શું છે આ વિવાદિત પ્રકરણ?
મુંબઈ રહેતા કુરબઈવાળા કરમશી લધા રામજીયાણીનું પ્રકરણ છેલ્લા બે વર્ષથી ગાજી રહ્યું છે. કચ્છમાં કુરબઈ ગામે તા.૭-૧૧-૨૦૧૯ અને તા.૮-૧૧-૨૦૧૯ના યોજાયેલ સતપંથ સંપ્રદાયના મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં ઘાટકોપર સમાજના સભ્ય અને કુરબઈ ગામના વતની કરમશી લધા રામજીયાણીએ સક્રિય ભાગ તો લીધો પણ મંચ પરથી સમાજના નીતિનિયમો વિરુદ્ધના નિવેદનો પણ કરી સમાજ વિરોધી કૃત્ય કરતાં મુંબઈના પ્રખર સનાતનીઓએ તેમની સામે પગલાં ભરવા ઘાટકોપર સમાજને વિનંતી કરેલ.
કાર્યવાહીની વિગતો જાહેર કરવામાં તકલીફ કેમ પડે છે?
કરમશીભાઈ રામજીયાણી કુરબઈના કાર્યક્રમમાં જે કંઈ બોલ્યા તેના પુરાવા સોશિયલ મીડિયામાં હાજરાહજૂર છે અને ઘાટકોપર સમાજને પણ તે આપેલા હોવા છતાં સ્થાનિક સમાજે ગમે તે કારણસર કોઈ કાર્યવાહી ન કરતાં કેન્દ્રીય સમાજે આ બાબતમાં દરમિયાનગીરી કરવી જોઈએ તેવી પ્રબળ લોકલાગણી માધ્યમોમાં વ્યક્ત થતાં કેન્દ્રીય સમાજે નાછૂટકે મુંબઈ ઝોન સમાજને આ પ્રકરણે કાર્યવાહી કરવા જણાવવું પડ્યું અને મુંબઈ ઝોને કાર્યવાહી કરી પણ ખરી, હવે આ કાર્યવાહીની વિગતો જાહેર કરવામાં બધા મોઢું છુપાવતા ફરે છે ! જ્ઞાતિજનોને આ એક ન સમજાય તેવી વાત છે !
માફીપત્ર લખી આપેલ હોય તો જાહેર કરી દો ને...
મુંબઈ ઝોનના જે હોદ્દેદારો આ પ્રક્રિયામાં સામેલ હતા તેઓ તો મોઢું ખોલવા પણ કોઈ તૈયાર નથી ! મુંબઈ ઝોનના પ્રમુખ કાન્તિભાઈ લીંબાણીને જ્યારે દબાણપૂર્વક આ બાબતે પૂછ્યું ત્યારે તેમણે સ્વીકાર્યું કે, ‘હા, સમાજની સૂચના પ્રમાણે અમોએ કરમશી લધા રામજીયાણી સાથે બેઠક કરી હતી અને તેની ફળશ્રુતિરૂપે કરમશીભાઈએ માફીનામું પણ લખી આપેલ છે.’ માફીનામાં શું લખેલ છે તે અંગે કે માફીનામાની કોપી આપવા બાબતે કાન્તિભાઈ લીંબાણીએ જણાવેલ કે, આ બધું કેન્દ્રીય સમાજને મોકલી આપેલ છે, તેમની પાસેથી મેળવી લો !
કેન્દ્રીય સમાજના પદાધિકારીનું પણ સૂચક મૌન!
પાટીદાર સૌરભે કેન્દ્રીય સમાજના મહામંત્રી પુરુષોત્તમ ભગતને જયારે આ અંગે પૂછ્યું તો તેમણે રાબેતા મુજબ જ ‘નખત્રાણા કાર્યાલયમાં ટપાલ કે ઈ-મેલ આવ્યો હશે... હું અત્યારે કંઈ જાણતો નથી... તપાસ કરાવી લઉં છું... જેવો જવાબ આપેલ પણ આ વાતને દિવસો થઈ ગયા છતાં કેન્દ્રીય સમાજ દ્વારા આ પ્રકરણે હજુ સુધી અધિકૃત નિવેદન કે અખબારીયાદી બહાર પાડવામાં આવેલ નથી !’
મવાળોના વખાણ કરતાં થાકતા નથી...
કરમશી લધા રામજીયાણી સામે પગલાં લેવાની વાત તો દૂર પણ ઉલટાનું સમાજમાં જવાબદાર લોકો તેમની વાત આવે ત્યારે ‘માણસ આમ તો ઘણો જેન્ટલમેન છે... આપણો સનાતની જ છે... ગમે તે કારણે થાપ ખાઈ ગયો હશે... હવે SORRY કહી દે છે પછી બીજું શું કરવાનું ?... જેવી ઢંગધડા વગરની વાતો કરી બીજી રીતે દૂધ-દહીંવાળાને જ પ્રોત્સાહિત કરી રહ્યા છે એવું નથી લાગતું?’
બધું ખાનગીમાં આટોપવું ઉચિત નથી
કરમશીભાઈ જેવી વ્યક્તિને સમાજમાં આટલા બધાં આછોવાનાં કરવાનું કારણ શું? સમાજમાં એક એવી છાપ દ્રઢ થઈ રહી છે કે ઉચ્ચસ્થાને બેઠેલા જોડે તમારો સારો ઘરોબો હોય તો પછી તમે ગમે તેવો ગુનો કરો, તમારો વાળ પણ કોઈ વાંકો નહીં કરી શકે…મધરાતની પૂજાની જેમ કરમશીભાઈના પ્રકરણે પણ આટલી હદે ખાનગી રાખવાનું કારણ શું? જે હોય તે સમાજ સમક્ષ જાહેર કરી દો...
સાચા સનાતનીઓના અવાજને કોણ દબાવી રહ્યું છે?
આપણા સમાજમાં સનાતનીઓએ જ્યારે જ્યારે પણ દૂધ-દહીંવાળા અને મવાળ લોકો સામે ફરિયાદો કરી છે ત્યારે પરિણામમાં નિરાશા જ સાંપડી છે. સનાતની સમાજમાં સનાતનીઓના અવાજને જ દબાવી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે... આ બધું કોણ કરી રહ્યું છે?
બે-અઢી વર્ષ પહેલાંનો તામીલનાડુનો કિસ્સો જરા યાદ કરો... ત્યાંના પ્રખર સનાતનીઓએ શ્વેતપત્રના અમલ બાબતે ઝોનમાં મડાગાંઠ સર્જાતાં કેન્દ્રીય સમાજ પાસે ધાં નાખી અને કેન્દ્રીય સમાજના પ્રતિનિધિ મંડળે ત્યાં જઈ જે ‘સમાધાન’ કરાવ્યું તેમાં સ્થાનિક સનાતનીઓના કાંડા જ કાપી નાખ્યા હતા ! સમાજે તો પોતે જે કાર્યવાહી કરી આવ્યા તેનું ફુલગુલાબી ચિત્ર રજૂ કર્યું પણ સનાતનીઓનો અવાજ ઉઠાવનાર તામીલનાડુ ઝોનના મહામંત્રીએ નખત્રાણાની સભામાં જ્યારે ‘ભાંડાફોડ' કર્યો ત્યારે બધા અવાચક્ રહી ગયા હતા !
સમાજના મવાળ લોકો કોઈ પણ બાબતને ‘મેનેજ’ કરવાની કળામાં પારંગત હોય છે તે અત્યાર સુધીના પ્રકરણોમાંથી તો સ્પષ્ટ રીતે દેખાય છે. કરમશીભાઈએ આ પ્રકરણ કઈ રીતે ‘મેનેજ’ કર્યું છે તે તો ખબર નથી પણ સમાજમાં પૈસાદાર લોકોને જોઈ પાણી-પાણી થઈ જનાર વર્ગ પણ મોટો છે અને આ જ સમસ્યાનું મૂળ પણ છે ! આ સનાતન સત્ય છે !
અત્યાર સુધી માત્ર પ્રદિપ નાથાણી જ પૂછે છે ! પણ સમાજમાં બધા જાગૃત સનાતનીઓ પૂછતા થાય તે પહેલાં જે હોય તે જાહેર કરી દો ને....