વામન છતાં વિરાટ : મહાડના ૭૨ વર્ષીય મનજીભાઈ ગોરાણીની સમાજ ભાવનાનો જોટો જડે તેમ નથી...૧૯૭૭ થી આજ સુધીની મિટિંગોમાં ભાગ્યે જ તેમની ગેરહાજરી નોંધાઈ હશે... પાટીદાર સૌરભ આવા સમાજ પ્રેમી સજજનને સલામ કરે છે !
રતાડીયાના મનજીભાઈ ગોરાણીને ઓળખો છો? અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની વાર્ષિક મિટિંગોમાં નિયમિત આવતા સમાજના ભાગ્યે જ એવા કોઈ સભ્ય હશે જે મનજીભાઈથી પરિચિત ન હોય ! ૧૯૭૭માં સમાજના બીજા અધિવેશનમાં ભાગ લીધા પછી સમાજનો એવો રંગ લાગ્યો કે ૧૯૭૭થી અત્યાર સુધીની કેન્દ્રીય સમાજની વાર્ષિક સામાન્ય સભામાં ભાગ્યે જ તેઓ ગેરહાજર રહ્યા હશે !
સમાજના બીજા અધિવેશનથી એવો રંગ લાગ્યો કે...
છેલ્લા ૪૫ વર્ષથી મહારાષ્ટ્રના મહાડમાં રહેતા ૭૨ વર્ષીય મનજીભાઈ ભાણજી ગોરાણી ૧૯૬૬ થી ૧૯૭૦ સુધી પાટીદાર વિદ્યાર્થી ભવનમાં રહી અભ્યાસ કરી ચૂક્યા છે. ૧૯૭૭માં યોજાયેલ સમાજના બીજા અધિવેશનમાં માજી વિદ્યાર્થીઓના સંમેલનમાં ભાગ લીધા પછી મળેલા પ્રોત્સાહનને કારણે તેઓ સામાજીક ભાવનામાં એવા ઓતપ્રોત થઈ ગયા કે ન પૂછો વાત !
કદ ભલે નાનું રહ્યું પણ સામાજિક ભાવના હિમાલયથી પણ વિરાટ છે !
શારીરિક રીતે કુદરતે તેમને ભલે વામન કદ આપ્યું હોય પણ તેમની સામાજીક ભાવના એટલી પ્રબળ અને વિરાટ છે કે તેનો જોટો જડવો મુશ્કેલ છે. આપણી માતૃસંસ્થા એવી કેન્દ્રીય સમાજ સાથે તેઓ દિલથી જોડાયેલા છે. મિટિંગોમાં તો તેઓ નિયમિત આવે જ છે પણ દિવાળી બોણી ઉપરાંત દર વર્ષે વિશેષ સહયોગ મોકલવાનું પણ તેઓ ભૂલતા નથી.
સ્વાધ્યાય પરિવારની પ્રવૃત્તિમાં પણ એટલા જ રચ્યાપચ્યા રહે છે...
મહાડ સમાજના પ્રમુખ રહી ચૂકેલા મનજીભાઈ પૂ.પાંડુરંગ દાદાની સ્વાધ્યાય પ્રવૃત્તિમાં પણ ગળાડૂબ છે તેને કારણે ભારતભરના આપણા સ્વાધ્યાયી ભાઈ-બહેનો પણ તેમને ઓળખે છે. છેલ્લા ૭ વર્ષથી ધંધામાંથી રીટાયર્ડ થયા બાદ હવે તેઓ સમગ્ર સમય સ્વાધ્યાય અને સમાજ સેવામાં જ આપે છે.
કારોબારીમાં 'ઘૂસી' મોઢું ન બતાવતા સભ્યો મનજીભાઈ પાસેથી પ્રેરણા લે...
સમાજની કારોબારીમાં અને અન્ય હોદ્દાઓ મેળવ્યા પછી ભાગ્યે જ મિટિંગોમાં ડોકાતા મહાનુભાવોએ આ મનજીભાઈ પાસેથી પ્રેરણા લેવા જેવી નથી? પાટીદાર વિદ્યાર્થી ભવનના પ્રાંગણમાં ૨૩ ઓગસ્ટના સામાન્ય સભાના દિવસે વહેલી સવારના જ મળી ગયેલા આ સમાજ સેવક સાથે ગોષ્ઠી કરવાનો થોડો સમય મળ્યો હતો ત્યારે પાટીદાર સૌરભે તેમની સાથે સંવાદ કર્યો હતો... સમાજપ્રેમી મનજીભાઈ ગોરાણીને તેમની નિષ્ઠા અને ધગશ માટે સો સો સલામ !