માનો યા ના માનો ! : એક વ્હાઇટ હાઉસ અમેરીકાના પ્રમુખનું, તો બીજું ઘડુલીના રણમલ પ્રેમજી ધોળુ પરિવારનું ! આ સત્ય હકીકત છે !
કોઈ તમને પૂછે કે વ્હાઈટ હાઉસ ક્યાં આવેલું છે, તો ૯૯.૯૯ નહીં પણ ૧૦૦ ટકા જવાબ એવો જ આવે કે અમેરીકામાં ! ગુગલમાં સર્ચ કરો તો પણ આ જ જવાબ આવે !
એક WHITE HOUSE અમેરીકામાં છે...
પણ તમે જો આ જવાબ આપો છો તો સંપૂર્ણ સાચા નથી ! કારણ એક વ્હાઈટ હાઉસ અમેરીકાના વોશિંગટન ડી.સી.માં આવેલ અમેરીકાના રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન છે (આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બે દિવસ પહેલાં તેમાં રોકાઈને મહેમાનગતિ માણી આવ્યા છે !)
...તો બીજું WHITE HOUSE ઘડુલી ગામમાં છે !
તેના સિવાય પણ કચ્છના લખપત તાલુકાના ઘડુલી ગામમાં બીજું એક વ્હાઈટ હાઉસ આવેલ છે. ઘડુલીના રણમલ પ્રેમજી ધોળુના આઠ દિકરાના પરિવારનું આ સત્તાવાર નિવાસસ્થાન છે ! ધંધાર્થે બધા પરિવાર બહાર વસે છે પણ માદરેવતન આવવાનું થાય ત્યારે તેમનો ઉતારો આ વ્હાઈટ હાઉસમાં હોય છે ! હાલમાં આ હાઉસમાં પુના રહેતા ૭૫ વર્ષિય ભીમજી રણમલ ધોળુ ચોમાસુ વિહાર કરી રહ્યા છે !
'ધોળુ' એટલે અંગ્રેજીમાં WHITE ...!
નામ પ્રમાણે જ મકાન સંપૂર્ણ સફેદ (વ્હાઈટ) છે ! વલ્લભવિદ્યાનગર રહેતા ધોળુ પરિવારના પિયુષ અરજણ ધોળુને આ મકાનનું નામ 'વ્હાઇટ હાઉસ' કઇ રીતે પડ્યું તે અંગે સવાલ કરતાં તેમણે આપેલો જવાબ પણ એટલો જ રસપ્રદ છે ! ‘અમારી અટક ધોળુ છે... ધોળુ એટલે WHITE અને જે ઘરમાં ધોળુ રહેતા હોય તે ઘરનું નામ અંગ્રેજીમાં અમે WHITE HOUSE રાખ્યું છે !’
ઘડુલીમાંથી પસાર થતા લાખાપર રોડ પર આ વ્હાઈટ હાઉસ આવેલ છે. ઘડુલીના અગ્રણી જશવંત પટેલના જણાવ્યા મુજબ આ ધોળુ પરિવાર ગામમાં વ્હાઈટ હાઉસવાળા તરીકે જ ઓળખાય છે.
બ્લેકના વ્હાઇટ તો આખી દુનિયા કરે છે પણ 'ધોળુ' ના વ્હાઇટ માત્ર ને માત્ર ઘડુલીવાળા જ કરી શકે !!