નસીબના બળિયા કાનાણી : કેન્દ્રીય સમાજના પ્રમુખપદે અબજીભાઈ કાનાણીની પુનઃ વરણી...ચિઠ્ઠી દવારા પ્રમુખની પસંદગીનો ઐતિહાસિક અને અભૂતપૂર્વ બનાવ... ગોપાલભાઈ ભાવાણીની ખેલદિલી અને જિંદાદિલી પર સમાજ વારી ગયો...
જ્ઞાતિજનોની લાંબા સમયની ઈંતેજારી અને દિવસભર ચાલેલ ચઢાવ ઉતાર બાદ સાંજે નાટયાત્મક રીતે નસીબના જોરે અબજીભાઈ કાનાણી કેન્દ્રીય સમાજના પ્રમુખપદે ચૂંટાઈ આવતાં છેલ્લા ઘણા દિવસથી ચાલતી અટકળોનો અંત આવ્યો હતો.
૨૩ ઓગસ્ટના સવારના ૯-૦૦ કલાકેથી યોજાયેલ કેન્દ્રીય સમાજની સામાન્ય સભામાં એજન્ડાના અન્ય શરૂઆતના મુદ્દાઓ પર સભાજનોને ખાસ કોઈ રસ નહોતો. બધા નવી કારોબારીની વરણીની પ્રક્રિયા નિહાળવા આતુર હતા પણ લોકોની લાંબી ઈંતેજારીનો અંત છેક સાંજે આવ્યો હતો. ભારતભરમાંથી ખુબ મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહી જાગૃતિના દર્શન કરાવ્યાં હતાં.
પ્રમુખપદના બંને ઉમેદવારો વર્તમાન પ્રમુખ અબજી વિશ્રામ કાનાણી અને ગોપાલભાઈ ભાવાણી પોતાની દાવેદારી પરત ખેંચવા ટસના મસ ના થતાં ટ્રસ્ટી સહિતના આગેવાનોની મુશ્કેલી વધી ગઈ હતી. બપોર પછી બેઠકોનો દોર શરૂ થયો હતો પણ મડાગાંઠનો ઉકેલ આવતો નહોતો. અંતે કેટલાક ટ્રસ્ટીઓની સમજાવટ બાદ ચિઠ્ઠી ઉપાડીને ઉમેદવારની પસંદગી કરવાનું નક્કી કરવામાં આવેલ અને આ ઐતિહાસિક પધ્ધતિમાં પ્રમુખ તરીકે અબજીભાઈના નામની ચિઠ્ઠી નીકળતાં ગોપાલભાઈએ ખેલદિલીથી તેનો સ્વીકાર કરતાં અબજીભાઈ ત્યાર બાદ નિર્વિઘ્ને પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા હતા.
વોર રૂમમાં શું રંધાઈ રહ્યું હતું?
ચિઠ્ઠીવાળી પધ્ધતિ અગાઉ પ્રમુખની પસંદગી માટે ટ્રસ્ટીઓ સર્વાનુમતે પસંદગી કરે તેવી ફોર્મ્યુલા પણ રજૂ કરવામાં આવી હતી પણ બહાર આવેલ અહેવાલો મુજબ અબજીભાઈએ ગમે તે કારણસર તે માટે સંમતિ આપી નહોતી. ચિઠ્ઠી દ્વારા પ્રમુખ પસંદ કરવાની વાત પણ અબજીભાઈએ શરૂઆતમાં સ્વીકારી નહોતી પણ પછી તેઓ આ માટે રાજી થઈ ગયા હતા !
સભામાં ગેરહાજર ત્રણ જણાને ટ્રસ્ટી તરીકે લેતાં ઉહાપોહ...
પ્રમુખની વરણી બાદ ૧૧ ટ્રસ્ટીઓની પસંદગી કરવામાં આવી હતી જેમાં જૂના ૩ ટ્રસ્ટી સિવાય બાકીના ૮ ટ્રસ્ટીમાં નવા ચહેરા લેવામાં આવ્યા હતા. મિટિંગમાં ઉપસ્થિત ન હોય તેવા ૩ ટ્રસ્ટીઓની વરણી બાબતે સભામાં થોડો ઉહાપોહ થયો હતો, સંખ્યાબંધ લોકોએ વિરોધ કર્યો હતો પણ આખરે સમગ્ર સભાની ઈચ્છા મુજબ તેમની વરણીને કાયમ રાખવામાં આવી હતી.
સમાજને બે મંત્રી ટનાટન મળ્યા !
કેન્દ્રીય સમાજની નવી વરણીમાં મહામંત્રી તરીકે ધારણા પ્રમાણે જ પુરષોત્તમભાઈ ભગત પર પુનઃ કળશ ઢોળવામાં આવ્યો હતો તો મંત્રી તરીકે યુવાસંઘના ઉપપ્રમુખમાંથી આવેલા મોહનભાઈ હરિલાલ ધોળુ-પેટલાદ અને ડૉ.અશોક જયંતિલાલ ભાવાણી-ધનસુરાની પસંદગી કરવામાં આવી હતી. મંત્રી તરીકે આ બંને તરવરીયા યુવાનોની વરણીથી સમાજના વહીવટમાં જરૂર સુધારો આવશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે પણ આ બંને કેન્દ્રીય સમાજ માટે કેટલો સમય આપી શકશે તે મોટો પ્રશ્ન છે.
ઉપપ્રમુખની ત્રણ જગ્યા પૈકી એક માત્ર કડોદરાના કદાવર નેતા ભાણજીભાઈ વાલજી પોકારના નામની જ જાહેરાત થઈ છે. બાકીના બે ઉપપ્રમુખના નામો પાછળથી જાહેર કરવામાં આવનાર છે. ટ્રસ્ટીમાંથી નિવૃત્ત થયેલા બેંગલોરના ધનજીભાઈ છાભૈયાની આ પદ પર વરણી થવાની પુરી સંભાવના છે.
સ્થાનિકમાંથી યોગ્ય મૂરતીયા શોધવાની કવાયત...
ખજાનચી,સહખજાનચી,બે ઉપપ્રમુખ અને એક મંત્રીની પસંદગી કરવાની બાકી છે ત્યારે સ્થાનિક માંથી કેટલાક નામો પસંદ કરવા મોવડી મંડળ કસરત કરી રહ્યું હોય તેવું દેખાય છે. ગત ટર્મમાં સતત દોડાદોડી કરતા જોવા મળેલા મંત્રી પ્રવિણ ધોળુંનું નામ પણ હજુ સુધી ક્યાંયે જાહેર થયું નથી. અગાઉ સ્થાનિકના ડૉ. શાંતિલાલ સેંઘાણી અને દામજીભાઈ વાસાણી ઉપપ્રમુખ તરીકે હતા.હવે કોની પસંદગી થાય છે તે જોવું રહ્યું.
ભૂમિદાનમાં ત્રણ કરોડનું ફંડ નોંધાયું
કારોબારી અને સામાન્ય સભા,એ બે દિવસો દરમિયાન કેન્દ્રીય સમાજના ભુજ પ્રોજેક્ટ માટે ભૂમિદાન માટે જ્ઞાતિના ભાઈઓ સમક્ષ સમાજે ટહેલ નાખતાં ૩ કરોડ જેટલું ફંડ નોંધાતાં શરૂઆત સારી થઈ છે. આગામી દિવસોમાં નવી ટીમ દરેક ઝોનમાં આ માટે ફરી વળશે.
ડૉ.મોહનભાઈ છાભૈયાનું ધારદાર પ્રવચન...
આણંદના પ્રો. ડૉ.મોહનભાઈ છાભૈયાએ નખત્રાણા કોલેજ અંગે સવિસ્તર માહિતી આપ્યા બાદ તેમના મનનીય પ્રવચનમાં સમાજના હિતમાં કેટલીક કડવી વાતો કરી હતી. સમાજના આગેવાનો જો 'એક વ્યક્તિ એક હોદ્દો' નિયમ અપનાવે તો પોતાના ક્ષેત્રમાં પુરતો ન્યાય આપી શકશે. સમાજના પ્રભારીઓની નિષ્ક્રિયતા પર આકરા પ્રહારો કરતાં મોહનભાઈએ સ્પષ્ટ જણાવ્યું હતું કે દોડાદોડી કરી શકે તેવાને જ આ પદ પર નિમવા જોઈએ.
પુનઃ વિશ્વાસ માટે સૌનો આભાર...
નવા વરાયેલા પ્રમુખ અબજીભાઈ કાનાણીએ પોતાના પર પુનઃ વિશ્વાસ રાખવા બદલ સમગ્ર સમાજનો દિલથી આભાર માન્યો હતો અને તન-મન-ધનથી સમાજના દરેક કામ સૌના સાથ સહકારથી પાર પાડવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
આ છે કેન્દ્રીય સમાજના નવા ટ્રસ્ટીઓ
૧. ગોપાલભાઈ વાલજીભાઈ ભાવાણી- કોલ્હાપુર
૨. મણિભાઈ હીરજીભાઈ ભગત- બીદડા
૩. નાનજીભાઈ શામજીભાઈ રામાણી- રાયપુર
૪. રવજીભાઈ ભીમજીભાઈ ભાદાણી- ચેન્નાઈ
૫. મોહનભાઈ રતનશીભાઈ રામજીયાણી- મુંબઈ
૬. વિશ્રામભાઈ લાલજીભાઈ છાભૈયા- બેંગલોર
૭. હરિભાઈ કેશરાભાઈ ભગત- મોરબી
૮. છગનભાઈ કાનજીભાઈ પોકાર- મુંબઈ
૯. લક્ષ્મણભાઈ નાનજીભાઈ ચૌહાણ- દિલ્હી
૧૦.જેઠાભાઈ કેશરાભાઈ પોકાર- કોલ્હાપુર
૧૧.ડૉ. પ્રેમજી રામજી ગોગારી- ગાંધીધામ