તુલસી વિવાહ : ઉમિયા કેમ્પસ સોલા ખાતે અમદાવાદ ઝોન સમાજનું બેનમૂન આયોજન...૧૯ નવયુગલોના પ્રભુતામાં પગલાં.
અમદાવાદ ઝોન સમાજ દ્વારા તુલસી વિવાહના દિવસે ઉમિયા કેમ્પસ સોલા ખાતે યોજાયેલા ૧૦ મા સમૂહલગ્નોત્સવમાં ૧૯ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી ગૃહસ્થાશ્રમ જીવનમાં પ્રવેશ કર્યો હતો. સમૂહલગ્ન આયોજન સમિતિના અધ્યક્ષ નરસિંહભાઈ સાંખલાના અધ્યક્ષસ્થાને આ સમારોહ યોજાયો હતો.
ગત વર્ષ વૈશ્વિક કોરોના મહામારી તથા સરકારની રૂપરેખા અનુસાર આ આયોજન શક્ય બની શકેલ નહિ. આ વર્ષે આયોજન બાબતે પણ ઘણી બધી અડચણો હતી છતાં ઘટક સમાજોમાંથી સમૂહલગ્નની અસંખ્ય પુછપરછના કારણે અમદાવાદ ઝોનની સામાન્ય સભામાં આયોજન સમિતિની વિનંતીને પ્રાધાન્ય આપી ગમે તે સંજોગો હોય, સરકારની ગાઈડ લાઈન મુજબ દશમ સમૂહલગ્નોત્સવ તા.૧૫-૧૧-૨૦૨૧ ને સોમવાર, તુલસી વિવાહના રોજ સોલા-ઉમિયા કેમ્પસ, અમદાવાદ ખાતે ઉજવવાનો કૃત સંકલ્પ કરવામાં આવેલ.
આયોજન કરતા-કરતા આ શુભ અવસર ઉજવવાની તારીખ આવી ગયેલ. આયોજનના આગલા દિવસે ધ્વજારોહણના કાર્યક્રમથી શુભ શરૂઆત કરવામાં આવેલ. ઘટક સમાજો, સમિતિઓ તથા હોદ્દેદારો આ આયોજનને ફળીભુત કરવા ખભે-ખભા મિલાવી ઉમંગભેર લાગી ગયેલ.
૧૯ નવયુગલો સાથેના સાજન-માજનનું ભવ્ય સ્વાગત
ઘડિયાળના કાંટે આપેલ સમય સારણી મુજબ તા.૧૫-૧૧-૨૦૨૧ના મંગળ પ્રભાતે મા ઉમિયાના ધામે ઓગણીસ નવયુગલો તેમના સાજન-માજન સાથે પધારી ચુક્યા હતા અને તેમને આવકારવા અમદાવાદ ઝોન તથા આયોજન સમિતિના કર્ણધારોએ બંને હાથ જોડી તેમનું અભિવાદન કરી સ્વાગત કરતા હતા. મા ઉમિયા તથા ગણપતિ મહારાજની સ્તુતિથી આજના આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવેલ. ચોરીઓ તથા મંડપનું સુશોભન માણતા સાજન-માજન-આમંત્રિતો સૌ ખુશ ખુશાલ હતા. ગોર મહારાજના મંગળ ધ્વનિ-મંત્રોચ્ચારથી કન્યાઓના માંડવાની શુભ શરૂઆત તથા ૯.૦૦ વાગે વરરાજાઓને તોરણે લેવામાં આવેલ. દરેક ચોરી મંડપ સંપૂર્ણ માંગલિક રૂપે સજાવવામાં આવેલ. ગોર મહારાજના આદેશથી મામા-મામીના સહારે કન્યાઓને ચોરી મંડપમાં બિરાજમાન કરવામાં આવેલ. સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ-વિધાનથી મુખ્ય ગોર મહારાજના આદેશથી સહાયક ગોર મહારાજોએ વર-કન્યાના પાણિ-ગ્રહણ કરાવેલ. સમસ્ત જ્ઞાતિજનો સમક્ષ ચાર ફેરા-સપ્તપદી વિવિધ સંસ્કારો સંપન્ન કરવામાં આવેલ.
રાજકિય આગેવાનો સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ
લગ્નની વિધિ-વિધાનો સાથે આશીર્વચન તથા દાતાશ્રીઓના સન્માનના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. ઊંઝા તથા સોલા કેમ્પસના કર્ણધારો સર્વ શ્રી MLA બાબુભાઈ જમનાદાસ પટેલ, વાસુદેવભાઈ, બાબુભાઈ ખોરજવાળા, રમેશભાઈ દૂધવાળા, કિરીટભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ તથા કેન્દ્રિય સમાજના ઉપપ્રમુખ શ્રી જયંતિભાઈ લાકડાવાળા, મંત્રી શ્રી ડા.અશોકભાઈ ભાવાણી, લખપત તાલુકા કડવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી કાન્તિભાઈ લીંબાણી, કેન્દ્રીય સમાજ મહિલા સંઘના પૂર્વ પ્રમુખ શ્રીમતી સોનલબેન શેઠીયા, ગુ.ટી.એમ.ફેડરેશનના પ્રમુખ બાબુભાઈ માકાણી, ઉત્તર ગુજરાત ઝોન પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ તથા મહામંત્રી શ્રી ભવાનભાઈ, પાટીદાર સંદેશના તંત્રી શ્રી શામજીભાઈ સૌએ મંચની શોભા વધારી લગ્નાર્થી નવદંપતિઓને આશીર્વચન આપેલ. ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું શાલ ઓઢાડી ઝોન પ્રમુખ શ્રી આર.એન. પટેલ તથા આયોજન સમિતિના પ્રમુખ શ્રી નરસિંહભાઈ સાંખલાએ સન્માનિત કરેલ.
સમૂહલગ્નના દાતાઓનું સન્માન કરાયું
સમૂહ લગ્નોત્સવને આર્થિક રીતે પાર પાડવા સમાજના ભામાશાઓને મોમેન્ટો તથા શાલથી તેમનું ઋણભાર સ્વીકારેલ. આવા આયોજનો સખી-દાતાઓની દિલેરી સિવાય સંભવી જ ન શકે. સૌ પ્રથમ આજના આ પ્રસંગના મુખ્ય ભોજનના દાતા શ્રી ગોપાલભાઈ વાલજીભાઈ ભગત પરિવાર, શ્રી ઈશ્વર સો મીલ ગોતાવાળાનું ઝોન પ્રમુખશ્રી તથા આયોજન સમિતિના પ્રમુખશ્રી દ્વારા સન્માન કરવામાં આવેલ. ક્રમસર દરેક દાતાઓનું ભવ્યાતિભવ્ય સન્માન કરવામાં આવેલ. સર્વે દાતાઓને ઉપસ્થિત સૌ સમાજજનો તથા મહેમાનોએ તાળીઓના તાલથી હર્ષોલ્લાસથી વધાવી લીધેલ.
સર્વોત્તમ મહિલા મંડળ ઓઢવની બહેનોના ખાસ ડ્રેસ કોડે આકર્ષણ જમાવ્યું
સરકારની ગાઈડ લાઈન અનુસાર વરઘોડીયાને વળાવવાનું હોવાથી તમામ કાર્યક્રમોને ઘડિયાળના કાંટે પૂર્ણ કરી જાન વિદાય આપવા ઝોન તથા આયોજન સમિતિના હોદ્દેદારો, સ્વયંસેવકોની ટીમવિશેષમાં સર્વોત્તમ મહિલા મંડળ ઓઢવની બહેનો ખાસ ડ્રેસ કોડમાં જેઓએ દરેક ચોરીમાં તન-મનથી સેવા આપેલ તથા સૌ સમાજજનોએ બે હાથ જોડી આભાર દર્શન સાથે આમંત્રિત જાનૈયાઓને વિદાય કરી જેમકે ઘરેથી કન્યાઓ વળાવીએ છીએ તેવા ભાવવાહિ દૃશ્યો સર્જાયા હતા.
સ્વયંસેવક ભાઈ-બહેનોની કાબીલેદાદ કામગીરી
આ સંપૂર્ણ દશમસમૂહ લગ્નોત્સવનું જાજરમાન આયોજન ઝોન તથા આયોજન સમિતિએ કાબીલેદાદ રીતે ગોઠવેલ. સ્વયંસેવકોની ટીમનો અવિરત શ્રમ-ભાવનાઓએ આયોજનને ચાર ચાંદ લગાવી દીધેલ. મંડપ સ્થાપનાથી સુશોભન સુધી સંપૂર્ણ ઝીણવટથી કાળજી લેવામાં આવેલ. કોરોના મહામારીની સાવચેતી રૂપે માસ્ક પહેરવા તથા બીજી તકેદારીની ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ. સ્ટેજ સંચાલન, લગ્નના મધુર ગીતોની સુરાવલી, બેઠક વ્યવસ્થા ખુરશીરૂપે સર્વેને પુરી પાડવામાં આવેલ. સવારના આગમનની સાથે સુંદર નાસ્તાની તેમજ બપોરના સુરૂચિપૂર્ણ ભોજન પ્રસાદની વ્યવસ્થા અદ્ભુત રીતે કરવામાં આવેલ. સ્ટેજ સંચાલકની ટીમના ડા.શ્રીમતી ચંદાબેન ભાવાણીની અમદાવાદ શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી તરીકે વરણી થતા તેમનું ઉપસ્થિત મહેમાનો તથા ઝોન તેમજ આયોજન સમિતિના પ્રમુખ દ્વારા સન્માન કરવામાં આવેલ.
આયોજનની અંતિમપળો બાદ તમામસમિતિઓ તથા હોદ્દેદારોની એક સમીક્ષા બેઠક યોજી સમગ્ર આયોજનનું સમાલોચન કરવામાં આવેલ. વિના-વિધ્ને આયોજન પાર પાડવા બદલ આયોજન સમિતિના પ્રમુખ શ્રી નરસિંહભાઈ સાંખલા તથા મહામંત્રી શ્રી ડા.વિઠ્ઠલભાઈ ભાવાણીએ સૌનો હૃદયપૂર્વક આભાર માનેલ. કચ્છથી મુખ્ય ગોર મહારાજ શ્રી નારાયણભાઈ દસ-દસ વર્ષથી અમૂલ્ય સેવા શાસ્ત્રોક્ત વિધિથી સ્પષ્ટ મંત્રોચ્ચારથી લગ્નવિધિ કરાવવા બદલ તેમનો આભાર...
આગામી સમૂહ લગ્નોત્સવ તા.૬-૧૧-૨૦૨૨ને રવિવારના રોજ નિર્ધારિત કરેલ. આ અનેર અવસરની યાદ આવતા સમૂહ લગ્નોત્સવ સુધી દરેકના હૈયામાં ગુંજ્યા કરશે...