સળગતો સવાલ : ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાય અને સંસ્કારધામને કેન્દ્રીય સમાજની સર્વોપરિતા સ્વીકારવામાં તકલીફ કેમ પડે છે ?
કેન્દ્રીય સમાજના હોદ્દેદારો પણ 'શરમ' મૂકીને સમાજદ્રોહી સાથે ઊઠબેસ કરી રહ્યા છે !!
રમેશભાઈ વાગડીયાનો આંખ ખોલતો આ લેખ વાંચો અને વિચારો...
વિક્રમ સંવત ૨૦૬૬ અને તા.૭-૮-૨૦૦૯ના જ્યારે આપણી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં સનાતન-સતપંથ બાબતે ત્રીજી ક્રાંતિની શરૂઆત થઈ ત્યારે મેં એક વાત પ્રખર સનાતની શ્રી હિંમતભાઈ ખેતાણીને કરી હતી તે વાતને હું ફરી અહીં દોહરાવી રહ્યો છું. એ વાત એ હતી કે આપણી ત્રણે મુખ્ય સંસ્થાઓ :
૧. શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ નખત્રાણા
૨. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, વાંઢાય અને
૩. શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન દેશલપરી - વાંઢાય
સમન્વય રીતે કામ કરતી હોય અને તે માટે તે સંસ્થાઓએ એક મેનેજમેન્ટ હેઠળ આવું અત્યંત જરૂરી છે. આ ત્રણે સંસ્થાઓ એક મેનેજમેન્ટ હેઠળ આવે તેના તમામ પ્રયત્નો આપણે કરવા પડશે. તે અત્યારના સમયની માંગ છે. શીખ સંપ્રદાયમાં પાંચ પ્યારેની એક સુદૃઢ વ્યવસ્થા છે જે તેના સંપ્રદાયના પ્રમુખ અથવા તો તેના મંદિરના પ્રમુખ ઉપર એક સર્વોચ્ચ બોડી એટલે “પાંચપ્યારે” (પાંચ જણાની એક સર્વોચ્ચ કમિટી જેનો આદેશ સર્વોપરી ગણાય) આવો સુજાવ ત્યારે પણ મેં આપ્યો હતો અને આજે પણ આપી રહ્યો છું.
અત્યારના સમયની માંગ :
ઉપરોક્ત વાત દોહરાવવી અત્યારે એટલે જરૂરત પડી છે કે હવે એવા પરિબળો જ્ઞાતિમાં માથું ઊંચકી રહ્યા છે કે તેઓ હવે જાહેરમાં બોલવા લાગી ગયા છે કે જ્ઞાતિની માતૃસંસ્થા સાથે અમારે કોઈ લેવા દેવા નથી. તેની સર્વોપરિતા અમોને સ્વીકાર્ય નથી, તે માતૃસંસ્થા (કેન્દ્રીય સમાજ) અન્ય બે સંસ્થાઓની જન્મદાત્રી નથી વગેરે વગેરે...
કેન્દ્રીય સમાજ આપણી સૌની માતૃ સંસ્થા :
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, નખત્રાણા કચ્છ કડવા પાટીદાર સનાતની જ્ઞાતિની કેન્દ્રીય સમાજ છે, જે સનાતની પાટીદાર નાતની એક માત્ર માતૃ સંસ્થા છે જેની પ્રેરણાથી અનેક સંસ્થાઓ ઊભી થઈ છે.
કેન્દ્રીય સમાજ અનેક સંસ્થાઓની જન્મદાતા :
આપણી કેન્દ્રીય સમાજ અનેક સંસ્થાઓ પૈકી વાંઢાયની શ્રી ઉમિયા માતાજી સંસ્થાન અને દેશલપર વાંઢાયની શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન જેવી કેટલીય સંસ્થાઓની જન્મદાત્રી સંસ્થા છે. એટલે આજની આપણી કેન્દ્રીય સમાજને આપણે માતૃ સંસ્થા તરીકે માનભરી નજરે નિહાળીએ છીએ.
માતૃ સંસ્થાનો જન્મઃ
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતની જ્ઞાતિની માતૃ સંસ્થાનો જન્મ છેક સન ૧૯૩૮માં થયો હતો. આ સંસ્થાના સ્થાપક પ્રમુખ હતા વિરાણી (મોટી)વાળા વડીલ શ્રી રતનશીભાઈ ખીમજી ખેતાણી. તે વખતે તેનું નામ હતું શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ. પાછળથી જ્યારે તે સમાજને ટ્રસ્ટ તરીકે ૧૯૬૦માં રજીસ્ટર્ડ કરવામાં આવી ત્યાર પછી તે સમાજનું નામ રાખવામાં આવ્યું શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, નખત્રાણા જે આજે કેન્દ્રીય સમાજ તરીકે ઓળખાય છે.
સંત શ્રી ઓધવરામજી મહારાજનો સહારો અને માર્ગદર્શન :
આપણે થોડો વિચાર કરીએ કે જ્યારે સુધારક વડીલોએ સતપંથનો ત્યાગ કરીને પીરાણાને કાયમને માટે તિલાંજલિ આપી હશે ત્યારે તે સુધારક વડીલો ક્યાં બેસતા હશે? ક્યાંથી નાતનું નિયંત્રણ કરતા હશે? અને કેવી કઠીન પરિસ્થિતિનો સામનો કર્યો હશે? તેવા કપરા સંજોગોમાં સુધારક વડીલોને એક માત્ર આશરો હતો સંત શ્રી ઓધવરામજી મહારાજનો. સુધારક વડીલોના માર્ગદર્શક કહો કે નાતના ઉદ્ધારક ગુરુ કહો તે હતા વાંઢાય દ્વારાના સંત શ્રી ઓધવરામજી મહારાજ.
વાંઢાય ઉમિયા માતાજી મંદિરની સ્થાપના :
સંત શ્રી ઓધવરામજી મહારાજની સલાહ અને માર્ગદર્શન હેઠળ સૌથી પહેલું, સૌથી મોટું અને સૌથી અગત્યનું કામ જો આ સમાજે કર્યું હોય તો તે હતું સન ૧૯૪૫માં કડવા પાટીદારોની કુળદેવી જગદ્જનની શ્રી ઉમિયા માતાજીના મંદિરની વાંઢાય મુકામે સ્થાપના. આ મંદિરની સ્થાપનાને આજે ૭૫-૭૬ વર્ષ થઈ ગયાં છે અને આપણે તેની હીરક જયંતિ ઉજવવાની તૈયારી કરી રહ્યા છીએ. જો કોરોના મહામારી આપણને ન નડી હોત તો આપણે સન ૨૦૨૦માં હીરક જયંતિ મહોત્સવ ઉજવી પણ લીધો હોત.
માતૃ સંસ્થા દ્વારા નિર્મિત માંડવી બોયઝ હોસ્ટેલ :
સમય સમય ઉપર આપણી માતૃ સંસ્થાએ નાતની જરૂરિયાત પ્રમાણે અનેક સંસ્થાઓની સ્થાપનાઓ કરી. ભૌગોલિક વિસ્તારોને ધ્યાનમાં રાખીને સમયની માંગ પ્રમાણે માંડવી બોયઝ હોસ્ટેલની પણ સ્થાપના થઈ અને તેનો સંપૂર્ણ કારભાર હોસ્ટેલ નિર્માણ સમિતિને કેન્દ્રીય સમાજે જે તે વખતે સુપરત કર્યો. અનેક વર્ષો સુધી તેનો વહીવટ બરાબર રીતે ચાલ્યો પણ સન ૨૦૧૨માં કોણ જાણે કેમ અમુક વિધ્નસંતોષીઓને કારણે તે સમાજની માંડવી હોસ્ટેલની મિલકતોની તબદીલી કેન્દ્રીય સમાજની મંજૂરી વગર અન્ય કોઈ ગેરબંધારણીય ટ્રસ્ટમાં થઈ ગઈ. તેને કારણે આપણી કેન્દ્રીય સમાજ તે તબદીલી કરનાર ગુનેગારો સામે કાનૂની પગલાં લઈ રહી છે. જે પ્રક્રિયા આજે પણ ચાલુ છે જેમાં કેન્દ્રીય સમાજને હજુ સફળતા મળી નથી. અનેકવાર સમજાવટના પ્રયત્નો કરવામાં આવ્યા છે પણ તેમાં પ્રયત્ન કરનાર કોઈને પણ સફળતા મળી નથી. ટુંકમાં તે મિલકત જેમ હતી તેમકેન્દ્રીય સમાજના નામે ફરી પાછી આજ દિવસ સુધી કરી દેવામાં આવી નથી. સમાજના તે ગુનેગારો સામે કાનૂની પ્રક્રિયા આજે પણ ચાલુ છે. જ્યાં સુધી તેમાં સફળતા મળે નહિ ત્યાં સુધી તેવા લોકોને કેન્દ્રીય સમાજમાં અથવા તો તેની સંલગ્ન સંસ્થાઓની કારોબારી સમિતિમાં અથવા તો કોઈ પણ હોદ્દામાં ન લેવા તેમાં આપણા સૌનું હિત જળવાઈ રહે અને તેમ કરવું આપણા સૌની નૈતિક ફરજમાં પણ આવે છે.
કેન્દ્રીય સમાજના ગુન્હેગારોને પનાહ :
તા.૧૯-૮-૨૦૨૧ ની વાંઢાય ઉમિયા માતાજી સંસ્થાનની સામાન્ય સભામાં તેના પ્રમુખ શ્રી હંસરાજભાઈ ધોળુ દ્વારા તે ગુનેગારોમાંયના અમુક લોકોને તેની કારોબારી સમિતિમાં લેવાની પેરવી કરવામાં આવી. સભામાં ઉપસ્થિત લોકોમાંથી તેનો પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો પણ કોણ જાણે કેમ ભાઈ શ્રી હંસરાજ ધોળુએ કોઈની વાતને ગણકારી નહીં અને જાહેરમાં કહ્યું કે “તે ગુનેગારો કેન્દ્રીય સમાજના ગુનેગારો હશે પણ તે મારી ઉમિયા માતાજી સંસ્થાનના ગુનેગારો નથી, તેથી હું તે દાગી નેતાઓને ઉમિયા માતાજી સંસ્થાનની કારોબારીમાં સમાવેશ કરી લઈશ. આ મારું રૂલિંગ છે અને હું તેમ કરીશ જ. અને જો મને એમ કરવા દેવામાં નહીં આવે તો હું ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ પદનો સ્વીકાર નહિ કરું” એમકહીને સભાને બ્લેકમેઈલ કરવાનો ખુલ્લેઆમ પ્રયાસ કર્યો. સભાજનો લાચાર બની બેસી રહ્યા જાણે કે તેઓ નિસહાય હોય, એટલું જ નહિ તે ગુનેગારો પૈકી અમુકને તો તે સંસ્થાનના માનનીય ટ્રસ્ટી તરીકે પણ આવરી લેવાયા.
શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાનની સામાન્ય સભા :
આવું ને આવું, બરાબર તે જ પ્રમાણે તા.૨૦-૮-૨૦૨૧ ના શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાનની સામાન્ય સભામાં પણ થયું. તે ગુનેગારોને કારોબારીમાં અને અગત્યના હોદ્દા ઉપર સ્થાન આપવામાં આવ્યું જે સમગ્ર જ્ઞાતિજનો અને આપણી માતૃ સંસ્થા (કેન્દ્રીય સમાજ) માટે એક અનિચ્છનીય અને અશોભનીય પ્રસંગ કહેવાય.
શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાનની કારોબારી સમિતિમાં રમેશભાઈ વાગડીયાની વરણી :
સંસ્કારધામની કારોબારી સમિતિમાં મારી (રમેશભાઈ વાગડીયાની) પણ કારોબારી સભ્ય તરીકે વરણી કરવામાં આવી પણ મેં જાહેરમાં જણાવ્યું કે ‘હું શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાનને મારી સેવા દેવા તૈયાર છું પણ જ્યાં સુધી કેન્દ્રીય સમાજના ગુનેગારો પણ મારી સાથે તે સમિતિમાં હશે, તેમની સાથે નૈતિક રીતે હું બેસી શકીશ નહીં. જ્યાં સુધી તેઓ કેન્દ્રીય સમાજની મિલકતને કેન્દ્રીય સમાજને પાછી અર્પણ નહિ કરે અને એ બાબતની સમજૂતિ નહિ થાય ત્યાં સુધી હું કારોબારી સમિતિમાં મારું સ્થાન શોભાવીશ નહીં’. સંસ્કારધામના નવા વરાયેલા પ્રમુખશ્રી ગંગારામ શીવદાસ માવાણીની એટલી હિંમત નહોતી કે ત્યારે ને ત્યારે જ દાગી નેતાઓના નામો કારોબારીમાંથી પાછા ખેંચી લે.
આપણી ત્રણે સંસ્થાઓની સમન્વયતા જરૂરી :
આપણી ત્રણે સંસ્થાઓ જો સમન્વય રીતે કામ કરતી હોય અથવા તો માતૃ સંસ્થા (કેન્દ્રીય સમાજ)ને તેની અંતર્ગત આવતી અન્ય તમામ સંસ્થાઓ સર્વોપરી સંસ્થાનો દરજ્જો આપતી હોય તો અન્ય સંસ્થાઓના વડાઓ આવું અનિચ્છનીય પગલું ન ભરે? આવી અનિચ્છનીય પગલું ભરવાને કારણે ભારતભરની આપણી ઘટક સમાજોમાં અને કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં એક ખોટો સંદેશો જરૂર જશે જેના લાંબા ગાળાના પ્રત્યાઘાતો આપણા માટે સારા નહિ હોય તે ચોક્કસ વાત છે.
કેન્દ્રીય સમાજની કારોબારી સભામાં મારી ટકોર :
તા.૨૨-૮-૨૦૨૧ની કેન્દ્રીય સમાજની કારોબારી સભામાં ત્રણે સંસ્થાઓના પ્રમુખોની ઉપસ્થિતિમાં મે આ વાત કરી તો શ્રી ગંગારામ શીવદાસ રામાણી અને શ્રી હંસરાજભાઈ દેવજી ધોળુને મારી વાતથી માઠું લાગ્યું. પણ તેમની વર્તણૂંક અને તેમના અનિચ્છનીય નિર્ણયોથી જ્ઞાતિના અનેક લોકોને માઠું લાગ્યું છે તેનું શું? તેઓ તે ગુનેગારો સાથે સમજાવટ કર્યા પછી ભલેને તેઓને ત્રણે સંસ્થાઓમાં કોઈ પણ સન્માનીય સ્થાન આપતા હોય તેમાં કોઈને કાંઈ જ વાંધો ન હોત પણ ના તેઓને તો સમજાવટ પહેલાં જ તે દાગી લોકોને આવરી લેવા હતા. પછી ભલે કેન્દ્રીય સમાજના પ્રમુખ ઉપર કે આમજ્ઞાતિના લોકો ઉપર તેથી વજ્રઘાત પડતો હોય તેની ચિંતા તેઓને બિલકુલ નથી.
ત્રણે સંસ્થાના પ્રમુખોને વિનંતી ભરી ચેતવણી :
મેં ત્રણે સંસ્થાઓના વડાઓને ચેતવ્યા કે તમારા આ પગલાંથી તમે આમલોકો પાસે ક્યા મોઢે કોઈક વાત કરવા નીકળી શકશો? વારે-તહેવારે સંસ્થાઓને તેના વિકાસ અર્થે નાણાંની આવશ્યકતા રહેતી જ હોય છે. તે માટે જો ત્રણે સંસ્થાઓ સમન્વય રીતે નહીં ચાલે અથવા તો સર્વે કામો એક અવાજે નહિ કરે તો આમપ્રજા તમારા ઉપર વિશ્વાસ કરવાની નથી તે વાત ચોક્કસ છે.
માંડવી પ્રકરણના જવાબદાર વ્યક્તિઓને ગુનેગાર ઠેરવતો ચુકાદો :
તાજ્જુબની વાત તો એ છે કે શ્રીમાન હંસરાજભાઈ દેવજી ધોળુના વડપણ હેઠળ માંડવી પ્રકરણ બાબત ઉમિયા માતાજી વાંઢાય સંસ્થાન મારફત એક લવાદ બેઠું હતું તેમાં તેમણે જ સર્વોદય ટ્રસ્ટવાળા ગુનેગાર છે તેવો ચુકાદો આપ્યો હોવા છતાં આજે તે ચુકાદાને તેમના જ દ્વારા ઘોળીને પી જવામાં આવ્યો. અને તે જ હંસરાજ દેવજી ધોળુએ તે ગુનેગારોને સજા આપવાના બદલે તેઓને માનભેર પોતાની સંસ્થામાં સ્થાન આપીને આમલોકોના દિલને ઠેસ પહોંચાડી છે અને સમાજની એકતાને ન પૂરી શકાય એટલી મોટી ખોટ પાડી છે. હવે ત્રણે સંસ્થાઓના વડાઓ આ બાબતને જેમ બને તેમ જલદીથી તે અગ્નિરૂપી કોયડો દાવાનળ બને તે પહેલાં યોગ્ય રીતે સુલટાવીને લોકોના વિશ્વાસ પુનઃ સંપાદન કરે તેમાં જ આપણા સૌનું શ્રેય છે તેમ મારું માનવું છે.