શોકમગ્ન શ્રીરામપોર : જઘન્ય હત્યાકાંડથી દેશભરમાં અરેરાટી...મૃતકોના નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન...કાતિલ હત્યારો યોગેશ ભાવાણી હજુ પણ પોલીસ પકડથી દૂર... સમગ્ર સમાજ સ્તબ્ધ!
પશ્ચિમ બંગાળના નદાન, સિંગુરમાં બનેલ જઘન્ય હત્યાકાંડે સમગ્ર સમાજને હચમચાવી નાખ્યો છે !
એક સુખી સાધન-સંપન્ન પરિવાર આ રીતે અચાનક કોઈ ફરચકકલના મનસૂબા સાકાર ન થવાના કારણે નેસ્તનાબૂદ થઈ જાય તેની કલ્પના પણ થઈ શકે ખરી? કાનાણી પરિવારને જે ક્રુરતાથી રહેંસી નાખવામાં આવ્યો તે જોઈને ભલભલાના કાળજાં કંપી ઉઠે તેમ છે...
સમાજના ઇતિહાસની સૌથી ક્રુર-કલંકિત ઘટના
માદરે વતનથી હજજારો કિ.મી.દૂર બંગાળના અંતરિયાળ ગામડામાં મહેનત કરી પૈસેટકે સુખી થયેલ કાનાણી પરિવાર આ સુખ સાહ્યબી ભોગવે તે પહેલાં જ જમદૂત બનીને આવેલ સગા મામાના દીકરાએ જે બેરહેમીથી પોતાના ફુઆ અને બાકીનાને મોતને ઘાટ ઉતાર્યા તે કલંકિત ઘટનાનો આપણા સમાજના ઇતિહાસમાં પણ જોટો જડે તેમ નથી...
...અને ધૂંધવાયેલો યોગેશના મનમાં ખૂન સવાર થઈ ગયું ?
આરોપી હત્યારા યોગેશ ભાવાણીએ ઘટનાની આગલી રાત્રે જ ફુઆના ઘરમાં ઝગડો કર્યો હતો તેવું કહેવાય છે. આ ઝઘડો કરી તે ધૂંધવાઈને ચાલ્યો ગયો હતો અને બીજા દિવસે વહેલી સવારના આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. રાત્રીના ઝઘડા બાદ તેના માનસ પર ખૂન સવાર થઈ ગયું હતું...વેર વાળવાના પ્લાન તે ઘડીએ જ યોગેશે મનમાં ઘડી કાઢયા હતા...
નાનો ભાઈ દીપક ભાવાણી પોલીસ હિરાસતમાં...
સીસીટીવી કેમેરાના બહાર આવેલ ફૂટેજમાં તે લોખંડની ટામી જેવા હથિયાર સાથે એકલો જ ફરતો જોવા મળ્યો હોવાનું કહેવાય છે પણ પોલીસે આજે તેના નાના ભાઈ દીપકની આકરી પૂછપરછ કરી હતી અને તેના કેટલાક ખુલાસામાં વિસંગતતાઓ જણાતાં હત્યાના આ કાવત્રામાં તેની શકમંદ તરીકે અટક કરી હતી. યોગેશ ભાવાણી હજુ સુધી પોલીસ પકડથી દૂર છે પણ ખૂબ જલ્દી તે પકડાઈ જશે તેવી પોલીસને આશા છે. યોગેશની બિહારી પત્નીનું કનેકશન પણ પોલીસ તપાસી રહી છે.
આ ભાવાણી પરિવારની દાસ્તાન પણ અતિ ચોંકાવનારી !
યોગેશ ભાવાણીના પરિવાર વિશે જે વિગતો જાણવા મળી છે તે ચોંકાવનારી છે...ત્રણે ભાઈઓ આમ તો ફુઆની સો મીલમાં જ રહે છે. મોટો ભાઈ જીતુ ડિવોર્સી છે તો યોગેશે બિહારી મહિલા સાથે લગ્ન કરેલા હોઈ તે અલગ રહે છે. સૌથી નાનો ભાઈ દીપક હજુ કુંવારો છે. આ ત્રણેય ભાઈઓની માતા તેમની સાથે નદામાં જ રહે છે.
આશ્ચર્યની વાત તો એ છે કે તેમના પિતા જયંતિલાલ ભાવાણી તેમની પ્રથમ પત્ની હયાત હોવા છતાં બીજી કોઈ સ્ત્રી સાથે લગ્ન કરી અહીંથી ભાગી ગયા છે અને હાલમાં ક્યાં છે તે અંગે કોઈ અતોપતો નથી !!
આ ભાવાણી પરિવાર કચ્છમાં લખપત તાલુકાના ઘડુલી ગામનો છે પણ નવાઈની વાત તો એ છે કે ઘડુલી ગામમાં ભાગ્યે જ કોઈ આ પરિવારને ઓળખે છે! ઘડુલી સમાજના એક અગ્રણીના જણાવ્યા મુજબ આ પરિવાર પહેલેથી સમાજથી અલિપ્ત રહે છે એટલે ગામમાં કોઈ ન ઓળખે તે સ્વાભાવિક છે.
દીકરી સંગીતા ચોધાર આંસુડે રડે છે...
કાનાણી પરિવારની એકમાત્ર દીકરી સંગીતાના લગ્ન નાગપુરમાં લવ પટેલ (સીએ) સાથે થયાં છે. દીકરી-જમાઈ અને ગાંધીધામ રહેતા હરેશભાઈ કાનાણી ( માવજીભાઈ કાનાણીના ભાઈ )મોડીરાત્રે જ નદાન પહોંચી ગયા છે. સંગીતાના ભાઈ ભાવિકની સગાઈ થોડા સમય પહેલાં જ થઈ છે અને ભાઈના લગ્નમાં મહાલવાના સપનાં જોતી સંગીતાના જીવનમાં આમ અચાનક જ ઘનઘોર અંધકાર આવી જતાં અસહ્ય પરિસ્થિતિ સર્જાઈ છે...ભારે આઘાત વેઠી રહેલ આ દીકરીને કેમ સંભાળવી તે શ્રીરામપોર સમાજને સમજાતું નથી !
કાનાણી પરિવાર ધાડપાડુથી ત્રણ-ત્રણ વખત બચી ગયો પણ સાળાના દીકરાએ તેમના રામ રમાડી દીધા...
નદાન સિંગુર પાસે આવેલ નાનું ગામ છે.આ વિસ્તારમાં આપણા સમાજની ૪૦૦ જેટલી વસ્તી છે અને શ્રીરામપોર પાટીદાર સમાજમાં આવે છે. સમાજવાડી બૈધબટીમાં છે.
ભૂતકાળમાં નદાન ખાતે આ કાનાણી પરિવારની સો મીલમાં જ આવેલા ઘરમાં ત્રણ-ત્રણ વખત લૂંટફાટ થઈ હતી જેનાથી ત્રાસીને હરેશભાઈ ભાવાણી ગાંધીધામ શીફટ થઈ ગયા હતા પણ માવજીભાઈ ત્યાં જ રહી ગયા હતા. તેઓ ધાડપાડુઓથી તો બચી ગયા પણ યોગેશ ભાવાણીનો પ્રહાર ખમી ન શકયા...
શ્રીરામપોર સમાજ સ્તબ્ધ,શોકમગ્ન, સૂનમૂન...
કાનાણી પરિવારની આ ઘટનાથી અહીંનો સ્થાનિક સમાજ તો રીતસરનો હેબતાઈ ગયો છે... મૃતકોના માનમાં આજે સ્થાનિક સમાજના ભાઈઓએ તેમના ધંધા રોજગાર સંપૂર્ણપણે બંધ રાખ્યા હતા. શ્રીરામપોર સમાજની કેવી હાલત થઈ હશે તેની તો કલ્પના જ કરવી રહી...મૃતકોની લાશ પોસ્ટમોર્ટમ પછી જયારે સમાજના હવાલે કરવામાં આવી ત્યારે કઠણ માણસનું કાળજું પણ કંપી ઉઠે તેવા રહદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા... સમગ્ર શ્રીરામપોર સમાજે આજે ચાર-ચાર અર્થીઓને અશ્રુભરી આંખે વિદાય આપી ત્યારે અતિ ગંભીર માહોલ સર્જાયો હતો...ભડભડ બળતી ચિંતાઓમાંથી નીકળતી જવાળાઓ અને ધુમ્રસેરનું એ અણગમતું દ્રશ્ય કયારેય મનમાંથી નીકળવાનું નથી... શ્રીરામપોર સમાજને જોવા પડયા છે એવા કપરા દિવસો ભગવાન કોઈને પણ ન બતાવે તેવી પરમકૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના...