સંસ્કારધામ : વિધર્મીઓ સામે લડવાનો જુસ્સો જ અહીં ગાયબ છે !! અયોગ્ય અને અતાર્કિક રીતરસમથી કેન્દ્રસ્થાનનો 'કબજો' કરવાની પધ્ધતિ કેટલા અંશે વ્યાજબી?
૨૦ ઓગસ્ટના સંસ્કારધામ ખાતે શ્રી અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજની સામાન્ય સભામાં નવી કારોબારીની વરણી થવાની છે ત્યારે સમાજની સનાતની ચળવળની મુખ્ય જવાબદારી છે તેવી આ સંસ્થાની કામગીરી અને તેના નેતૃત્વને લઈ જ્ઞાતિજનોના મનમાં ઘૂમરાઈ રહેલા કેટલાક સવાલોને વાચા આપવાનો આ નમ્ર પ્રયાસ છે...
હજુ છ મહિના પહેલાં જ જેની રજત જયંતિ ઉજવવામાં આવી હતી તે શ્રી લક્ષ્મીનારાયણ સનાતન ધર્મપ્રચાર સમિતિ અને સંસ્કારધામના નિર્માણ પાછળનો મૂળ ઉદ્દેશ જ ખોવાઈ ગયો હોય તેમ સંસ્કારધામ માત્ર ૧૪૦ ગામના લક્ષ્મીનારાયણ મંદિરોના કેન્દ્રસ્થાન પુરતું મર્યાદિત રહી ગયું છે. આ સંસ્થાની રચના માટે સનાતનીઓએ વિધર્મીઓ સામે લડવા જે મેન્ડેટ આપે તો તે સગવડતાપૂર્વક વિસારે પાડી દેવાયો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
૨૫ વરસ પહેલાં સનાતનીઓનું મેન્ડેટ શું હતું?
આ સંસ્થાની સ્થાપના બાદ જ્ઞાતિની મુખ્ય સમસ્યા સતપંથ-સનાતનના મુદ્દે આ સંસ્થાની ભૂમિકા અંગે વિચારવામાં આવે તો ચિત્ર સાવ નિરાશાજનક અને સનાતનીઓને દુઃખી કરે તેવું છે. સંસ્કારધામનો ભૌતિક વિકાસ જે થયો હોય પણ સ્થાપના પાછળની સનાતનીઓની મુળ ભાવનાનું સત્ત્વ સાવ ખોવાઈ ગયું છે... સંસ્થા દ્વારા શિક્ષણ સંકુલનું સંચાલન સુંદર રીતે થઈ રહ્યું છે તેની ના નહીં પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે આ સંસ્થાનું એક માત્ર કામ શિક્ષણનું નથી...
ટૉચના સનાતની નેતા આ સંસ્થાથી કેમ દૂર રહે છે?
આશ્ચર્યની વાત તો એ છે કે સનાતની મુવમેન્ટમાં અગ્રીમ ભાગ ભજવનાર એક પણ ટોચના નેતાઓ આ સંસ્થા સાથે સક્રિય રીતે સંકળાયેલા નથી તે પણ વિચાર માંગી લેતો પ્રશ્ન છે. રજત જયંતી કાર્યક્રમમાં પણ તેમની ગેરહાજરી ખૂંચે તેવી હતી. આવું કેમ થઈ રહ્યું હશે?
લક્ષ્મીનારાયણ મંદિરવાળા ૧૪૦ ગામમાંથી પાંચ-પાંચ પ્રતિનિધિ લેવાની જોગવાઈ છે...
સંસ્થાના બંધારણ મુજબ કચ્છના લક્ષ્મીનારાયણ મંદિરવાળા ૧૪૦ ગામોમાંથી પાંચ-પાંચ પ્રતિનિધિઓના નામ અહીં મોકલવાના હોય છે અને આ સભ્યોમાંથી જ કારોબારી બનાવાય છે. પણ આ ધાર્મિક સંસ્થામાં હોદ્દા મેળવવા માટે જે ચાલાકીથી યુક્તિપૂર્વકની રીતરસમો અપનાવવામાં આવી છે તે ચોંકાવી દે તેવી છે !
ભુજમાં આપણા સમાજનું લક્ષ્મીનારાયણનું મંદિર ન હોવા છતાં ભુજ સમાજને સંસ્કારધામમાં પાંચ પ્રતિનિધિઓ મોકલવા માટે માન્યતા આપી સત્તા સુધી પહોંચવા માટે જે ખોટી અને અતાર્કિક પદ્ધતિ અખત્યાર કરવામાં આવી છે તે અતિ નિંદનીય જ નહીં, પણ ગુન્હાને પાત્ર કૃત્ય છે !
ભુજ સમાજને માન્યતા કોણે અને કઈ રીતે આપી?!
ભુજમાં આપણા જે પાટીદાર ભાઈઓ રહે છે તેઓ તમામ કચ્છના ૧૪૦ લક્ષ્મીનારાયણ મંદિરવાળા ગામોમાંથી આવે છે. એટલે ભુજના કોઈ ભાઈને સંસ્કારધામમાં પ્રવેશ મેળવવો હોય તો પોતાના મૂળ ગામેથી પ્રતિનિધિ તરીકે આવવું પડે. આ સાવ સીધી અને સરળ વાત છે ! પણ પોતાના મૂળ ગામમાંથી આવવાની ‘ત્રેવડ’ ન ધરાવતા કેટલાક આગેવાનોએ ભુજ સમાજને ધરાર માન્યતા અપાવી જે ગેરરીતી કરી છે તેનો સમાજમાં ક્યાંય જોટો જડે તેમ નથી !
સનાતન ધર્મની 'સેવા' માટે આવી અનૈતિક રીતરસમ?
સમાજની-સનાતન ધર્મની ‘સેવા’ કરવા માટે આવી ગંદી રીતરસમ અપનાવી લોકો ખુરશી પર બેસી જતા હોય ત્યાં તેમની પાસેથી બીજી અપેક્ષા શું રાખવી? આઘાતની વાત તો એ છે કે કેન્દ્રીય સમાજના ધ્યાને આ હકીકત હોવા છતાં કોઈ ‘ભેદી’ કારણોસર મોવડી મંડળ આવી હીન હરકતોને છાવરી રહ્યું છે !
જો તમારે ભુજ સમાજને માન્યતા આપવી હોય તો ભારતભરની આવી ૬૦૦-૭૦૦ સમાજોને પણ માન્યતા આપવી જ પડે ! એટલે આવી ખોટી રીતરસમથી આવવા માંગતા લોકોને અટકાવવા એ દરેક સનાતનીની ફરજ છે. અત્યાર સુધી જેટલા પણ લોકો આવી ખોટી રીતરસમથી ‘ઘૂસી’ ગયા છે તેમણે સમાજની જાહેર માફી માંગવી જ જોઈએ...