જયંતિમ શરણમ્ ગચ્છામિ : હાશ...! ૩૮૪ કલાકના 'મંથન' પછી કેન્દ્રીય સમાજના બાકીના હોદ્દેદારો મહામહેનતે નિમાયા.. કોઈ 'સનાતની' કવૉટામાંથી તો કોઈ 'ભલામણીયા' કવૉટામાંથી..!
૩૮૪ કલાકના મેરેથોન ‘ચિંતન’ બાદ આખરે કેન્દ્રીય સમાજે ચાર હોદ્દેદારોના નામની જાહેરાત કરી છે. છેલ્લા લાંબા સમયથી કેન્દ્રીય સમાજમાં પ્રવેશવા મથી રહેલા જયંતિ લાકડાવાળાને આખરે ‘સનાતની’ ક્વોટામાંથી સીટ મળી ગઈ છે !
૨૩ ઓગસ્ટના હોદ્દેદારોની અધૂરી રહેલ નામાવલિ પૂર્ણ કરવામાં સમાજને ૧૬ દિવસનો સમય લાગ્યો છે તેમ છતાં યાદી હજુ પણ પૂર્ણ કરી શકાઈ નથી ! એક મંત્રીના નામની જાહેરાત હજુ પણ બાકી રખાઈ છે.
જે ચાર હોદ્દેદારોના નામની જાહેરાત થઈ છે તેમાં ઉપપ્રમુખપદે લાકડાવાળા ઉપરાંત રાજેશભાઈ મેઘજી દિવાણી (કોટડા-જ), ખજાનચીપદે નખત્રાણાના પ્રવિણભાઈ સામજીભાઈ ધનાણી અને સહખજાનચી તરીકે મણીલાલ કેસરા માવાણી (વરજડી)નો સમાવેશ થાય છે.
સ્થાનિક કાર્યકરોમાં નિરૂત્સાહી વલણ
૨૩ ઓગસ્ટની મિટિંગના દિવસે પાંચ હોદ્દેદારોના નામની જાહેરાત બાકી રખાતાં આ પદ પર કેન્દ્રીય સમાજ લાયક ઉમેદવારોની શોધખોળ કરી રહી હોવાનું સ્પષ્ટ થયું હતું. સમાજના સ્થાનિક સંચાલન માટે સ્થાનિક કાર્યકરોની નિમણૂંક કરવી જરૂરી હોઈ સમાજે તે દિશામાં નજર દોડાવી હતી અને કેટલાક માજી હોદ્દેદારોને જવાબદારી સંભાળવા માટે વિનંતી કરી જોઈ હતી પણ સફળતા મળી નહોતી !
લાલજી રામાણીનો પનો ટૂંકો પડ્યો !
સમાજના ઈતિહાસમાં આવું પહેલી વખત જોવા મળ્યું હતું કે સ્થાનિક કાર્યકરોએ પદ સંભાળવાનો આ રીતે ઈન્કાર કર્યો હોય ! સ્થાનિક બીજા કોઈ ન મળતાં સહખજાનચી તરીકે અગાઉ ડ્રોપ કરેલા મણીલાલ કેસરા માવાણીને પુનઃ લેવા પડ્યા છે. અગાઉ બે ટર્મ મંત્રી તરીકે રહી ચૂકેલા પ્રવિણભાઈ ધોળુને આ યાદીમાંથી પણ બાકાત રખાતાં આશ્ચર્ય સર્જાયું છે. તેવી જ રીતે લાલજીભાઈ રામાણીનો પનો પણ ટૂંકો પડ્યો છે ! તેમના માટે કેટલાક લોકોની ‘એલર્જી’ નડી રહી છે !
કોટડા(જ)ના રાજેશભાઈ દિવાણીને તો જાણે લોટરી લાગી ગઈ !!
સૌથી વધુ આશ્ચર્ય કોટડા (જ)ના રાજેશભાઈ દિવાણીએ સર્જ્યું છે. દામજીભાઈ વાસાણીને પુનઃ ઉપપ્રમુખ તરીકે રીપીટ કરવામાં સમાજની મુશ્કેલી અને ડો.સેંઘાણીની પદ પર રહેવાની અનિચ્છાને કારણે સ્થાનિકમાંથી એકાદ ઉપપ્રમુખ નિમવાની જરૂરિયાતને કારણે પ્રમાણમાં ખૂબ ઓછું જાણીતું નામ પણ આવા મોટા પદ માટે પસંદ કરવામાં આવ્યું હોવાનું સમજાય છે.
ગત ટર્મ વખતે પણ લાકડાવાળાનું નામ ચમક્યું હતું !
જયંતિ લાકડાવાળાનું નામ તો ગત ટર્મમાં પણ મહામંત્રી તરીકે બોલાતું હતું. અબજીભાઈ કાનાણી પણ તેમને આ મહત્ત્વપૂર્ણ પદ આપવા ઈચ્છુક હતા પણ તત્સમયના કેટલાક લોકોના વિરોધને કારણે તેમને બાકાત કરવામાં આવ્યા હતા. છતાં તેઓ સનાતની મુવમેન્ટ અને વિઝન ડેવલપમેન્ટની કામગીરીમાં સતત સક્રિય રહ્યા હતા.
સમાજનું સનાતની પ્લેટફોર્મ મજબૂત બનાવવાની રણનીતિ ?
આ વખતે પણ ૨૩ તારીખના જ તેમના નામની જાહેરાત થવાની હતી પણ તેવું ન થતાં આશ્ચર્ય સર્જાયું હતું. સમાજની સનાતની લોબીએ તેમના માટે જોરદાર પ્રયાસો કર્યાનું પણ કહેવાય છે. સમાજમાં સનાતન બાબતે છેલ્લા કેટલાક સમયથી સેવવામાં આવી રહેલ ઉદાસીનતાને કારણે ચિંતિત સનાતની આગેવાનો કેન્દ્રીય ટીમમાં પ્રખર સનાતની કાર્યકરોની હાજરી ઈચ્છતા હતા અને તેમાં તેઓ આખરે સફળ પણ રહ્યા...
જયંતિ લાકડાવાળાને લઈએ તો તમને કંઈ વાંધો તો નથી ને?!
૨૩ ઓગસ્ટના સાંજના હોદ્દેદારોની નામાવલિ જાહેર થઈ તે અગાઉ સમાજના એક જવાબદાર પદાધિકારી અમદાવાદ ઝોનના કેટલાક મિત્રોનો સંપર્ક કરી એવી પૃચ્છા કરતા જોવા મળ્યા હતા કે, જયંતિ લાકડાવાળાને હોદ્દેદાર તરીકે લઈએ તો અમદાવાદાવાળાને કોઈ વાંધો તો નથી ને?! અમદાવાદવાળાએ તો અમદાવાદી સ્ટાઈલમાં જ જવાબ વાળેલો કે, ભઈ, એમાં અમને શું વાંધો હોય?!!!
એ તો જાહેર જેવી જ વાત છે કે લાકડાવાળાના નામ સામે કોણ અને શા માટે વિરોધ કરી રહ્યા છે ! વ્યક્તિમાં લાયકાત અને તાકાત બંને હોય ત્યારે માત્ર તે માપદંડના આધારે તેમનો સમાવેશ કરવાને બદલે બીતા-બીતા, મોડે-મોડે પસંદગી કરવા પાછળના કારણો કોઈ કહેશે?
અને છેલ્લે...
જયંતિ લાકડાવાળા હવે કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખ છે. યુવાસંઘ વખતની તેમની કામગીરી જોતાં ‘ખાઈ-પીને ૩૦ દિવસનો મહિનો’ કરે તેવા તેઓ નથી ! નજીકના સમયમાં જ તેઓ સમાજના ઘણા બધાને ‘ધંધે’ લગાડશે તે નક્કી છે !