નારાજગી : ઈમામના અનુયાયીઓને ખુશ રાખી મા ઉમાના સંતાનોને નારાજ કરવાની ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાની નીતિ સામે કેન્દ્રીય સમાજનો ખુલ્લો વિરોધ ! કેન્દ્રીય સમાજના હોદ્દેદારો અમદાવાદના શિલાન્યાસ મહોત્સવમાં નહીં જાય.
ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા વિધર્મીઓને ખૂલ્લેઆમ છાવરવાના વ્યવહારથી નારાજ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજે ૧૧ થી ૧૩ ડિસેમ્બરના સોલા, અમદાવાદ ખાતે યોજાનાર મા ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવથી દૂર રહેવાની જાહેરાત કરી છે.
મુઠ્ઠીભર પીરપંથીને કેમ ખુશ રાખો છો?
કેન્દ્રીય સમાજ દ્વારા તા. ૮/૧૨/૨૦૨૧ ના ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાને પાઠવેલ પત્રમાં વિધર્મીઓ તરફ ઊંઝા સંસ્થાન દ્વારા આર્થિક લાભ ખાટવા માટે જે રીતે તેમને છાવરવામાં આવી રહ્યા છે તે પરત્વે સખ્ત વિરોધ દર્શાવી શેષ બચેલા મુઠ્ઠીભર પીરપંથીઓને ખુશ કરવા કચ્છ કડવા પાટીદાર સમાજના લાખો સનાતની સભ્યોને નિરાશ કર્યાનો ખુલ્લો આક્ષેપ કર્યો છે.
લક્ષચંડી વખતે પણ આવું જ કરેલું !
આગાઉ લક્ષચંડી યજ્ઞ વખતે પણ ઊંઝા સંસ્થાન દ્વારા છેલ્લી ઘડીએ આવો જ વહેવાર કરવામાં આવ્યો હતો જેના કારણે કેન્દ્રીય સમાજના ધુરંધરો માટે ભયાનક ધર્મસંકટ ઉભું થયું હતું. તે વખતે સમાજના કેટલાક વરિષ્ઠ હોદ્દેદારોએ એ કાર્યક્રમમાં હાજરી આપતાં ભારતભરમાં જ્ઞાતિ સમુદાયમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા...
આ વખતે સમાજ જાગૃત રહ્યો...
પણ આ વખતે કેન્દ્રીય સમાજના અગ્રણીઓ પહેલાંથી જ સજાગ હતા અને અમદાવાદના શિલાન્યાસ મહોત્સવમાં વિધર્મીઓને સામેલ કરવામાં આવી રહ્યા છે તેની ખબર પડતાં જ એકશન મોડમાં આવી ગયા હતા અને તેના પરિપાકરૂપે સમાજે ૮ ડિસેમ્બરે ઊંઝા સંસ્થાનને પત્ર પાઠવી સમાજની લાગણી વ્યક્ત કરી દીધી છે.પણ લક્ષચંડી યજ્ઞ વખતની જેમ આ વખતે પણ કોઈ પરિણામ આવે તેવી સંભાવના નથી...
ઊંઝા સંસ્થાએ જ લવાદ કમિટીનો ચૂકાદો આપ્યો હતો...
અત્રે એ યાદ રહે કે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના સનાતન અને સતપંથના વિવાદ અંગે ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા તત્સમયના પ્રમુખ નારાયણભાઈ પટેલના પ્રમુખપદે એક લવાદ કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું અને આ કમિટીએ તા.૮/૧૦/૨૦૧૭ ના મા ઉમાનો આદેશ આપી સમાજની વાતને અનુમોદન આપ્યું હતું અને સતપંથીઓને વહેવારમાંથી ઈસ્લામિક છાંટવાળી બાબતો દૂર કરવા આદેશ આપ્યો હતો.
વાંઢાય સંસ્થા શું કરશે?
કેન્દ્રીય સમાજના એક પણ પદાધિકારી અમદાવાદમાં ૧૧ થી ૧૩ ડિસેમ્બર દરમિયાન યોજાનારા શિલાન્યાસ મહોત્સવમાં હાજર રહેવાના નથી પણ મહોત્સવની આમંત્રણ પત્રિકામાં વાંઢાય સંસ્થાનના પ્રમુખ હંસરાજભાઈ ધોળુનું નામ પાટીદાર સમાજ શ્રેષ્ઠી તરીકે છપાયેલ છે તો તેઓ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે કે કેમ તે અંગે જ્ઞાતિજનોમાં જાગેલ ચર્ચાને લઈ, આ બાબતે હંસરાજભાઈનો મત જાણવા પાટીદાર સૌરભે પ્રયાસ કર્યો હતો પણ તેમનો કોઈ જ પ્રતિભાવ સાંપડી શક્યો નથી.