વસમી વિદાય: સરહદી સિયોતના યુવાન સરપંચ ગંગારામ રૂડાણી માટે હૃદયરોગનો હુમલો જીવલેણ બન્યો...લખપત પંથકમાં શોકનું મોજું.
કચ્છની સરહદ પર આવેલ પાટીદારોના છેલ્લા ગામ એવા લખપત તાલુકાના સિયોત ગામના યુવા સરપંચ ગંગારામ અરજણભાઈ રૂડાણીનું આજે વહેલી સવારના હૃદયરોગના હુમલામાં મૃત્યુ થતાં પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
ભર નિદ્રામાં જ જોરદાર હુમલો આવ્યો
૪૮ વર્ષિય ગંગારામભાઈ રૂડાણીને આજે વહેલી સવારના ચાર વાગ્યે શિયાળાની કાતિલ ઠંડીમાં ભર નિદ્રામાં હતા ત્યારે જ જોરદાર હાર્ટએટેક આવ્યો હતો અને સારવાર નસીબ થાય તે પહેલાં જ તેમનું મોત થઈ ગયું હતું.
હાલમાં જ બીજી વાર સરપંચપદે ચૂંટાયા હતા
હજુ ગયા મહિને જ યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તેઓ બીજી વખત સિયોતના સરપંચ તરીકે ચૂંટાયા હતા. તેમને જીતાડવા માટે સિયોતના બહાર રહેતા પાટીદારો પણ મોટી સંખ્યામાં મતદાન કરવા આવ્યા હતા.
સિયોત કડવા પાટીદાર સમાજના કારોબારી સભ્ય તરીકે પણ તેઓ સ્થાનિકે સક્રિય રીતે કાર્યરત હતા.તેમના નિધનથી સિયોત સમાજને મોટી ખોટ પડી છે. તેઓ તેમની પાછળ ધર્મપત્ની, બે પુત્રો, પુત્રી અને માતાને વિલાપ કરતા મૂકી ગયા છે.