અનેક સ્થળે સો મિલો સળગાવી તેથી વીમા કંપનીઓની ચુકવણી વધતા વીમા પ્રીમિયમનો દર અનેક ઘણો વધાર્યો ત્યારે મારી આગેવાનીમાં રાજકીય દબાણ દ્વારા તત્કાલીન કેન્દ્રીય નાણામંત્રીને મળી. વીમા પ્રીમિયમનો દર જે ૧૧.૭૮ ટકા હતો તે ૫.૫ ટકા કરાવ્યો. ૧૯૯૬ થી ૧૯૯૮ મંત્રીપદે અને ત્યારબાદ બે વર્ષ પ્રમુખપદે રહી સેલટેક્ષ ઘટાડો કરાવ્યો અને ફોરેસ્ટના અનેક કામો કર્યા. સુપ્રીમકોર્ટના ઓર્ડર સામે રાહત મેળવવા માટે ગુજરાત પ્લાયવુડ અને વિનિયર એસોસીએશનના પ્રમુખપદે રહી સુપ્રીમકોર્ટના ઓર્ડર સામે લડત આપી ગુજરાતની ૨૫૦ પ્લાયવુડ ફેક્ટરીઓને બંધ ન થવા દીધી. ૧૯૯૩ થી યુવાસંઘની કારોબારી સમિતિમાં જોડાયા અને ૧૯૯૯ થી ૨૦૦૬ સુધી યુવાસંઘના પ્રમુખપદે રહી સૌપ્રથમઅખિલ ભારતમાં ૯ ઝોન બનાવ્યા. ૨૦૦૧માં અંકલેશ્વર મુકામે યુવક યુવતી પરિચય મિલન સમારંભનું આયોજન કર્યું. તેમજ ૨૦૦૨માં યુવાસંઘના ત્રિદશાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કર્યું. જેનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના તત્કાલીન વિધાનસભા અધ્યક્ષ શ્રી ધીરૂભાઈ શાહે કરેલ. તેમાં ભારતભરમાંથી ૧૦ હજારથી પણ વધુ જ્ઞાતિજનોએ સક્રિય રીતે ભાગ લીધો હતો. આ સમયગાળામાં યુવાસંઘનું વિઝન ૨૦૧૦ તૈયાર કરવામાં આવ્યું. જેમાં શિક્ષણ, આર્થિત, રાજકીય, ધાર્મિક અને આરોગ્યલક્ષી માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા. ૨૦૦૧માં વિશ્વને હલાવી નાખનાર કચ્છના ભૂકંપ દરમિયાન સક્રિય રહી જરૂરી માલસામાન મંગાવી એકત્રિત કરી અને જેઓને જરૂર હતી તેઓને પૂરો પાડવાનું ઉચિત કાર્ય કચ્છમાં રહી કરવામાં આવ્યું. ૧૯૯૯ થી શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજમાં સક્રિય રહી કારોબારી સભ્ય તરીકે જોડાયો. ૨૦૦૫ થી ૨૦૧૪ સુધી શ્રીસમાજના ઉપપ્રમુખપદે અવિરત સેવાઓ આપી. ત્યારબાદ ૨૦૧૪થી ટ્રસ્ટી પદે મારી નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવી. આ સમયગાળા દરમિયાન મુંબઈ મુકામે યોજાયેલ બે દિવસીય સેમીનારનું આયોજન કરેલ જેમાં ૩૫૦૦ જેટલા બિઝનેસ સાથે જોડાયેલા ઉદ્યોગ કર્તાઓએ ભાગ લીધેલ હતા જેમાં સામાજિક અને આર્થિક વિષય સાથે સંકળાયેલ નિષ્ણાંતોના વ્યાખ્યાનો પણ રાખેલ. આ સમયે ફંડ ઉભું કરવાની સમિતિના ચેરમેનપદે રહી સારું ફંડ એકત્રિત કરેલ અને લાખો રૂપિયાની બચત કરી આપેલ. ત્યારબાદ સમાજ દ્વારા ૨૯ ઝોનના સંગઠનની જવાબદારી સોંપવામાં આવી હતી તે પણ સુપેરે ઉપાડેલ. દેવઆશિષ હોસ્પિટલ નખત્રાણા જેવી જુદી જુદી સંસ્થાના વિકાસમાં યોગદાન આપેલ. કચ્છ વિદ્યા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ નખત્રાણા કોલેજના પ્રમુખની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી કોલેજને ગ્રાન્ટેબલ કરવા તનતોડ મહેનત કરેલ. એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત ખાતે સમાજની સ્કૂલની જવાબદારી પણ સફળતાપૂર્વક નિભાવી. સાથી મિત્રોના સાથ સહકારથી દશાબ્દિ મહોત્સવના ભવ્ય આયોજન દરમ્યાન વર્લ્ડ રેકોર્ડ બુમડાન્સ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવેલ અને જમીનના ટાઈટલ ક્લીયરન્સ માટે સાથી મિત્રોના સાથ સહકારથી કામગીરી પૂર્ણ કરેલ. વર્તમાનમાં શ્રી અખિલ ભારતીય રૂડાણી પરિવારના પ્રમુખપદે રહી મારી સેવા આપી રહ્યો છું. ઉપરોક્ત માહિતી મે જાણ ખાતર આપેલ છે. મારો કોઈ બદ ઈરાદો નથી.