Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

આજે 'ખેલા હોબે' : કેન્દ્રીય સમાજના પ્રમુખપદ માટે હવે અબજીભાઈ કાનાણી અને ગોપાલભાઈ ભાવાણી વચ્ચે 'જંગ' નિશ્ચિત... પરિવર્તન કે પુનરાવર્તન? હાઈવોલ્ટેજ ડ્રામા માટે પાટીદાર વિદ્યાર્થી ભવન સજજ...18251825 Views

આજે 'ખેલા હોબે' : કેન્દ્રીય સમાજના પ્રમુખપદ માટે હવે અબજીભાઈ કાનાણી અને ગોપાલભાઈ ભાવાણી વચ્ચે 'જંગ' નિશ્ચિત...

પરિવર્તન કે પુનરાવર્તન? હાઈવોલ્ટેજ ડ્રામા માટે પાટીદાર વિદ્યાર્થી ભવન સજજ...

છેલ્લા ઘણા સમયથી સમાજમાં કેન્દ્રીય સમાજના પ્રમુખને લઈ ચાલતી અટકળો અને જ્ઞાતિજનોની આતુરતાનો આજે અંત આવવાનો છે. કેન્દ્રીય પ્રમુખની ચૂંટણીને લઇ ભારતભરની સમાજોમાં ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે. દેશના દરેક ઝોનમાંથી મોટી સંખ્યામાં સભાસદો નખત્રાણા પહોંચી આવ્યા છે.
પ્રમુખપદના મુખ્ય બે દાવેદારો વર્તમાન પ્રમુખ અબજીભાઈ કાનાણી અને વર્તમાન ઉપપ્રમુખ ગોપાલભાઈ ભાવાણી, બંને તેમની પ્રમુખપદની દાવેદારીમાં અડગ રહેતાં આજે શું થશે તે સવાલ સર્વત્ર ઘૂમરાઈ રહ્યો છે...
વડીલો માટે ધર્મસંકટની સ્થિતિ ?
બંને સંભવિત ઉમેદવારોના ટેકેદારો દ્વારા ઝોન સમાજ અને આગેવાન કાર્યકર્તાઓનો વ્યક્તિગત સંપર્ક સાધી પોતાની વાત મુકવાની પ્રવૃત્તિ ગઈ કાલે મોડી રાત્રી સુધી ચાલી હતી પણ દર વખતે જે રીતે સમાજના ટ્રસ્ટીઓ અને હિતચિંતક આગેવાનો દ્વારા ઉમેદવારોને સમજાવી સંઘર્ષ ટાળવાના પ્રયાસ થતા તેનો આ વખતે સદંતર અભાવ જોવા મળી રહયો છે. કદાચ ધર્મસંકટની પરિસ્થિતિને લીધે આવું થઈ રહ્યાનું સમજાઈ રહ્યું છે.
પંચો 'પ્રપંચ' ન કરી જાય તે જોજો...
પ્રમુખપદ માટે સર્વસંમતિ થવાની શક્યતા જૂજ છે ત્યારે દાવેદાર ઉમેદવારોમાંથી એકની પસંદગી કરવા દર વખતે જે પસંદગી સમિતિનું ગઠન કરવામાં આવે છે તેમાં આ વખતે લાયક સભ્યો જ લેવાય અને તટસ્થતાથી સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવું સમાજના લોકો ઈચ્છી રહ્યા છે. ખરા સમયે પંચરૂપી ગાભો ધાવી ન જાય તે માટે લોકો ચિંતિત છે...
સમાજજનો આજની ઘડીએ થોડુંક ચિંતન કરે...
સમાજના નવા સુકાનીની વરણીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે સભામાં ઉપસ્થિત ભારતભરમાંથી આવેલ જ્ઞાતિજનો સમાજના વ્યાપક હિતમાં શું કરવું જોઈએ તે માટે ગંભીરતાથી વિચારે અને નૂતન સમાજના નિર્માણ માટે સહયોગી બને..તેમના ચિંતન માટે આ રહી કેટલીક બાબતો...
ક્ષમતા, સહજતા, સમાનતા અને નિખાલસતાનાં શિખરે રહી સેવા કરનાર ચારિત્ર્યનું નામ આગેવાન.
યોગ્ય નેતૃત્વનો અભાવ દરેક સમાજમાં જોવા મળે છે પણ અહીં આપણા કચ્છ કડવા પાટીદાર સમાજ માટે લખવાનું કારણ ફક્ત એટલું જ છે કે, આપણી પાસે ઉત્તમ ભૂતકાળ અને તેના યોગ્ય આગેવાનોનું જીવન અને તેમની નેતૃત્વની ગુણવત્તાના માપધોરણો છે તે છતાં પણ આપણે એ બાબતનો અભાવ અનુભવીએ છે જે બાબત પર જ્ઞાતિ પ્રભુત્વશાળી હતી.
ગુણવતા અને ક્ષમતાના આધારે નેતૃત્વ સોંપો...
ગુણવત્તા અને ક્ષમતાના આધારે પહેલાં નેતૃત્વ સોંપવામાં આવતું હતું. જે લોકો દરેક પ્રકારની લાલચ, મોહ-માયા અને દંભથી દુર હતા. જેમના પર બધા જ ભરોસો કરતા અને એકમત સાથે તેમના નેતૃત્વનો સ્વીકાર કરતા.
સાચાં ની ઓળખ માટે ખોટાથી અવગત હોવું જરુરી છે.
આજે આપણાં સમાજમાં નેતૃત્વની ઉણપનું કારણ શું છે? સામાજિક, ધાર્મિક કે કોઈ પણ પ્રકારના નેતૃત્વમાં એકતા કે પછી ગુણવત્તા નથી. અહિં દરેક વ્યક્તિ પોતે એક નાના સમૂહમાં રહી આગેવાન બનવા ઇચ્છે છે. જેના કારણે નેતૃત્વની વ્યાખ્યા જ બદલાઇ જાય છે. અહિં દરેક એ વ્યક્તિને આગેવાન બનવું છે જે અમીર હોય અને સારા સંપર્ક ધરાવતો હોય અને અંતે થાય છે પણ એવું જ, કારણ કે સંસ્થા ચલાવનારા લોકો સારા ડોનર શોધે છે. કારણ એ જ કે ગુણવત્તાસભર વ્યક્તિઓ હિમ્મત નથી કરતા અને પ્રજાનો મિજાજ પણ તાલિમથી દુર જેથી તેઓ સાચું નેતૃત્વ પચાવી નથી શકતા. યોગ્ય ધાર્મિક શિક્ષણ, તાલીમ, વાંચનથી દુર રહેનારા લોકો ક્યારેય સત્યના પ્રકાશને ઓળખી નહીં શકે. 
પ્રસિદ્ધિ માટે જ સતા પર આવનારથી સાવધાન!
કામ દરેકને કરવું છે પણ ભરોસો નથી આગેવાન પર, જેથી અંતે દરેકને આગેવાન બનવાની ઇચ્છા જાગે છે અને નેતૃત્વની ઓળખ ફક્ત નાના સમૂહ સુધી સીમિત થઈ જાય છે. જેનાં કારણે ક્ષમતા, પૈસા, ગુણવત્તા અને સમાજ બધું જ વહેંચાઈ જાય છે. જેથી જૂથવાદને હવા મળે છે અને અંતે તે નિષ્ફળતામાં રૂપાંતર થાય છે. જેનાં કારણે સત્તા અને હોદ્દો એવા લોકોના હાથમાં જાય છે જેઓ ફક્ત નામ કરવાના લાલચી હોય છે. જેઓમાં કામ કરવાની જરાય ક્ષમતા હોતી નથી. અંતે તેઓ સમાજ, સત્તા અને મિલકતને કાબૂમાં કરવા પોતાના વાહિયાત વિચારો અને શક્તિઓનો ઉપયોગ કરીને પોતાના માનને બચાવતા હોય છે. 
જેનાં પરિણામથી સમાજના કામ કરી શકે એવા વ્યક્તિઓ અને દાતાઓ એવી આગેવાની અને સંસ્થાથી દુર થાય છે, અંતે તાળાં વાગે છે.
ભુલ ક્યાંક ને ક્યાંક આપણી જ છે. આપણે લોકો પણ એવાને જ પસંદ કરીએ છીએ જેઓ ખોટી રીતે કામ કઢાવી શકે અને રૂપિયા ખર્ચી શકે,ભલે પછી એ ગમે ત્યાંથી આવતો હોય. સમાજનો આ જ મોટો પ્રશ્ન છે કે નેતૃત્વ એવાને સોંપે છે જેઓ લાયક પણ નથી અને સમાજ માટે લાગણી પણ નથી. એક વાત હંમેશા યાદ રાખજો કે નેતૃત્વ અને આગેવાન જયાં સુધી સમાજના પાયાના કે સનાતની સિદ્ધાંતોને અનુરૂપ ન્યાય નહીં કરે ત્યાં સુધી સફળતા મળવાની નથી.
લોકોનો વિશ્વાસ ના હોવાનું કારણ પણ એ જ ગુણવત્તાને જ આધીન છે.
તો નેતા અને નેતૃત્વ કેવું હોવું જોઈએ?
ધર્મશાસ્ત્રોના સાર મુજબ, જ્ઞાન એ નેતાને સાચા રસ્તા પર માર્ગદર્શન આપે છે,તે પોતાના જ્ઞાનને આધારે સ્થિતીને સમજવામાં સક્ષમ હોય છે. અને સ્થિતીમાં પ્રવેશ્યા પછી તેનામાં નિર્ણય લેવાની શક્તિ હોવી જોઈએ. જો તેની પાસે નિર્ણય લેવાની ક્ષમતા ના હોય તો તે પોતાના નેતૃત્વને લાગુ પાડવામાં અસફળ રહેશે. એટલે આગેવાન પાસે જ્ઞાન અને હિમ્મત બન્ને હોવું જરુરી છે. શક્તિ એ માનસિક ક્ષમતા અને શારિરીક ક્ષમતા બન્નેનું નિર્દેશન કરે છે. એટલે આગેવાન એ જ્ઞાન, શક્તિ, ક્ષમતા અને નિર્ણયના નિયમોને સ્વીકાર કરતો હોવો જોઇએ.
નેતૃત્વ એ એક ટીમવર્કનું નામ છે. જેમાં કામની સફળતા સમગ્ર જ્ઞાતિની મદદ અને યોગ્ય સમર્થકો ની મદદથી જ થાય છે. જેમાં આગેવાનની સાથે સાથે સમર્થકોમાં પણ એ જ ગુણવત્તા અને જ્ઞાનનાં દર્શન થવા જોઇએ.
આપણાથી આવું થઈ શકશે?

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106